Trending News
સ્થાનિક સમાચાર

જીએમડીસીના પાનધ્રો પ્રોજેકટ પર સ્થાનિકોને રોજગારી મુદ્દે ભારોભાર અન્યાય

22 August

ઘરના છોરૂ ઘંટી ચાટે... ઉપાધ્યાયને આટો...







જીએમડીસીના કેટલાક અધિકારીઓ સાથે મિલીભગત કરી પેટા કંપનીઓ સ્થાનિકોને રોજગારી આપવામાં કરે છે અખાડા : સ્થાનિક યુવાનો યોગ્ય લાયકાત ધરાવતા હોવા છતાં નથી કરાતી ભરતી : જિલ્લા બહારના રાજકીય વગ ધરાવતા લોકોને નોકરીની લ્હાણી : સ્થાનિક લોકોમાં ફેલાઈ નારાજગી


સાતમ-આઠમના તહેવારો બાદ સંભવતઃ જીએમડીસીના એમડી કચ્છની મુલાકાતે આવશે : કચ્છ પ્રવાસ દરમ્યાન ગઢશીશા અને પશ્ચિમ કચ્છની પ્રોજેકટ સાઈટની મુલાકાત લે તેવી શક્યતા : સ્થાનિકો દ્વારા રોજગારી મુદ્વે ધારદાર રજુઆતનો ગોઠવાતો તખ્તો




ભુજ : ઔદ્યોગિક વિકાસ થકી રાજયના વિકાસનું ગ્રોથ એન્જિન બનેલા કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક ક્રાંતિ છતા સ્થાનિકોને પુરતો લાભ મળ્યો નથી. કચ્છમાં ધમધમતા મોટા ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને પુરતા પ્રમાણમાં રોજગારી મળતી ન હોવાની વ્યાપક ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે, તેવામાં કચ્છના સરહદી લખપત તાલુકામાં આવેલા જીએમડીસીના મહાકાય પ્રોજેકટમાં પણ સ્થાનિક લાયકાત ધરાવતા યુવાનોને રોજગારી મુદ્દે ભારોભાર અન્યાયની સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ લખપત તાલુકામાં જીએમડીસીના પાનધ્રો, ઉમરસર, એટીપીએસ છેર, માતાના મઢ, પુનરાજપર, પાનધ્રો - ર જેવા અનેક પ્રોજેકટ કાર્યરત છે, પરંતુ આ પ્રોજેકટ પર સ્થાનિક યુવાનોને લાયકાત પ્રમાણે ભરતી કરવામાં આવતા નથી. સ્થાનિકે ઉઠતી ફરિયાદ મુજબ જીએમડીસીના કેટલાક અધિકારીઓ સાથે મિલીભગત કરી લેબર કોન્ટ્રાકટ ધરાવતી પેટા કંપનીઓ દ્વારા સ્થાનિક યુવાનોને અન્યાય કરવામાં આવે છે. પેટા કંપનીઓ કેટલાક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી કચ્છ બહારના રાજકીય વગ ધરાવતા લોકોના પરિવારના યુવાનોને સારી પોસ્ટ પર નિમણૂંક આપવામાં આવે છે. સ્થાનિકોને મહત્તમ રોજગારી આપવાના હેતુનો છેદ ઉડાવામાં આવી રહ્યો છે. જેથી સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સાતમ-આઠમના તહેવારો બાદ જીએમડીસીના એમડી કચ્છની મુલાકાતે આવશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જીએમડીસીના એમડી સંભવતઃ ગઢશીશાની મુલાકાત લે તેવું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત તેઓ કચ્છમાં કાર્યરત જીએમડીસીના વિવિધ પ્રોજેકટ સાઈટની પણ મુલાકાત લે તેવી શક્યતાઓ છે, ત્યારે કચ્છની મુલાકાતે આવનાર જીએમડીસીના એમડીને સ્થાનિક જાગૃતો દ્વારા રોજગારી મુદ્દે રજુઆત કરવા તખ્તો ગોઠવાયો છે. આ પૂર્વે જીએમડીસીના એમડીને સ્થાનિકો દ્વારા લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી. જેમાં જીએમડીસી લિગ્નાઈટ પાનધ્રો પ્રોજેકટમાં ઈથ્રોસ એચઆર મેનેજમેન્ટ એન્ડ પ્રોજેકટસ પ્રાઈવેટ લીમીટેડ જોડે જીએમડીસીના પાનધ્રો પ્રોજેકટમાં જ કેટલાક અધિકારીઓની મીલીભગત ચાલી રહી છે તે અટકાવવામાં માંગ કરાઈ હતી. રજુઆતમાં જાગૃત નાગરીકોએ જણાવ્યું હતું કે, જીએમડીસી લિગ્નાઈટ પ્રોજેકટ પાનધ્રોમાં ઈથોસ એચઆર મેનેજમેન્ટ એન્ડ પ્રોજેકટસ પ્રા.લિ.માં વર્ષ ર૦ર૪ ના એકમ ખાતે નવી ભરતી ઓનલાઈન વેકેન્સી ટેન્ડર બહાર પાડયા વગર કરવામાં આવી છે. આ પ્રક્રિયામાં મોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાની આશંકા સ્થાનિકોએ વ્યકત કરી હતી. પાનધ્રો પ્રોજેકટ પર કામ કરતા કેટલાક ચાલુ ફરજ પરના અને કેટલાક રિટાયર્ડ અધિકારીઓના જિલ્લા બહારના લાગતા વળગતા યુવાનોને ભરતી કરવામાં આવ્યા છે. લોકલને ફર્સ્ટ પ્રાયોરીટી આપવાનો છેદ ઉડાળી દેવાયો છે. તાલુકાના કેટલાક રાજકીય વગ ધરાવતા લોકોની ભલામણને ધ્યાને લઈ સ્થાનિક યુવાનોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક ગ્રેજયુએટ, ડિપ્લોમા, ડિગ્રીધારક, એમએસ ડબલ્યુ, પીેએચડી કે સીએ કરેલા યુવાનોને તાલુકા બહાર નોકરી શોધવી પડે છે અથવા ઘેર બેરોજગાર બેસી રહેવું પડે છે. સ્થાનિકોઓે હેડ ઓફિસની તલસ્પર્શી તપાસ કરાવી ધોરણસર કાર્યવાહી કરી સ્થાનિકોને ન્યાય અપાવવા રજુઆત કરી હતી.

 

Comments

COMMENT / REPLY FROM