Trending News
સ્થાનિક સમાચાર

લખપતમાં મેઘરાજાની તોફાની બેટીંગ વધુ ૯ ઈંચ

29 August


સરહદી તાલુકામાં મેઘમહેર યથાવત 


નખત્રાણા : સરહદી લખપત તાલુકામાં મેઘરાજાની તોફાની બેટીંગથી વધુ ૯ ઈંચ વરસાદ ખાબકતા મોસમનો કુલ વરસાદ ર૬ ઈંચ થયો છે. ના.મામલતદાર કૈલાસગીરી ગોસ્વામીએ વિગતો આપતા કહ્યું કે, તાલુકાના જીવાદોરી સમાન ત્રણ મોટા ડેમો નરા, ગોધાનડ, સાન્ધ્રો ઓગની ગયા છે અને નાના-મોટા ડેમો પણ અવરફ્લો થયા છે.  ના.સરોવરથી તરૂણભાઈ જોષી તથા જાગીર અધ્યક્ષા સોનલ લાલજી મહારાજ પવિત્ર સરોવરના વધામણાના વાવડ આપ્યા હતા. બપોરે આ તળાવના ઓવરણા લેવાશે. 
બીજી તરફ ના.સરોવર, કોટેશ્વર ખાતે બીએસએફ ચોકીના કામદારો અટવાતા તેમને અન્નક્ષેત્રમાં અને કોમ્યુનિટી હોલમાં આશરો અપાયો છે. કોટેશ્વર પાસે બોટ પાણીમાં તણાયાના અહેવાલ મળી રહ્યા છે. માછીમારોની પાંચ જેટલી બોટ ડૂબી ગઈ છે. ના. સરોવરમાં મકાનોમાં ગોઠણ ભેર પાણી ભરાયા છે. ના.સરોવરમાં ચાર મકાનો કાચા ધરાશાયી થયા છે, જ્યારે કનોજમાં ચાર મકાન પડ્યા છે. તાલુકામાં વીજ ધાંધિયા યથાવત છે.
 ફોન નેટવર્ક ઠપ્પ છે. નેશનલ હાઈવે ૯ બંધ છે. ના.સરોવર નલિયા અને રોડાસર રસ્તા બંધ હોતા વાહન વ્યવહાર ઠપ્પ છે. ઠેર ઠેર રસ્તા ધોવાયા છે. એસટી સેવા બંધ છે. ખાનગી વાહન બંધ છે. કનોજ, કૈયારી નદી ગાંડી તુર છે. મા.મઢમાં પણ વરસાદી પાણી પાણી થયું છે. બન્ને યાત્રાધામોમાં યાત્રાળુ નથી. તીર્થધામો સુમસામ ભાસે છે. મા.મઢ બજારમાં ગંદકી છવાઈ છે. 
માતાના મઢ, ઉમસર લિગ્નાઈટ ખાણોમાં પાણી ભરાતા બંધ રાખવાની ફરજ પડી છે. ખાણોમાં પણ પાણી ભરાયાના અહેવાલ છે. દયાપર, બરંદા, ઘડુલી, પીપ્પર, રોડાસર, પાનધ્રો, નરા, સિયોત, કોટાડા- મઢ અને ભાડરામાં સચરાચર ધીંગી મેઘમેર થતા પશુપાલકો ખેડૂતો, વેપારીના ચહેરા ચમકી ઉઠ્યા છે અન આ લખાય છે ત્યારે પણ શાંતિ પૂર્વકનો વરસાદ પડી રહ્યો છે. 

 

Comments

COMMENT / REPLY FROM