કુકમા પાસે રોડના કામમાં વપરાતા પતરા સહિત ર.૩૪ લાખનો મુદ્દામાલ ચોરાયો
વાહન, ઘરફોડ, કેબલ સહિતની ચોરીના ભેદ ઉકેલાતા નથી ત્યાં હવે આ ઘટનામાં તસ્કરો પકડાશે કે કેમ ? તે સવાલ ઉઠ્યો
ભુજ : ચોરીની કોઈ સીઝન ન હોય અને કોઈ સ્થળ નક્કી ન હોય તેમ કુકમા પાસે તસ્કરોએ રોડના કામમાં વપરાતા પતરાને પણ મુકયા નથી. તસ્કરો અહીં પ૦૦ જેટલા પતરા કિ.રૂા. ર.૩૪ લાખની ચોરી કરી ગયા હતા. પદ્ધર પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી પ્રમાણે ભુજ - અંજાર હાઈવે રોડ પર કુકમા ગામથી આગળ નવા બનતા ટોલનાકા પાસે આ બનાવ બન્યો હતો. ૩૦મી જુનથી ૬ ઓગસ્ટ દરમિયાન ચોરી થઈ હતી. ફરિયાદી મૂળ આંધ્રપ્રદેશના હાલે ગાંધીધામમાં રહેતા ગણેશ વિજયકુમાર કોનથાલાના જણાવ્યા પ્રમાણે કોઈ ચોર અજાણ્યા ઈસમે આ મુદ્દામાલની ચોરી કરી હતી. ફરિયાદીના શેઠ ઈનામુલ્લહક્ક સમસુલહક્ક ઈરાકીએ જાહેર હરરાજીમાં ચાર ટેન્કની ખરીદી કરી હતી. કનૈયાબેમાં આવેલી હેલ ગ્લોબલ હાઈટેક કંપનીમાં આ ટેન્ક રાખવામાં આવ્યા હતા. આ કંપની હાલે મુંબઈની ફુલાબા શાખા એસબીઆઈના કબ્જામાં છે. ચાર ટેન્કમાંથી એક ટેન્ક તથા ગેલવે નાઈલના અંદર બનેલ રોડ પરના પ૦૦ પતરા કિ.રૂા. ર.૩૪ લાખના મુદ્દામાલ ચોરી કરવામાં આવી હતી. જે બાબતે પદ્ધર પોલીસમાં ગુનો દાખલ કરાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અત્રે મહત્વની બાબત એ છે કે, મોટાભાગની વાહન ચોરી કોઈ આરોપી ઝડપાય અને તેની કબૂલાતના આધારે શોધાય છે. ઘરફોડ અને મંદિર ચોરીમાં તો કયારેક જ આરોપી પકડાય છે પરંતુ પવનચક્કીના કેબલ હોય કે અન્ય ઔધોગીક એકમોમાં ચોરી તેમાં આરોપીને તાકીદે ઝડપી લેવામાં આવે છે. અહીં તો ચાલુ રોડના પતરા ચોરી જવાયા છે ત્યારે આરોપી ઝડપાય છે કે, કેમ ? તે જોવું રહ્યું.

Comments