કચ્છમાં મેઘાડંબર યથાવત : પશ્ચિમ કચ્છમાં એકથી દોઢ ઈંચ વરસાદ
બંદરીય માંડવીમાં સવારથી ઝાપટા સ્વરૂપે ર૯ મી.મી. પાણી વરસ્યું : ભુજમાં અવિરત વરસાદના પગલે રસ્તાઓનું ધોવાણ : અવિરત વરસાદના પગલે રસ્તાઓનું ધોવાણ
ભુજ : ગત રવિવારથી કચ્છ જિલ્લામાં શરૂ થયેલ મેઘમહેર આજે સતત ચોથા દિવસે પણ અવિરત રહી હતી. આજે પરોઢથી પશ્ચિમ કચ્છમાં અબડાસા, લખપત, અબડાસા તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ થયો હતો. બંદરીય મંડવી શહેરમાં પણ સવારથી અવિરત ધીમીધારે વરસાદ સાથે એકથી દોઢ ઈંચ વરસાદ થયો હતો. જિલ્લા મથક ભુજમાં પણ મેઘરાજાએ સવારથી હેત વરસાવ્યું હતું. ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ થયો હોત.
પશ્ચિમ કચછમાં મેઘરાજાએ અમીદ્રષ્ટિ કરી ધરાને તૃપ્ત કરી છે. આજે લખપતમાં ર૬, નખત્રાણામાં ૩ર અને અબડાસામાં ૩૦ મીમી વરસાદ થતાં ખેતરો સરોવરમાં ફેરવાયા હતા. માંડવી શહેરમાં સતત વરસી રહેલા વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ થતાં રહેવાસીઓ પરેશાન થયા હતા. જિલ્લા મથક ભુજ શહેરમાં સતત ચાર દિવસથી વરસી રહેલા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવ થયો હતો. શહેરના મુખ્ય માર્ગો પર પણ ઠેર ઠેર રસ્તાઓ ઉખડી જતાં રાહદારીઓ અને વાહન ચાલકોને પરેશાની ઉઠાવવી પડી હતી. જ્યુબેલી સર્કલ પાસે મોટાખાડાઓ પડી જતાં વાહન ચાલકો પરેશાન થયા હતા. ભુજના ભીડ ગેટથી માધાપર તરફ જતા માર્ગ પર નાગોર રોડ અને નળસર્કલ પાસે રસ્તાનું મોટાપાયે ધોવાણ થયું છે. સતત વરસાદના પગલે શહેરના ધારાનગર, સંજોગનગર વગેરે વિસ્તારોમાં વરસાદી પાણી લોકોના ઘર સુધી પહોંચી જતાં પરેશાની ઉઠાવવી પડી હતી. બીજીતરફ ભુજવાસીઓ સારી મેઘમહેરના પગલે શહેરની શોભા સમાન હમીરસર તળાવ ઓગનવાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હમીરસર તળાવમાં સતત થઈ રહેલી વરસાદી પાણીની આવકના પગલે શહેરના હૃદય સમાન તળાવ આવનાર થોડા સમયમાં ઓગની જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
...............
મુંદરાના નદી પટ્ટમાંથી ધંધાર્થીઓને ખસેડાયા
ભુખી નદી અને કેવડી નદી આવવાની સંભાવનાના પગલે પોલીસ દ્વારા કરાઈ કામગીરી ’
મુંદરા : કાંઠાળ કચ્છમાં થઈ રહેલા વરસાદના પગલે મુંદરામાં આવેલ ભુખી અને કેવડી નદીમાં આજે બપોર સુધી પાણીનો પ્રવાહ આવવાની સંભાવના છે, જેના પગલે મુંદરા પોલીસ દ્વારા આજે સવારે તકેદારીના ભાગરૂપે નદીની આસપાસમાં ધંધો કરતા રેકડી - કેબીન ધારકોને ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત નદીના પટ આસપાસ કાચા ઝુપડા બાંધી રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની તાકીદ કરાઈ હતી. મુંદરા પોલીસના જવાનોએ કેવડી નદીના નાકેથી પસાર થતા લોકોને જરૂરી માર્ગદર્શન આપી નદી આસપાસના વિસ્તારમાંથી પસાર ન થવા જણાવ્યું હતું.
.................
લખપતમાં વધુ પાંચ ઈંચ વરસાદ ઝીંકાયો
ગોધાતડ ડેમ ઓગનવાની અણીએ : ના.સરોવર પવિત્ર સરોવર પણ ઓગનવાની અણીએ : વીજ પડતા બરંદામાં ર ભેંસના મોત : ગુવાર-કનોજ રસ્તો બંધ, વૃક્ષો ધરાશાયી, જોરદાર પવન ફુકાંતા પતરા ઉડ્યા : યાત્રાળુઓ ફસાયા : વાહન વ્યવહાર-વીજળી ઠપ
નખત્રાણા : છેવાડાના લખપત તાલુકામાં સચરાચર વધુ પાંચ ઈંચ જેટલો વરસાદ ઝિંકાતા લોકો-ઢોરો મુશ્કેલીમાં મુકાયા છે. ના.સરોવરથી તરૂણ જોષીએ વરસાદના વાવડ આપતા કહ્યું કે, ગત રાત્રે વીજ-ગાજના ધડાકા-ભડાકા સાથે પવન દેવની પાંખે વરૂણ દેવની સવાી આવી પહોંચી હતી અને ચારથી પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. ના.સરોવરનું પવિત્ર સરોવર છલકાવાની અણી ઉપર છે. વરસાદથી યાત્રિકો ફસાયા છે. બરંદામાં વીજ પ્રપાત થતા બે ભેંસોના મોત થયા છે. ભારે પવનથી કોટેશ્વર મુક્તિ ધામના પતરા ઉડ્યા છે. નુકશાન થયું છે. ગુવાર કનોજ, ત્રિ-માર્ગીય રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો છે. રસ્તા ધોવાયા છે. ના.સરોવર બરંદા ૯ નંબર નેશનલ હાઈવે પાસે બરંદા રસ્તો ધોવાયો છે. ભારે વરસાદથી રસ્તા પર પાણી વહી રહ્યા છે. લખપત તાલુકાનો જીવાદોરી સમાન ગોધાતડ ડેમ ઓગનવાની અણી પર છે. ના.સરોવર, કોરિયાણી, લખપત, છેર, શિણાપર સહિતના ગામોમાં વીજળી વેરણ થતા અંધારપટ છે. શાળા-કોલેજ બંધ છે. સરકારી કચેરીમાં પણ કાગડો ઉડી રહ્યા છે. ઠેર-ઠેર રસ્તાનું ધોવાણ થતા અમુક ગામો સંપર્ક વિહોણા બન્યાના વાવડ છે. ફોનનું નેટવર્ક પણ ખોરવાયું છે. તીર્થધામ માતાના મઢમાં વરસાદથી બજારોમાં પાણી ભરાય છે ત્યાં યાત્રિકોની સંખ્યા પાંખી છે. દયાપર, ઘડુલી, પાનધ્રો, બરંદા, કપુરાસી સહિતના વિસ્તારોમાં વરસાદના વાવડ છે. નરા ડેમમાં નવા નીર આવ્યા છે. નાના ચેકડેમો છલકાયા છે. એસટી બસો પણ જુજ જ જોવા મળે છે.
....................
કચ્છમાં ૩૦મીએ યોજનાર યુવા ઉત્સવ રદ્દ
ભુજ : કચ્છ જિલ્લામાં ભુજ, માંડવી અને અબડાસા તાલુકામાં ૩૦મી ઓગસ્ટના આયોજીત કરાયેલા યુવા ઉત્સવને રદ્દ કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં થઈ રહેલા વરસાદના પગલે તંત્ર દ્વારા ત્રણેય તાલુકામાં યોજનાર યુવા ઉત્સવને રદ્દ જાહેર કરાયા છે. યુવા ઉત્સવની આગામી તારીખો બાદમાં જાહેર કરવામાં આવશે.

Comments