કચ્છમાં આજે અતિભારે વરસાદની આગાહી
કચ્છ સહિત રાજ્ય પર ખુબ મજબૂત વરસાદી સિસ્ટમ સ્થિર : બંગાળની ખાડીમાંથી સર્જાયેલી ડીપ ડિપ્રેશન આજે સાંજે કચ્છથી પસાર થવાની સંભાવના : બુધ અને ગુરૂવારે અતિભારે વરસાદ થવાનો વર્તારો : હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું રેડ એલર્ટ
ભુજ : કચ્છ સહિત રાજ્ય પર સ્થિર થયેલ ખુબ મજબૂત સિસ્ટમના પગલે ખુબ વિકટ સ્થિતિ સર્જાઈ છે. બંગાળની ખાડીમાં આ સિસ્ટમ આવી ત્યારે લો-પ્રેસર હતું, પરંતુ ગુજરાતની નજીક પહોંચતા વધુ મજબૂત બની ડિપ્રેશન અને ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ છે. આ ડિપ ડિપ્રેશન છોટા ઉદેપુર, ગોધરા આસપાસના વિસ્તારથી ગુજરાતમાં પહોંચેલ સિસ્ટમ આજે કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં અસર દેખાડશે તેવી આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે કચ્છના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આ ડિપ્રેશન ખુબ શક્તિશાળી અને મજબૂત છે. સમગ્ર ગુજરાત આ સિસ્ટમના ઘેરાવામાં છે, પરંતુ કચ્છમાં સામાન્ય કરતાં વધારે વધારે ર૮ અને ર૯મી તારીખ દરમ્યાન થવાની પ્રબળ સંભાવના છે. આ ડિપ્રેશન ધીમીગતિથી ચાલી રહ્યું છે. કચ્છ અને પાકિસ્તાન બોર્ડર પર પહોંચ્યા બાદ તે સ્થિર થઈ જશે, જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં આવનાર ૪૮ કલાક દરમ્યાન અતિભારે વરસાદ થશે. કચ્છના કાંઠાળ વિસ્તારો ઉપરાંત મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ ભારેથી અતિભારે વરસાદ થશે. રાજ્યના પશ્ચિમ છેડાના ૫ર સૌથી વધારે અસર દેખાય તેવું અનુમાન છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ગત રવિવારથી કચ્છ જિલલામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. માંડવી, નખત્રાણા, મુંદરા, અબડાસામાં સામાન્યથી વધુ વરસાદ થયો હતો. જિલ્લા મથક ભુજ, ખાવડા સરહદી વિસ્તારમાં પણ છેલ્લા ૭ર કલાકથી સમયાંતરે થવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
...........................
મિની વાવાઝોડુ કચ્છ - સૌરાષ્ટ્રને ધમરોળશે
’
પ૦થી ૬૦ કિલોમીટરની ઝડપે ફુંકાશે તોફાની પવન
ભુજ : બંગાળની ખાડીમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન કચ્છના સમુદ્રકાંઠા ભણી આગળ ધપી રહ્યું છે. મિની વાવાઝોડની અસર તળે આજે મોડી સાંજથી ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ડિપ ડિપ્રેશન કલાકના ૮ કિલોમીટરની ઝડપે આગળ ધપી રહ્યું છે. આ મિની વાવાઝોડું. આવતીકાલે સવારે કચ્છ પરથી પસાર થયા બાદ અરબી સમુદ્રમાં સમાઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મિની વાવાઝોડુ કચ્છ - સૌરાષ્ટ્ર પરથી પસાર થશે ત્યારે પ૦થી ૬પ કિલોમીટરની ઝડપે તોફાની પવન સાથે છુટા છવાયા વિભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શકયતા છે. જિલ્લા વહિવટીતંત્ર એલર્ટ મોડમાં મુકાયું છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

Comments