કચ્છમાં જળસંચયના કામો ભ્રષ્ટાચારનું એપી સેન્ટર
જિલ્લામાં જળસંચય માટે થતા મોટા ભાગના કામોમાં વ્યાપક ગેરરીતિનો વિપક્ષનો આક્ષેપ : ચોમાસુ શરૂ થતા પૂર્વે કામોના વર્ક ઓર્ડરથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન : સરકારી વિભાગના ફાટીને ધુમાળે ગયેલા ભ્રષ્ટ અધિકારીઓ સતાપક્ષના હોદ્દેદારોને પણ ગાંઠતા નથી તો વિપક્ષનું શું ઉપજે ? : જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હુંબલે કર્યો આક્ષેપ
ભુજ : ખેતી અને પશુપાલન એ બન્ને કચ્છના સૌથી વધુ રોજગાર આપતા વ્યવસાય છે. જિલ્લાના અનેક પરિવારોનો જીવનનિર્વાહ ખેતી-પશુપાલન આધરિત છે. ખેતી હોય કે પશુપાલન, બન્ને વ્યવસાયો માટે પાણીએ મૂળભૂત જરૂરિયાત છે. કચ્છ જેવા સૂકા મુલકમાં કુદરતી પાણી સ્ત્રોત તદ્દન મર્યાદિત હોવાથી વરસાદી પાણીના વધુને વધુ સંગ્રહ પર ભાર મૂકવામાં આવે છે. સરકાર પણ કચ્છમાં ભૂગર્ભજળના સ્તર ઉંચા લાવવા અને વરસાદી પાણીના સંગ્રહ માટે દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરે છે પરંતુ સરકારની તિજોરીએથી નીકળતા મોટાભાગના નાણા જળસંગ્રહ કે જળસંચયના કામમાં વપરાવાના બદલે ભ્રષ્ટાચારના પૂરમાં તણાઈ ભ્રષ્ટ અધિકારીઓ, રાજકારણીઓ અને કોન્ટ્રાક્ટરોના ગજવામાં ભરાઈ જાય છે. દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા જળસંચયના કામો માટે સુજલામ સુફલામ યોજના ઉપરાંત સિંચાઈ માટે માતબર રકમની ફાળવણી કરવામાં આવે છે પરંતુ મોટા ભાગના સિંચાઈના કમો ચોમાસાની સિઝન નજીક આવી પહોંચે ત્યારે જ વહીવટી મંજૂરી સાથે શરૂ કરવામાં આવતા હોય છે. કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ વી.કે. હુંબલે આ મામલે ભાજપા સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં સિંચાઈના કામોમાં જેટલા ભ્રષ્ટાચાર થાય છે તેટલો ભાગ્યે જ ક્યાંય થતો હશે. દર વર્ષે ચોમાસુ શરૂ થવાના આરે હોય ત્યારે કામોના વર્ક ઓર્ડર નીકળે છે. માંડ ૧૦ કે ર૦ ટકા કામ થયું હોય ત્યાં જ વરસાદ શરૂ થઈ જતા કામ ઢંકાઈ જાય છે. કામના બીલ બની જાય છે અને ચૂકવણા પણ કરી દેવામાં આવે છે. ભ્રષ્ટ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો માટે સિંચાઈના કામો મોટી આવકનું માધ્યમ બને છે. કચ્છમાં સિંચાઈના કામોમાં ભ્રષ્ટાચારના મામલે ખુદ સતાપક્ષના સભ્યોએ પણ ઠેઠ રાજ્ય સરકાર સુધી ફરિયાદો કરી છે પરંતુ સ્થાનિક ભ્રષ્ટ અધિકારીઓોને કોઈ આંચ આવી નથી. સતાપક્ષના હોદ્દેદારો કે કાર્યકરોને જો ભ્રષ્ટ અધિકારીઓ ગાંઠતા ન હોય તો વિપક્ષનું તો શું ઉપજે તેવો વેધક સવાલ પણ તેમણે કર્યો હતો.
કચ્છ જિલ્લા પંચાયતની ગત સામાન્ય સભામાં સિંચાઈના મુદ્દે જ ગરમાગરમી થઈ હતી અને સિંચાઈ વિભાગના ભ્રષ્ટ અધિકારીની સામે આક્ષેપો ઉઠ્યા હતા. ભ્રષ્ટ અધિકારીને ફરજ મોકુફ કરવાના ઠરાવ સુધી વાત પહોંચી હતી તે બાબત જ જિલ્લામાં સિંચાઈના કામોમાં કેટલો ભ્રષ્ટચાર થાય છે તેનું પ્રમાણ પૂરું પાડે છે. શ્રી હુંબલે જણાવ્યું હતું કે, ખરેખર તો જે-તે વિસ્તારમાં થતા વિકાસ કામોનું નિરીક્ષણ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને કરવું જોઈએ. સતાપક્ષે સમિતિ રચના કરવી જોઈએ અને તેમાં વિપક્ષના સભ્યોને પણ સાથે રાખી દરેક કામના યોગ્ય લેવલ લેવાય તે રીતે દેખરેખ રાખવી જોઈએ. ગેરરીતિને અટકાવવા માટે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને પણ જાગૃત રહેવું જરૂરી છે. આ ઉપરાંત જિલ્લામાં સિંચાઈના કામોના વર્ક ઓર્ડર દિવાળી આસપાસ અપાય તો કામ સમયસર પૂર્ણ થઈ શકે. ચોમાસું શરૂ થાય તે પૂર્વે વર્ક ઓર્ડર ઈસ્યૂ કરવાની પ્રથા બંધ કરામાં આવે તો સિંચાઈના કામોમાં થતી ગેરરીતિ પર મહદઅંશે અંકુશ આવી શકે તેવું શ્રી હુંબલે વધુમાં ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન ર૦ર૪ અંતર્ગત ૬૬ સ્થળો પર થયેલા તળાવ સુધારણાના કામોમાં ૬.ર૧ લાખ ધનમીટર માટી ઉપાડવામાં આવી હતી. આ માટી અમુક જગ્યાએ તળાવથી દુર ખનીજ હોવા છતાં ખનન કરવામાં આવી એવી અનેક ફરિયાદો છતાં તંત્ર કોઈ પગલા લીધો હોય તેવું દેખાતું નથી. આ ખનીજ સંદર્ભે ખનીજ તંત્રએ પણ કોઈ લીધો હોય તેવું લાગતું નથી.

Comments