પશ્ચિમ કચ્છના ૪૪૬ ગામોમાં વીજ પુરવઠો ઠપ્પ
પીજીવીસીએલના જોઈન્ટ એમડી રાજકોટથી કચ્છ આવવા રવાના : ભુજ વર્તુળ કચેરીની ૬૦ ઉપરાંત ઉત્તર - ગુજરાત અને ભાવનગર સહિતની ૮૦ ટીમો યુદ્ધના ધોરણે સમારકામ માટે મેદાને : કાંઠાળ વિસ્તારમાં વીજ માળખાને વ્યાપક નુકશાન : મુંદરાનું ૬૬ કેવી સબ સ્ટેશન પાણીમાં ગરકાવ : માંડવીના ગુંદીયાળી સબ સ્ટેશનમાં જળભરાવ : કોઠારા પીજીવીસીએલ કચેરીમાં ભરાયા પાણી
ભુજ : બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ્રેશનની અસર તળે કચ્છ જિલ્લામાં પાંચ દિવસ વ્યાપક વરસાદ થતા માળખાકીય સેવાઓને મોટું નુકશાન થયું છે. ખાસ કરીને રોડ રસ્તા, પાણી પુરવઠા અને વીજળીની સેવાઓને ક્ષતિ પહોંચી છે. પીજીવીસીએલ ભુજ સર્કલના અધિક્ષક બી. સી. રાઠોેડે વિગતો આપતા જણાવ્યું હતું કે, પશ્ચિમ કચ્છના છ તાલુકાના ૪૬ર ગામો પૈકી ૪૪૬ ગામોમાં વીજ સેવાઓ ખોરંભાઈ છે. ડીપ્રેશનની અસર ઓછી થતા અને પવનનું જોર ઘટતા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું છે. શ્રી રાઠોડે જણાવ્યું હતું કે, ભુજ વર્તુળની ૬૦ ટીમો ઉપરાંત ઉત્તર ગુજરાત અને ભાવનગરની દસ દસ ટીમો સહિત કુલ્લ ૮૦ જેટલી ટીમો સમારકામ માટે કાર્યરત થઈ છે. ખાસ કરીને મુંદરા, માંડવી, અબડાસા પંથકમાં વીજ માળખાને મોટું નુકશાન થયું છે. મુંદરાની ૬૬ કેવી સબ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું છે. માંડવીના ગુંદીયાળીના ૬૬ કેવી સબ સ્ટેશનમાં અને કોઠારા પીજીવીસીએલ કચેરીમાં પણ પાણી ભરાયા છે. વીજ વિભાગ દ્વારા અર્બન વિસ્તારમાં હોસ્પિટલ, પાણી પુરવઠા જેવી આવશ્યક સેવાઓના વીજ જોડાણો પૂર્વવત કરવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કાંઠાળ વિસ્તારમાં વીજળીના ૩૩૮ જેટલા વીજપોલ ધરાશાયી થતા કોન્ટ્રાકટરોની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે નવા પોલ ઉભા કરવાની કામગીરી પવનની ગતિ ધીમી પડતા શરૂ કરવામાં આવી છે. વીજ તંત્ર પાસે વીજ થાંભલાઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેને વાહનોમાં લોડ કરીને જરૂરીયાતના સ્થળો પર મોકલવા તૈયાર રાખવામાં આવે છે. વીજપોલ ઉપરાંત જરૂરી તમામ મટેરીયલનો પુરતો જથ્થો એકત્ર કરવામાં આવે છે. વરસાદ અને પવનની ઝડપ ઓસરતા વીજ તંત્રની ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પીજીવીસીએલના જોઈન્ટ એમડી પ્રીતિ શર્મા પણ રાજકોટથી કચ્છ આવવા રવાના થયા છે. આજે બપોર સુધી અર્બન વિસ્તારોના વીજ પુરવઠાને પુનઃ સ્થાપીત કરી લેવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. ગઈકાલ સાંજથી આજે પરોઢ સુધી ડીપ્રેશનની અસર તળે ફુંકાયેલા ભારે પવનના કારણે કાંઠાળ કચ્છના વીજ માળખાને વ્યાપક નુકશાન થયું હોવાનું તેમણે
ઉમેર્યું હતું.

Comments