વાગડના ગણેશટીંબીમાં ૧.૬૮ કરોડના શરાબ પર બૂલડોઝર ફેરવી દેવાતા પ્યાસીઓ દ્રવી ઉઠ્યા
ભચાઉ, રાપર, લાકડિયા, સામખિયાળી પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલા શરાબ- બીયરનો કરાયો નાશ : સીમાડામાં ૯૦ હજાર જેટલી બોટલ - ટીન પાથરી નાશ કરાતા દુર્ગંધથી સીમાડો ગંધાઈ ઉઠ્યો
બુટલેગરોના વાહનની હરાજી કરી તે નાણાંનો લોકો માટે ઉપયોગ કરવાના નિર્ણય વચ્ચેે શરાબનો પણ નાશ કરવાના બદલે ફેકટરીમાં વેચી આ નાણાંનો જન કલ્યાણમાં ઉપયોગ કરવામાં આવે તેવી માંગ ઉઠી
રાપર : કચ્છમાં સૌથી વધુ શરાબ વાગડમાં ઝડપાય છે કારણ કે, કચ્છમાં પ્રવેશવાના બે દ્વાર સામખિયાળી અને આડેસર આ વિસ્તારમાં આવે છે. ત્યારે વાગડમાં પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલા ૧.૬૮ કરોડના શરાબ પર બૂલડોઝર ફેરવી દેવામાં આવતા પ્યાસીઓ દ્રવી ઉઠ્યા હતા. દારૂની ગંધથી સીમાડો ગંધાઈ ઉઠ્યો હતો. પૂર્વ કચ્છના ભચાઉ, રાપર, લાકડીયા અને સામખીયારી પોલીસ મથકમાં જપ્ત કરવામાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો આજે ભચાઉ નગરની ભાગોળે આવેલા ગણેશ ટીંબી નજીક નાશ કરવામાં આવ્યો હતો. ભચાઉ પોલીસ દ્વારા કબ્જે કરાયેલ દારૂ પૈકી બોટલ નંગ ૧૯,૬૦૧ જેની કિંમત ૬૯ લાખ ૩ હજાર ૧૯૦, સામખીયારીમાં બોટલ નંગ ૪૯,૪૮૮ જેની કિંમત રૂ.૬૪ લાખ ૩૮ હજાર ૩૮૦, લાકડીયા બોટલ નંગ ૪,૨૧૫ જેની કિંમત ૮ લાખ ૮૭ હજાર ૯૦૫, રાપર બોટલ નંગ ૧૬,૪૩૩ જેની કિંમત રૂ. ૨૬ લાખ ૨૫ હજાર ૪૨૦ સહિત કુલ બોટલ નંગ ૮૯,૭૩૭ની કિંમત રૂ. ૧ કરોડ ૬૮ લાખ ૫૪ હજાર ૮૯૫નો કેફી પીણાંનો કરગરિયા મહાદેવ તરફના ગણેશ ટીંબી વિસ્તારના ખુલ્લા ગ્રાઉન્ડ ખાતે નાશ કરવામાં આવ્યો હતો. આ વેળાએ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્યવંશી, ભચાઉ નાયબ પોલીસ વડા સાગર સાંબડા, નશાબંધી અધિકારી અનિરૂદ્ધસિંહ ગોહિલ, ભચાઉ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી. સિસોદીયા, લાકડીયા ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી. રાવલ, રાપર પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી. બુબડીયા, સામખીયારી પીએસઆઇ વી.આર. પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દારૂ ઉપર બૂલડોઝર ફરી વળ્યા બાદ સીમાડામાં દારૂની નદીઓ વહી નિકળી હતી. જેના કારણે પ્યાસીઓના મોઢામાં પાણી આવી ગયું હતું. અત્રે મહત્વની બાબત એ છે કે, તાજેતરમાં વિધાનસભામાં નશાબંધી સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું છે, જેમાં દારૂ પકડાય ત્યારે દારૂનો નાશ કરવામાં આવે છે, પરંતુ બૂટલેગરના વાહનો વર્ષો સુધી પોલીસ સ્ટેશનમાં પડ્યા હોવાથી ભંગારમાં ફેરવાઈ જાય છે. રાજ્યમાં બે વર્ષમાં બૂટલેગરના રર,૪૪ર વાહન જપ્ત થયા છે. જે પૈકી ૭ હજારથી વધુ વાહન ભંગાર બની ગયા છે. હવે આવા વાહનોની હરરાજી કરવામાં આવશે. હરાજી બાદ જે કોઈ વ્યક્તિ કોર્ટમાંથી નિર્દોષ સાબિત થાય અને તેનું વાહન વેચાઈ ગયું હોય તો હરાજી મળેલ રકમ વ્યાજ સાથે આપવામાં આવશે. આ વાહનોની હરાજી કરવાની સતા ડીવાયએસપીને આપવામાં આવી છે. ર૦ લિટરથી વધુ દારૂ પકડાય તો આ કાનૂન લાગુ થશે. આ રકમ લોક કલ્યાણના કામોમાં વાપરવામાં આવશે. ખરેખર વાહનની સાથે શરાબ પણ વેચી દેવો જોઈએ. ગુજરાતમાં દારૂ બંધી છે પરંતુ અન્ય પડોસી રાજ્યોમાં શરાબ વેચાય છે. મોટાભાગનો માલ ત્યાંથી જ આવે છે. શરાબની હરાજી કરી આ રકમનો પણ જન કલ્યાણના કામમાં ઉપયોગ કરવો જોઈએ જેથી લોકોને ફાયદો થાય તેવી માંગ પણ ઉઠી રહી છે.

Comments