Trending News
સ્થાનિક સમાચાર

કોઠારામાં આકાશી આફતનો તાગ મેળવવા રેન્જ આઈજી દોડી ગયા

30 August


પશ્ચિમ કચ્છના મોટાભાગના પોલીસ સ્ટેશનો પાણીમાં ગરકાવ થયા : આફતની સ્થિતિમાં ગુજરાત પોલીસ, હોમગાર્ડ, જીઆરડી સહિત સૈન્ય પાંખો દેવદૂત બનીને આવી 

ભુજ : ડિપ ડિપ્રેશનની અસર તળે પશ્ચિમ કચ્છમાં છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અબડાસા, માંડવી, મુંદરા સહિતના વિસ્તારમાં અતિવૃષ્ટિ સમાન સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે કોઠારામાં આભ ફાટ્યું હોય તેમ એક સાથે ૧પ ઈંચ પાણી વરસી જતાં આખુ ગામ ડૂબમાં આવી ગયું હતું. કોઠારામાં દરેક ઘરોમાં પાણી ઘુસી જવા સાથે પોલીસ સ્ટેશનમાં પાણી ઘુસી ગયા હતા. પોલીસ દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરી જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છમાં એસપીની જગ્યા છેલ્લા અઢી મહિનાથી ખાલી પડી છે. પૂર્વ કચ્છના એસપી પાસે ચાર્જ છે. પરંતુ પૂર્વ કચ્છમાં પણ આકાશી આફતનો ખતરો મંડરાતો હોવાથી રેન્જ આઈજી પોતે અબડાસામાં પહોંચી ગયા હતા. કોઠારા વિસ્તારમાંથી સ્થિતિનો તાગ મેળવી અસરગ્રસ્તો સાથે વાતચીત કરી આવી વિકટ સ્થિતિમાં પણ લોકોની પડખે ઉભા રહેનારા પોલીસ જવાનોના જુસ્સાને બિરદાવ્યો હતો. 
ખાસ કરીને દરિયાકાંઠાના જખૌ, નારાયણસરોવર, કોટેશ્વર વિસ્તારમાં સાઈક્લોનિક અસર તળે પવનના ભારે સપાટા સાથે દરિયામાં મોજા ઉછળતા હોઈ તમામ સુરક્ષા કર્મચારીઓને સાવધાની રાખવા અને સ્થળાંતર સાથે ઝીરો કેજ્યુલીટી પર ભાર મુકવામાં આવ્યો છે. નારાયણસરોવર વિસ્તારમાં પાણીની સપાટી વધતા તિર્થધામ વિખુટુ પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં જયાં પાણીના વહેણ છે ત્યાં પોલીસ, જીઆરડી, હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવી દેવા સાથે સરહદી વિસ્તારમાં સૈન્ય જવાનો લોકોની મદદે દેવદૂત બનીને આવ્યા છે. જેમાં આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિતનાનો મહત્વનો ફાળો છે.

Comments

COMMENT / REPLY FROM