અતિવૃષ્ટિની ઉદ્દભવેલી પરિસ્થિતિની પ્રભારીમંત્રીએ સમીક્ષા કરાઈ
કચ્છ જીલ્લા ભાજપ દ્વારા આપાતકાલીન બેઠકનું આયોજન કરાયું
ભુજ : કચ્છમાં ડીપ ડિપ્રેશનના પરિણામે ઉભી થયેલ ચક્રવાત અને અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિની સમીક્ષા કરવા સંદર્ભે તાત્કાલિક અસરથી ખાસ કચ્છ દોડી આવેલા પ્રભારીમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં કચ્છ જીલ્લા ભાજપ દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા અને કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં વર્તમાન પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા અને કોઈ પણ પ્રકારની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે મનોમંથન કરવામાં આવ્યું હતું.પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્ય સરકાર અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અવિરત પણે કાર્યશીલ છે. રાજ્ય સરકારના આદેશ અનુસાર તમામ પ્રભારીમંત્રીઓ સરકારના પ્રતિનિધિ બનીને પોતપોતાના પ્રભાર ક્ષેત્રમાં પરિસ્થિતિનો તકાજો મેળવવા પહોંચી ગયા છે. બેઠકમાં કચ્છ જિલ્લા ભાજપના સંગઠનના પદાધિકારીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને સાથે રાખીને તેમની પાસેથી તેમના મંતવ્યો અને અભિપ્રાયો જાણીને આ સંદર્ભે વિશેષમાં વહીવટી તંત્ર સાથે સંકલન સાધવામાં આવશે. નીચાણ વાળા જોખમી વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત આશ્રયસ્થાનો સુધી સ્થળાંતરિત કરીને તેમને ફૂડ પેકેટ પહોંચાડવા સુધીની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે. જિલ્લા સમાહર્તાની અધ્યક્ષતામાં સમગ્ર વહીવટી તંત્ર સહીત પોલીસ, પીજીવીસીએલ, પાણી પુરવઠા, શહેરી વિસ્તારોમાં નગરપાલિકાની સમગ્ર ટીમ તેમજ કાંઠાળ વિસ્તારોમાં કોસ્ટગાર્ડ સહિતની ટીમોને પૂરજોશથી તેમની કામગીરીમાં પ્રવૃત કરવામાં આવ્યા છે.
સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે એક એક પળે પળે ઘટતી ઘટનાઓને મોનિટરાઇઝ કરવામાં આવી રહી છે અને કચ્છના લાંબા ભૌગોલિક ક્ષેત્રને નજરમાં રાખીને પ્રત્યેક વિસ્તારમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખીને રાહત અને બચાવ કામગીરી ઝડપભેર ચાલી રહી છે. આફતને અવસરમાં પલટી નાખવાના કચ્છીજનોના હુન્નર અને ખમીરના સથવારે કુદરત સામે બાથ ભીડવાના વધુ એક જંગમાં પણ વિજય મેળવશું એવો દ્રઢ વિશ્વાસ છે.
કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, સમગ્ર કચ્છ જિલ્લા ભાજપ પરિવાર આ સમયે કચ્છીઓની સાથે છે. લોકોની આપાતકાલીન જરૂરિયાતોને વાચા આપવા અને તેના ત્વરિત નિરાકરણ માટે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા એક જિલ્લા કક્ષાની હેલ્પલાઇન સેવા પણ ચાલુ કરવામાં આવી છે અને આ ઉપરાંત તમામ સત્તર મંડલો ખાતે પણ મંડલ સ્તરે હેલ્પલાઇન સેવા કાર્યરત કરવામાં આવી છે.
બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઇ આચાર્ય, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષો ડો. મુકેશભાઈ ચંદે, શીતલભાઈ શાહ, જિલ્લા ભાજપ મંત્રી પ્રફુલ્લસિંહ જાડેજા, વિંજુબેન રબારી, મોરચાના પ્રમુખો અશોકભાઈ હાથી, તાપસભાઈ શાહ, ગોદાવરીબેન ઠક્કર, આમદભાઈ જત, ભુજ શહેર ભાજપ પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી સહિત ભુજ શહેર અને તાલુકા સંગઠનના હોદ્દેદારો, નગરસેવકો તેમજ અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

Comments