Trending News
સ્થાનિક સમાચાર

ગામની ગૌચર બચાવી લેવા ચાંદ્રોડાવાસીઓના આકરા તેવર

20 August

ભૂમાફિયાઓના અધમ સામે ભભૂક્યો આક્રોશ 




રેકર્ડ અને નકશાની વિસંગતાનો લાભ લઈ ભૂમાફિયાઓ પશુધનની ચરિયાણ જમીન કરી રહ્યા છે હડપ : ગાય માતા માટેની અનામત જમીન ઉંચી કિંમતે વેંચવાનું ષડયંત્ર : ચાંદ્રોડાવાસીઓને ગૌચર સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા વહીવટી તંત્રને પાઠવાયું આવેદન પત્ર : ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવા અને નકશાની વિસંગતાનો દૂર કરવા કરી માંગ 




અંજાર : તાલુકાના ચાંદ્રોડા ગામની ગૌચર અને મંદિરની જમીનને ગેરકાયદેસર ધોરણે ભૂમાફિયાઓ દ્વારા પચાવી પાડવાના ષડયંત્ર સામે ગ્રામજનોમાં ભારે જનાક્રોષ જોવા મળી રહ્યો છે. ગામના પશુધનની ચરિયાણ જમીનને ભૂમાફિયાઓથી બચાવી લેવા ગ્રામજનોએ સંગઠીત થઈ જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. આજે ભુજના જિલ્લા સેવા સદન ખાતે અંજાર તાલુકાના ચાંદ્રોડા ગામના કિલાને અને અગ્રણીઓએ વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું. ચાંદ્રોડાના ગ્રામજનો અને ગૌ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા પાઠવવામાં આવેલા આવેદન પત્રમાં તંત્રને ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર કબજો કરી ગૌચર પચાવી પાડવાની પ્રવૃત્તિને અટકાવવા રજૂઆત કરવામાં આવી હતી. ગામના અગ્રણી શંભુભાઈ નારાણભાઈ વાવડિયા અને રાધુભાઈ રવાભાઈ આહિરે જણાવ્યું હતું કે, તમામ ગ્રામજનો પોતાના કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં પરંતુ ગામના પશુઓની ચરિયાણ જમીનને ભૂમાફિયાઓ દ્વારા હડપ થતી અટકાવવા એકત્ર થયા છે. જિલ્લા વહીવટી તંત્રને પાઠવેલા આવેદનનમાં જણાવાયું હતું કે, ચાંદ્રોડાના ટાવર્સ સર્વે નં.૬૦૦ પૈકી ૧ તથા રર ની જમીન ગામની ગાયો તેમજ જંગલમાં રહેતા પશુધનોના ચરિયાણ માટે આવેલી છે. તેમજ મંદિરની જે જમીન આવેલ છે જે પૈકીની કેટલીક જમીન અંજાર-મુન્દ્રા હાઈવે રોડ પર આવેલ છે. આ જમીનોમાં ખોટી રીતે સીમાડાની અંદર આવેલ જમીનોને બેસાડી ભૂમાફિયાઓ દ્વારા જમીનોમાં ગેરકાયદેસર કબજો કરી જમીનોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિયાઓ દ્વારા રેવન્યુ રેકર્ડ તથા ડીઆઈએલઆરના નક્શાની વિસંગતતાઓનો લાભ લઈ અંજાર-મુન્દ્રા રોડ પર આવતી જમીનોને જે સીમાડાના અંદરના વિસ્તારમાં આવેલ છે તેવી જમીનો ખોટી રીતે હાઈવે રોડ પર આવેલ ગૌચર તરીકે વપરાતી જમીનમાં બેસાડી દેવામાં આવે છે. પશુધનની ચરિયાણ જમીનમાં ભૂમાફિયાઓ કબજો કરી ઉંચા ભાવે વેંચી નાખવામાં આવે છે. ગામની ગૌચર અને મંદિરની જમીનો હડપ કરી જવામાં આવી રહી છે. ભૂમાફિયાઓ દ્વારા ડીઆઈએલઆરનો જે નકશો અમલમાં લાવવામાં આવે છે તે નકશામાં ઘણી ક્ષતિઓ છે. ખરેખર જ્યાં જમીન બેસાડવામાં આવે છે અને વાવવામાં આવે છે તે જમીન નકશામાં અન્ય જગ્યાએ જમીનો બતાવવામાં આવી છે. રેકર્ડ અને નકશાની વિસંગતતાનો લાભ ભૂમાફિયાઓ લઈ રહ્યા છે તેથી ગૌચર જમીન ભૂમાફિયાઓથી બચાવવા ડીઆઈએલઆર અને સંબંધિત મામલતદાર, તલાટી વગેરેને યોગ્ય સૂચન આપવા, આ બાબતની તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવા માંગ કરી છે.  આ વેળાએ ચાંદ્રોડાના રાધુ રવા મરંડ, શંભુભાઈ નારાણ લાવડિયા, દેવરાજ ભીમા મરંડ, કાંતિલાલ રવા બકુત્રા, બાબુ વેલા મરંડ, અરજણ રવા મરંડ, દિનેશ નારાણ મરંડ, શાંતિલાલ લાવડિયા, સધાભાઈ રામસંગ મરંડ વગેરે ઉપરાંત ૧પ૦ જેટલા ગ્રામજનો અને ગૌરક્ષા સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM