Trending News
ક્રાઈમ

ભુજની ભાગોળે નાગોર પાસે જુગારધામનો પર્દાફાશ કરાયો 

22 August




સ્થળ પરથી ૧૮ ખેલીને ઝડપી રોકડા રૂપિયા પ.ર૩ લાખ કબ્જે કરાયા : ૧પ મોબાઈલ, ૧૧ ટૂ-વ્હીલર, ૬ ફોર-વ્હીલર અને રિક્ષા મળી ૪૧.૭ર લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો : રેડમાં કબ્જે કરાયેલા વાહનો પોલીસ સ્ટેશને લઈ આવવા માટે ટ્રકની મદદ લેવી પડી


રોકડા ઓછા બતાવ્યા અને અમુકને જવા દિધા હોવાની ચર્ચાએ જોર પકડ્યું : એસપીના આદેશ બાદ પોલીસ જુગારને પકડવા માટે ગઈ હતી 



ભુજ : જિલ્લામાં શ્રાવણી જુગાર પુરબહારમાં ખીલી ઉઠયો છે. પોલીસ દ્વારા માત્ર નાના ખેલીઓને પકડી સંતોષ માની લેવામાં આવતો હતો. મોટા જુગારધામ કે કલબ તરફ આશિર્વાદ હોય તેમ કાર્યવાહી ન કરાતા આક્ષેપો ઉઠ્યા હતા. જે બાદ જુગારધામની હકિકતો એસપી સુધી પહોંચતા તેમની સૂચનાથી ગઈકાલે એ ડિવિઝન પોલીસે નાગોર પાસે દરોડો પાડીને જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. ૧૮ ખેલીને ઝડપી લેવામાં આવ્યા હતા. આ અંગેની વિગતો મુજબ એસપી સાગર બાગમારની સૂચનાથી એ ડિવિઝન પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. નાગોર રોડ પર પાંજરાપોળની પાછળ બાવળોની ઝાડીમાં ખુલ્લી જગ્યામાં બેટરીના અજવાળે આરોપીઓ હારજીતનો જુગાર રમતા હતા. પોલીસે સ્થળ પરથી ૧૮ ખેલીઓ ઝડપી લીધા હતા. જેમાં કાસમ જુમા કેવર, પ્રેમલ કિરણભાઈ શાહ, હાજી નૂરમામદ ગંઢ, દિપ શાંતિલાલ વ્યાસ, સલીમ જુસબ મોખા, અબ્દુલ લતીફ મેમણ, પૂજન ગીરીશભાઈ ગોર, મામદ હુસેન જુણેજા, ઈમરાન અબ્દુલકરીમ  નાઈયા, મીત કાંતિભાઈ ઠક્કર, જયેશ કરશનજી વ્યાસ, હિરેન દિનેશભાઈ ઠક્કર, હનીફ સુલેમાન પારા, હલીમાબાઈ હસમુખભાઈ ગોર, સલમાબાઈ સલેમાન ગંઢ, સંદીપ રમણલાલ શાહ, રજાક મામદ જુણેજા અને હિરેન શાંતિલાલ ગોરનો સમાવેશ થાય છે. સ્થળ પરથી રોકડા રૂપિયા પ,ર૩,પ૦૦ તેમજ ૧.પ૯ લાખના ૧પ મોબાઈલ, ૩.૬૦ લાખના ૧૧ ટૂ-વ્હીલર, ૧૧ લાખની ૬ ફોર-વ્હીલર, ૩૦ હજારની રિક્ષા તેમજ ૮ ધાણીપાસા, ૩ પાટિયા મળી ૪૧,૭ર,પ૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. 
દરમિયાન અંતરંગ સુત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે જુગારમાં રકમ ઓછી બતાવવામાં આવી હોવાની ચર્ચા છે. તેમજ અમુક ખેલીને જવા દેવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અલબત પોલીસ દ્વારા સતાવાર ફોડ પાડવામાં આવી નથી.

............

‘કચ્છ ઉદય’ના અહેવાલમાં બે દિવસ પહેલા જ 
જુગાર કલબનો ભાંડાફોડ થયો હતો 




ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં આવતા નાગોર રોડ ઉપર પૂજનની અને માનકુવા પોલીસની હદમાં મનીષ - અબાસની કલબ ધમધમી રહી છે અને આ ક્લબ પર ‘નરેન્દ્ર’ના ચાર હાથ હોવાની વાત કરવામાં આવી હતી ત્યારે ગઈકાલે એ ડિવિઝન પોલીસે એસપીની સુચનાથી ક્રોસ રેડ કરી અને પૂજન ગોર સંચાલક સહિત ૧૮ જેટલા ખેલિઓને જુગાર રમતા દબોચી લીધા હતા. પૂજનની કડક પૂછતાછ હાથ ધારવામાં આવે તો કોની મંજૂરી મેળવી આ જુગાર કલબ ચાલુ કરી હતી તે કર્મચારીઓ સુધી પણ રેલો પહોંચી શકે તેમ છે.

..............


એક ક્લબ પર દરોડો પડતા બીજી ક્લબ આપોઆપ સમેટાઈ ગઈ 



છેલ્લા ત્રણ ચાર દિવસથી ભુજ બી ડિવિઝનની હદમાં અને માનકુવા પોલીસની હદમાં બે જુગાર ક્લબ ધમધમની રહી હતી જો કે માનકુવા પોલીસની હદમાં ચાલતી ક્લબ રાતે ૯ ૧૦ વાગ્યાની આસપાસ બંધ થઈ જતી હતી જ્યારે નાગોર રોડ પર જે ક્લબ પર દરોડો પડ્યો છે તે સવારના પાંચથી છ વાગ્યા સુધી ચાલતી હતી. આમ ગઈકાલે રાતે ૯ વાગ્યાના સુમારે એ - ડિવિઝન પોલીસ અને બી - ડિવિઝન પોલીસના ડી સ્ટાફને સાથે રાખી દરોડા પાડતા બીજી ક્લબ આપોઆપ સમેટાઈ ગઈ છે. 

બી ડિવિઝન પોલીસની હદમાં એ ડિવિઝન પોલીસે પાડ્યો દરોડો 

મહત્વની બાબત છે કે, નાગોર વિસ્તાર બી ડિવિઝન પોલીસની હદમાં આવે છે. અહીં લાંબા સમયથી જુગાર રમાતો હોવાનું સામે આવવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. એસપી સાગર બાગમાર ધ્યાને વાત આવતા તેમણે ક્રોસ રેડ માટે સૂચના આપી હતી. આરટીઓ રહેતો પૂજન ગીરીશભાઈ ગોર ભુજ - નાગોર રોડ પર પાંજરાપોળની સામે બાવળોની ઝાડીમાં પોતાના આર્થિક ફાયદા માટે બહારથી જુગારીઓ બોલાવીને લાકડાના પાટિયા પર ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમાડતો હોવાની હકિકત આધારે એ ડિવિઝન પોલીસને ક્રોસ રેડ કરવા સૂચના આપવામાં આવી હતી. એ ડિવિઝનના ઈન્ચાર્જ પીઆઈ આર.સી. ગોહિલની આગેવાનીમાં એ ડિવિઝનના પુરૂષ - મહિલા સહિત ૧૮ પોલીસ કર્મચારી નિકળ્યા હતા. નાગોર ફાટક પાસે પહોંચ્યા ત્યારે બી ડિવિઝનના બી સ્ટાફના પાંચ કર્મચારીઓ પહોંચી આવ્યા હતા. વાહનો દૂર ઉભા રાખી રેડ કરવામાં આવી હતી. 

સ્થળ પર ખટયો ખટે.... ના અવાજ ગુંજી ઉઠ્યા
પોલીસે એક કિલોમીટર દૂર વાહનો ઉભા રાખી પગપાળા દબાતા પગે બનાવ સ્થળે પહોંચી ત્યારે ખેલીઓ જોવા મળ્યા હતા. જયાં કચ્છીમાં ખટયો ખટે.... ખટયો ખટે..ના અવાજ આવતા હતા. 



 

Comments

COMMENT / REPLY FROM