માંડવીમાં ભારે પવન અને વરસાદથી આફતની સ્થિતિ : ઠેર ઠેર જળભરાવ
ભારે પવન ના પગલે વીજ માળખાને વ્યાપક નુકસાનઃ વાહન, રસ્તા, અને પાણી પુરવઠાના સાધનોને ભારે નુકસાન : શહેરનો મોટાભાગનો વિસ્તાર ગોઠણ સમા પાણીમાં ગરકાવ : માંડવીવાસીઓએ આખી રાત વિતાવી અંધારામાં : માંડવીના રુકમાવતી પટ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને કરાવાયું સ્થળાંતર : સવારે પવનનું જોર અને વરસાદે વિરામ લેતા લોકોને રાહત
માંડવી : કચ્છનું બંદરીય શહેર બેટમાં ફેરવાઈ ગયું છે. ભારે પવન સાથે થયેલા વરસાદના કારણે શહેરમાં ફેર ફેર જળ ભરાવ થયો છે. ગત રાત્રીએ સુસ્વાટા મારતા વેગીલા વાયરાથી માંડવીવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. શહેરનો મોટાભાગનો વિસ્તાર ગોઠણ સમા પાણીમાં ગરકાવ થયો હતો. ભારે પવન ના પગલે વીજ માળખાને વ્યાપક નુકસાન થયું છે.માંડવીવાસીઓએ આખી રાત અંધારામાં વિતાવી હતી. આજે સવારે પવનનું જોર અને વરસાદે વિરામ લેતા લોકોને રાહત મળી હતી.શહેરમાં છેલ્લા ૭૨ કલાકમાં ધરાસી વરસેલા વરસાદથી શહેર અને નજીકના વિસ્તારોમાં હાલત બગડી છે. ભારે પવન સાથે આવેલા આ વરસાદે શહેરને આફતની સ્થિતિમાં ધકેલી દીધું છે. શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી, જેનાથી લોકોએ રાતભર ભારે તકલીફનો સામનો કર્યો. માંડવીના રુકમાવતી પટ અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. માંડવીના જહાજવાડામાં અનેક જગ્યાએ વહાણોને પણ નુકસાન થયું છે, અને કેટલાક રસ્તાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદને કારણે શહેરના આંતરિક માર્ગો પર પાણી ભરાવાની સ્થિતિ છે, અને અનેક રસ્તા જર્જરિત બની ગયા છે. શહેરના પૌરાણિક નાગનાથ મહાદેવ મંદિરમાં પણ પાણી ભરાવાનું જોવા મળ્યું, જેનાથી શિવલિંગ પર નદીના પાણીથી જળાભિષેક થયો. આ પહેલી વાર નથી, ૧૦ વર્ષ પહેલાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી. માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન અને વરસાદથી લોકોને પરેશાની થઈ છે. કોડાય-મદનપુરા વચ્ચેનો રસ્તો પણ પાણી ભરાવાના કારણે બંધ થઈ ગયો છે. કોડાય ગામના મહાજનના પ્રમુખે જણાવ્યું હતું કે, વરસાદથી નિરાધાર પશુઓને દાણ અને કૂતરાઓને રોટલા ખવડાવવાનો વ્યવસ્થા કરવામાં આવી છે.આ વર્ષે માંડવીમાં અત્યાર સુધી ૧,૫૧૬ મિ.મી. વરસાદ પડ્યો છે, અને મોસમનો આ આંકડો સતત વધી રહ્યો છે. તંત્ર દ્વારા હાલ રેસ્કયૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, અને સુરક્ષા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વાહન, રસ્તા, અને પાણી પુરવઠાના સાધનોને ભારે નુકસાન થયું છે, ગત રવિવાર થી અવિરત વરસી રહેલા વરસાદે માંડવી શહેરની દશા બગાડી છે. માંડવીવાસીઓ હવે વાતાવરણ ખુલ્લું થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

Comments