કચ્છ પર સ્થિર થયેલું ડીપ્રેશન વાવાઝોડામાં ફેરવાય તેવી આશંકા
ઓગષ્ટમાં વાવાજોડુ ત્રાટકવુ, ભાગ્યે જ બનતી ઘટના કહેવાય
આજે બપોરે ર વાગ્યાની સ્થિતીએ ડીપ ડીપ્રેશન ભુજથી ૬૦ કીમી ઉત્તર પશ્ચીમે સ્થિર : ગઈકાલે ભારે પવનના લીધે કંડલામાં જનરલ કાર્ગો હેન્ડલીંગ થયુ પ્રભાવિત : લીકવીડ કાર્ગો ૧લાખ ર૦ હજાર ટન કરાયો હેન્ડલ : બાર્જ-ક્રાફટની જનરલ એસઓપી આજે પણ અમલી રખાઈ : આવતીકાલે બપોર સુધીમાં ડીપ ડીપ્રેશન નારાયણ સરોવરના દરીયાને ટચ કરશે ત્યારે તીવ્રતા વધવાની વકી
ભુજ : બંગાળની ખાડીમાં સર્જાયેલ અને હાલે કચ્છ પર સ્થિર થયેલ ડીપ ડીપ્રેશન સિસ્ટમ મજબુત થઈ છે. આ સિસ્ટમને સંભવિત સાયકલોન તરીકે ટ્રેક કરવાનું વિદેશી વેધર એજન્સીઓએ શરૂ કર્યું છે. ભારતીય હવામાન વિભાગે પણ આ સીસ્ટમ આવતીકાલ સુધી કચ્છના પશ્ચિમ કાંઠા પર આવી વાવાઝોડામાં ફેરવાઈ જશે તેવી આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં વાવાઝોડું બનવું તે એક રેરેસ્ટ ઓફ ધ રેર એટલે કે ભાગ્યે જ બનતી ઘટના છે. અત્યાર સુધીના ઈતિહાસમાં સીસ્ટમ મજબુત બનીને વાવાઝોડામાં ફેરવાઈ હોય તેવું ફકત એક વખત ૧૯૭૬ માં બન્યું હતું. જે તે સમયે પશ્ચિમ કચ્છના કાંઠે સીસ્ટમ વાવાઝોડામાં ફેરવાઈ હતી. આ ઈતિહાસ ૪૮ વર્ષ બાદ રીપીટ થાય તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. છેલ્લા ૧ર કલાકથી લગભગ સ્થિર રહેલી સીસ્ટમ ફક્ત ૩ કિલોમીટરની નગણ્ય ગતિએ પશ્ચિમ દિશામાં આગળ ધપી રહી છે. આજે સવારે ભુજથી ૬૦ કિલોમીટર ઉત્તર - પશ્ચિમે સ્થિર સીસ્ટમની અસર તળે કચ્છના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સીસ્ટમ વાવાઝોડું બન્યા પછી કચ્છથી દુર જવાની હોવાથી ધીમે ધીમે પવનની ગતિ અને વરસાદમાં ઘટાડો થશે. આઈએમડીએ તેના લેટેસ્ટ અપડેટમાં ૩૦ તારીખે સીસ્ટમને સાયકલોન બનવાની ચેતવણી આપી છે. સીસ્ટમ દરિયામાં ગયા પછી જ વાવાઝોડું જાહેર કરાશે. આ વાવાઝોડાને પાકીસ્તાન દ્વારા ‘આસના’ નામ અપાશે.

Comments