ગુંદીયાળીમાં જાનના જોખમે ૨ મજૂરોને વહીવટીતંત્ર તથા NDRFની ટીમે ૩ કિ.મી દલદલમાં ચાલીને રેસ્કયુ કર્યા
દરિયાકાંઠાના વિસ્તારમાં મીઠાની કંપની આસપાસ વરસાદી પાણી
ભરાઇ જતાં ૨૪ કલાકથી વધુ સમયથી મજૂરો પાણી વચ્ચે ફસાયેલા હતા
વહેલી સવારે હાથ ધરાયેલા રેસ્કયુ ઓપરેશનમાં ૪ થી ૫ ફૂટ પાણી તથા દલદલમાં ચાલીને ઉંચા ટેકરા પર આશરો લીધેલા બે મજૂરોને ૩ કલાકની મહેનત બાદ સલામત બહાર કઢાયા
ભુજ, શુક્રવાર: કચ્છ પર આવેલી કુદરતી આફતમાં એકપણ મહામૂલી જીંદગી જોખમમાં ન મુકાય અને ત્વરાએ કામગીરી કરીને અસરગ્રસ્તો સુધી મદદ પહોંચે તે માટે કલેકટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શનમાં સમગ્ર કચ્છ જિલ્લાનું વહીવટીતંત્ર માનવીય અભિગમ સાથે ખડેપગે કામગીરી કરી રહ્યું છે. આ જ અભિગમને સાર્થક કરતી કામગીરી આજરોજ માંડવી તાલુકામાં દરીયાકાંઠાના ગુંદીયાળી ગામમાં મીઠાની કંપનીમાં કામ કરનારા અને કંપની આસપાસ વરસાદી પાણી ફરી વળતા મુસીબતમાં ફસાયેલા ૨ મજૂરોનું રેસ્કયું કરવામાં આવ્યું હતું. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એ.એસ.હાશ્મીએ જણાવ્યું હતું કે, માંડવી તાલુકામાં વરસેલા ભારે વરસાદના પગલે દરીયાકાંઠાના ગુંદીયાળી ગામ પાસે મરીન સોલ્ટ વર્કસમાં કામ કરતા બે મજૂરો ૩ થી ૪ ફૂટ પાણી ફરી વળતા કંપની નજીક જ ફસાઇ ગયા હતા. તેઓએ નજીકના ઉંચા ટેકરા પર આશરો લીધો હતો. પાણીનો ભરાવો તથા દલદલ વાળો વિસ્તાર હોવાથી જેસીબી, ટ્રેકટર કે હોડીથી અંદર ૩ કિ.મી જવું મુશ્કેલ હતું. આ દરમિયાન વહીવટીતંત્ર મોબાઇલથી મજૂરોના સતતમાં સંપર્કમાં રહીને તેની સ્થિતિની જાણકારી મેળવી રહ્યું હતું. પાણીનો ભરાવો એટલો વધુ હતો કે, તા.૨૯ના સવારે પ્રયાસ કરવા છતાં સફળતા ન મળતા ફરી ફરી રાત્રે ૨ વાગ્યે દલદલવાળા વિસ્તારમાં જવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. આ દરમિયાન સમગ્ર રાત્રિના કલેકટરશ્રી અમિત અરોરા તથા અધિક નિવાસી કલેકટરશ્રી મિતેશ પંડયા સતત અધિકારીશ્રીઓના સંપર્કમાં રહીને માર્ગદર્શન સાથે પળપળની માહિતી મેળવીને મજૂરોની સતત ચિંતા સેવી રહ્યા હતા. અંતે ૩૦મી ના સવારે ૭ કલાકે ફરી રેસ્કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
રેસ્કયુ ઓપરેશનમાં એનડીઆરએફના ૯ જવાનો, ડીએસઓશ્રી એ.એસ.હાશ્મી, સર્કલ ઓફીસરશ્રી વિજયસિંહ જાડેજા જોડાયા હતા. મજૂરોએ જયાં આશરો લીધો હતો ત્યાં પહોંચવા સતત ૩ કિ.મી દલદલવાળા વિસ્તારમાં ચાલીને ૩ કલાકના અંતે ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં સફળતા મળી હતી. ૩ થી ૪ ફુટ સુધી ભરાયેલા પાણી તથા દલદલ વચ્ચે જીવના જોખમે અધિકારીશ્રીઓ તથા એનડીઆરએફના જવાનોએ ચાલીને બે જીદંગીને બચાવી રાજય સરકારના માનવીય અભિગમના દ્રષ્ટિકોણને સાર્થક કર્યો હતો.

Comments