તહેવારના દિવસોમાં માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના જીવ ગયા
નાના અંગિયા ચકલી હોટલ પાસે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત : સંતકૃપા હોટલ પાસે કન્ટેનર ચાલકે બાઈકના હેન્ડલમાં ભટકાવતા માસૂમ દીકરો ટાયરના જોટામાં આવી જતા મોતને ભેટ્યો
ભુજ : તહેવારના દિવસોમાં માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના જીવ ગયા હતા. નખત્રાણા-ભુજ હાઈવે પર નાના અંગિયા ચકલી હોટલ ગોલાઈ પાસે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત થયું હતું. નખત્રાણા પોલીસમાંથી જાણવા મળેલી માહિતી પ્રમાણે હતભાગી મોટા અંગિયામાં રહેતા મજીદ મામદ રાયમા પોતાની બાઈક લઈને જતા હતા એ દરમિયાન બાઈક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. આ તરફ નખત્રાણામાં જ સંતકૃપા હોટલની સામે અકસ્માતનો બીજો બનાવ બન્યો હતો. જેમાં ફરિયાદી કોટડા (જ)ના પ્રેમજીભાઈ ઉર્ફે કારૂભાઈ રાજાભાઈ ગંઢેરના જણાવ્યા પ્રમાણે આરોપી ટ્રક નં.જીજે૧ર-વાય-૮૩૯ર ના ચાલકે પુરઝડપે વાહન ચલાવી ફરિયાદીના ૩૩ વર્ષિય ભાઈ મનીષ રાજભાઈ ગંઢેરની બાઈકને ટક્કર મારી હતી. હતભાગી ભીમપુરાથી કોટડા (જ) હતા ત્યારે સંતકૃપા હોટલની સામે આ અકસ્માત નડ્યો હતો. જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થતા નખત્રાણા પોલીસમાં ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દરમિયાન ભચાઉથી ગાંધીધામ આવતા નેશનલ હાઈવે પર સર્વિસ રોડ પર મહિન્દ્રા શો-રૂમની બાજુમાં અકસ્માતનો બનાવ બન્યો હતો. ફરિયાદી મૂળ રાજસ્થાનના અને હાલે જવાહરનગરમાં રહેતા મુકેશકુમાર ખીમારામ જોહિંદના જણાવ્યા પ્રમાણે આરોપી કન્ટેનર નં.આરજે-૪૮-જીએ-૧૩૯૪ ના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે ચલાવી ફરિયાદીના કબજાની બાઈકના હેન્ડલ સાથે ભટકાવી દીકરા જિજ્ઞાસુને ટેન્કર પાછળના ટાયના જોટામાં લઈ લેતા ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. જ્યારે હતભાગી બાળકની માતાને પગમાં પંજાના ભાગે આંગળીમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી. જેને સારવાર માટે અમદાવાદ સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Comments