Trending News
સ્થાનિક સમાચાર

ભુજ નગરપાલિકાના આગામી શાસકો અને ભુજવાસીઓ માટે બનશે બોજરૂપ

23 August

સુધરાઈની સામાન્ય સભામાં ‘અસામાન્ય’ ઠરાવ




ર૧મી ઓગસ્ટની સામાન્ય સભામાં સુધરાઈ કર્મચારીઓના પીએફ ચુકવવા થયો હતો ઠરાવ : પીએફ ચુકવવા રૂા. ર.૬૭ કરોડની રાજય સરકાર પાસે લેવાશે લોન : લોન પરત ચુકવણી માટે સુધરાઈના સ્વભંડોળનો થશે ઉપયોગ



નિયમાનુસાર લોન ચુકવણી માટે કોઈ યોજનાકીય ગ્રાન્ટનો નથી કરી શકાતો ઉપયોગ : વર્તમાન શાસકોએ લીધેલી લોન ચુકવવાની જવાબદારી આગામી બોડીના શીરે થોપાશે : કર્મચારીઓના પીએફ ચુકવણાનો આડકતરો બોજ ભુજવાસીઓના ખભે જ આવશે


સુધરાઈ વર્તુળોમાં પીએફ ભંડોળની માતબર રકમ કયા કામોમાં ખર્ચાઈ તેની ચર્ચાઓ : આવનાર દિવસોમાં નવા કડાકાભડાકા થવાની વકી



ભુજ : ર૧મી ઓગસ્ટના રોજ શહેરના ટાઉનહોલ ખાતે નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી. ગણતરીના સમયમાં જ પુરી થઈ ગયેલી સામાન્ય સભામાં કેટલાક ‘અસામાન્ય’ ઠરાવ પસાર કરી દેવાયા હોવાનો ગણગણાટ શરૂ થયો છે. જયાં એક તરફ વિપક્ષી નગરસેવકો બહુમતિના જોરે સુધરાઈના સત્તાધીશો મનમાની ચલાવી વિપક્ષનો અવાજ રૂંધી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે ત્યાં બીજીતરફ સામાન્ય સભામાં થયેલા એક ઠરાવને આરસીએમમાં પડકારવાની તૈયારીઓ ચીફ ઓફિસરે કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમ્યાન  જ સુધરાઈની સામાન્ય સભામાં કરવામાં આવેલો એક ઠરાવ નગરપાલિકાની આવનારી બોડી અને નગરજનો માટે આર્થિક ચિંતાનું કારણ બની જશે તેવું સુધરાઈના સુત્રો જણાવી રહ્યા છે.
અત્યંત આધારભુત સુત્રોએ જણાવ્યું હતું કે, ગત સામાન્ય સભામાં નિવૃત થતા કર્મચારીઓના પીએફની ચુકવણી માટે રૂા. ર.૬૭ કરોડની જોગવાઈ કરવા ગુજરાત સરકાર પાસેથી લોન લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. સુધરાઈના વર્તમાન શાસકોનો આ નિર્ણય આવનાર બોડી નહીં પરંતુ નગરજનો માટે પણ આર્થિક બોજ સમાન બની જશે. સુત્રો જણાવે છે કે, રાજય સરકાર પાસેથી કર્મચારીઓના પીએફ માટે લેવામાં આવેલી લોન પરત ચુકવવા નગરપાલિકાના સ્વભંડોળની આવક વાપરવી પડશે.  કારણ કે લોન ચુકવવા માટે અન્ય કોઈ યોજનાકીય ગ્રાન્ટનો ઉપયોગ કરી શકાતો નથી કે લોન ચુકવવા માટે કોઈ ગ્રાન્ટ મળવાપાત્ર થતી નથી. 
નગરપાલિકાની વર્તમાન બોડીનો કાર્યકાળ હવે માંડ ૧ર મહિના બાકી રહ્યો છે. આવતા વર્ષે નગરપાલિકાઓની ચૂંટણી બાદ નવી બોડીનું શાસન આવશે. હાલના તબક્કે કર્મચારીઓના પીએફ ચુકવવા લીધેલી લોન ભરપાઈ કરવાની જવાબદારી આવનાર બોડી પર આવશે. જેથી નવી બોડીને લોન ચુકવણી માટે સુધરાઈની સ્વભંડોળની આવક વાપરવી પડશે. જેથી તેનો આડકતરો બોજ ભુજની જનતાના માથે જ આવી પડશે. બીજીતરફ કર્મચારીઓના પીએફનું ભંડોળ કયાં વાપરી દેવાયું છે તે પણ તપાસનો વિષય છે. રૂા. ર.૬૭ કરોડ રૂપિયાનું માતબર પીએફ ભંડોળ કયા કામોમાં વપરાયું તે સવાલ પણ હાલે સુધરાઈના વર્તુળોમાં ઉઠી રહ્યો છે. પીએફ ભંડોળની રકમ વિકાસ કામો માટે ખર્ચાઈ છે કે બારોબાર ચાઉં થઈ છે તેવા વેધક સવાલો સુધરાઈના વર્તુળોમાંથી ઉઠી રહ્યા છે. તો સુધરાઈની સામાન્ય સભામાં  થયેલા આ ‘અસામાન્ય’ ઠરાવ આવનાર દિવસોમાં સુધરાઈ તંત્રમાં નવા કડાકા ભડાકાનું નિમિત બને તેવી પ્રબળ સંભાવના જોવાઈ રહી છે.

..........


ચાર કર્મચારીઓના પગારના ઠરાવથી શાસકો અને મુખ્ય અધિકારી આમને સામને


ભુજ સુધરાઈની સામાન્ય સભામાં અગાઉ બરતરફ કરાયેલા ચાર કર્મચારીઓના પગારની જવાબદારી ચીફ ઓફિસરના શીરે લાદવાના ઠરાવથી સુધરાઈના શાસકો અને મુખ્ય અધિકારી વચ્ચેની તિરાડ વધુ પહોળી બની છે. જે તે સમયે સુધરાઈની કારોબારી સમિતિએ ચાર કર્મચારીઓને છુટા કરવાનો ઠરાવ કર્યો હતો. જે તે કર્મચારીઓએ આરસીએમમાં પડકારતા ઠરાવ સ્થગિત કરવાનો હુકમ આવ્યો હતો. લોકસભા ચૂંટણીની આચાર સંહિતાના અરસામાં જ કર્મચારીઓ ફરી નગરપાલિકામાં લેવામાં આવ્યા હતા. ર૧મી ઓગસ્ટની સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી થયેલી દરખાસ્તમાં કર્મચારીઓના પગારની જવાબદારી મુખ્ય અધિકારીના શીરે નાખવામાં આવી છે. ચીફ ઓફિસરે આ ઠરાવને મ્યુનિસિપલ એકટની કલમ રપ૮ અને ૩૭ હેઠળ આરસીએમમાં પડકારવાની તૈયારી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. તો આ તરફ ચારેક મહિનાથી ફરજ બજાવી રહેલા કર્મચારીઓના પગાર જે તે હેડમાંથી થયા હોવાનું સુધરાઈના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. લાંબા સમય સુધી કોઈપણ કર્મચારી પગાર વગર નોકરી ન કરે તે સ્વાભાવિક છે. સુત્રો જણાવે છે કે, ચારેય કર્મચારીઓના પગાર સુધરાઈના જ કોઈ હેડમાંથી થયા હશે. બીજીતરફ પાલિકાના સત્તાધીશો કહે છે કે પાલિકાના સત્તાધિશોને કર્મચારીઓને પાછા લેવાની જાણ કરવામાં આવી નથી, જેથી તેમના પગાર ચુકવવાની કે કોઈ અનિચ્છનિય ઘટના બને તો તેની જવાબદારી ચીફ ઓફિસરની રહે છે. ભુજ સુધરાઈમાં સત્તાધીશો અને મુખ્ય અધિકારી વચ્ચે તડાં હોવાની ચર્ચાઓને સમગ્ર ઘટનાક્રમથી સમર્થન મળી રહ્યું છે.

Comments

COMMENT / REPLY FROM