અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પિતાએ વ્હાલસોઇ દિકરીના અંગોનું કર્યું દાન
અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ (દાદા)ની પ્રેરણાથી સિવિલ હોસ્પિટલમાં ૧૬૧માં અંગદાન થકી એક લીવર, બે કીડની, બે આંખો ( કોર્નિયા) તથા સ્કીનના અંગદાન સાથે કુલ ત્રણ અંગો અને ત્રણ પેશીઓનું દાન મળ્યું
ભુજ : અંજાર તાલુકા સ્થિત મોમાયનગર ખાતે રહેતા જગદીશભાઇ રાજગોરની ૨૪ વર્ષીય દીકરી જીનલને બ્રેઇન સ્ટ્રોક થતા તારીખ ૧૯/૮ના રોજ સઘન સારવાર અર્થે કચ્છથી સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૨૧-૮ના રોજ ડોક્ટરોએ જીનલને બ્રેઈન ડેડ જાહેર કરી હતી, જેથી પેના પરિવાર દ્વારા અંગદાન કરાયું હતું. આ અંગદાનમાં વિષેશ વાત એ હતી કે દર્દી જીનલ અને તેનું પરીવાર કચ્છનું હોવાથી અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ (દાદા) કે જેમની કર્મભૂમિ પણ કચ્છ રહી છે તેમને કોઇક રીતે આ અંગે જાણ થતા તેમણે સિવિલ હોસ્પિટલ આવી પોતે જીનલના પિતા સાથે વાત કરી તેમને અંગદાન વિશે સમજાવ્યા હતા. વધુમાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રયાસોથી આજે ઘણા લોકો આ વિશે જાગૃત થયા છે, જેના પરીણામે જ આ બ્રેઇન ડેડ દીકરી જીનલના પરિવારના નજીકના સગામાં અને પોલીસ વિભાગમાં કાર્યરત એવા સ્નેહાબેનના પ્રયાસો અને સમજણથી જગદીશભાઇ પોતાની દીકરીના બ્રેઇન ડેડ હોવાની વાતને સમજી અને સ્વીકારી શક્યા અને પોતાની દીકરી જેવી બીજી કોઇ દીકરી કે અન્ય જરુરીયાતમંદની જીંદગી બચાવવા અંગદાન કરવાનો નિર્ણય લઇ શક્યા હતા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, જીનલના અંગદાનથી મળેલ બે કિડની, એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે . આંખોને સિવિલ મેડીસીટી કેમ્પસની એમ એન્ડ જે આંખની હોસ્પિટલમાં આઇ બેંકમાં સ્વીકારવામાં આવ્યું હતુું. મળેલ સ્કીનને સિવિલ હોસ્પિટલની સ્કીન બેંકમાં રાખી દાઝેલા કે અન્ય જરુરીયાતમંદ દર્દીમાં ગ્રાફ્ટ કરવામાં આવશે. આમ આ અંગદાનથી કુલ ત્રણથી ચાર લોકોની જીંદગી બચાવવામા સફળતા મળશે તેમજ બે લોકોને આંખોની રોશની આપી તેમના જીવનમાં એક નવી ઉજાસ પાથરી શકાશે. સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૬૧ અંગદાતાઓ થકી કુલ ૫૨૦ અંગો તેમજ પાંચ સ્કીન નું દાન મળેલ છે. જેના થકી ૫૦૪ વ્યકિતઓને જીવનદાન મળ્યું છે.

Comments