Trending News
સ્થાનિક સમાચાર

મુંદરાના સુખપરમાં બે માસુમ બાળકોના ડૂબી જતાં મોત

20 August


કેવડી નદીના પટ્ટમાં પાણી ભરેલ ખાડો બન્યો યમદૂત : ગઈકાલે બપોરે રમવા નિકળેલા બાળકોની રાતભર ચાલી શોધખોળ : વહેલી પરોઢે નદીના પટ્ટમાંથી મળી લાશ : બે શ્રમજીવી પરિવારો પર તુટી પડયું આભ : નદીના પટ્ટમાંથી રેતી ઉપાડવાથી બનેલા ખાડામાં ભરાયું હતું વરસાદી પાણી : તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભભુક્યો આક્રોશ


મુંદરા : ગઈકાલે સમગ્ર કચ્છ જયારે રક્ષાબંધનની ઉજવણીમાં મગ્ન બન્યું હતું, ત્યારે મુંદરા તાલુકાના સુખપર ગ્રામવાસીઓ ગત બપોરથી આખી રાત સુધી લાપતા બે બાળકોની શોધખોળમાં લાગ્યા હતા. આજે વહેલી પરોઢે બન્ને માસુમ બાળકોની લાશ મળી આવતા શોધખોળનો કરૂણ અંત આવ્યો હતો.
આ અંગેની વિગતો મુજબ ગઈકાલે બપોરે મુંદરાના સુખપર ગામના બે માસુમ બાળકો રમતા રમતા કેવડી નદીના પટ્ટમાં પહોંચી ગયા હતા. રજાક ઈબ્રાહીમ જુણેજા (ઉ.વ.૧૧) અને તારીક અનવર સોતા (ઉ.વ.૧૪) લાંબા સમય સુધી ઘર પર પરત ન આવતા પરિવારજનોએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી. રાત્રીના સમય સુધી લાપતા બાળકોની કોઈ ભાળ ન મળતા આખું ગામ ચિંતિત બન્યું હતું. ગ્રામજનોએ રાતભર આસપાસના વિસ્તારોમાં બન્ને માસુમ બાળકોની શોધ ચલાવી હતી. આજે વહેલી પરોઢે પાંચેક વાગ્યાના અરસામાં સુખપર નજીક આવેલ કેવડી નદીના પટ્ટમાં પાણી ભરેલ ખાડામાં એક હતભાગી બાળકનો તરતો મૃતદેહ મળી આવ્યો હતો. લાપતા થયેલા બન્ને બાળકો પૈકી એકનો મૃતદેહ મળતા પાણી ભરેલા ખાડામાં શોધ કરી બીજા બાળકની લાશને ગ્રામજનોએ બહાર કાઢી હતી.સુખપર ગામના બે શ્રમજીવી પરિવારોના માસુમ બાળકોની લાશ મળતા કેવડી નદીના પટ્ટમાં ગમગીની છવાઈ હતી. પરિવારજનોના આક્રંદથી પથ્થર હૃદયના લોકોની આંખોમાંથી પણ આંસુ વહી નિકળ્યા હતા. રક્ષાબંધનના સપરમાં દિવસે બનેલી દુર્ઘટનાથી સમગ્ર મુંદરા પંથકમાં અરેરાટી ફેલાઈ હતી.બન્ને હતભાગીઓના મૃતદેહને મુંદરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં બાળકોના પોસ્ટ મોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બીજીતરફ મુંદરા પોલીસે પણ તપાસ હાથ ધરી છે. કેવડી નદીના પટ્ટમાંથી મોટા પ્રમાણમાં ઉપાડવામાં આવેલ રેતીના કારણે પડી ગયેલા મોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાયા છે. સુખપરના બે માસુમ ભૂલકાઓ રમતા રમતા અકસ્માતે ખાડામાં પડી ગયા હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. તો બીજીતરફ તંત્રની લાપરવાહી સામે પણ સ્થાનીકોએ રોષની લાગણી વ્યકત કરી હતી. બનાવણી જાણ થતા શહેર ભાજપ ઉપપ્રમુખ લાલુભાઈ પરમાર, રોશનભાઈ સહિતના આગેવાનો મુંદરા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી. ચાલુ વરસે કચ્છ જિલ્લામાં પાણીમાં ડૂબી જવાના લીધે બાળકોના મોતની ઘટનાઓ વધી છે. ગાંધીધામમાં પાણીનો ટાંકો, આદીપુર નજીક નર્મદા કેનાલ માસુમોના ભોગ લીધા બાદ મુંદરાના સુખપરમાં ડુબી જતા બે બાળકોના મોતની ઘટનાએ ભારે અરેરાટી ફેલાવી છે.




...................

૧૬મીએ નર્મદા કેનાલે બે બાળકોનો લીધો હતો ભોગ


ભુજ : કચ્છમાં વરસાદ કેનાલથી માંડી નદી, તળાવ, ખાબોચીયાઓ ભરાઈ જતા ડુબી જવાના લીધે મોતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ગઈકાલે મુંદરાના સુખપરમાં કેવડી નદીના પટ્ટમાં ભરાયેલા પાણીના ખાડામાં બે બાળકો ડુબી મોતને ભેટયા હતા. ગત શુક્રવાર તા. ૧૬ ઓગસ્ટના આદીપુર શિણાય નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં ડુબી જવાથી બે તરૂણવયના બાળકોના જીવ ગયા હતા. કેનાલના કિનારેથી મળી આવેલી સાઈકલના આધારે ફાયર બ્રિગેડની ટીમે હતભાગીઓના મૃતદેહ શોધી કાઢયા હતા. જયારે આજે પાણીમાં તરતી લાશ મળ્યા બાદ બે બાળકોની શોધનો કરૂણ અંત આવ્યો હતો. ગોજારી દુર્ઘટનાઓના સિલસિલાથી લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે.



......................


૭૦ લોકો શોધખોળમાં જોતરાયા


મુંદરા : સુખપરના શ્રમજીવી પરિવારના બે બાળકોની શોધખોળમાં ગ્રામજનો પણ જોડાયા હતા. અંદાજે ૭૦ જેટલા લોકોએ રાતભર બન્ને બાળકોની વિવિધ સ્થળો પર શોધખોળ ચલાવી હતી. સુખપરવાસ આસપાસના તમામ સ્થળો, દરગાહો વગેરે પર તપાસ કરવામાં આવી હતી. આજે વહેલી સવોર અબ્દુલ સમેજા નામના યુવાને નદીના પટ્ટમાં તરતી લાશ જોઈ હતી.


રેતી ચોરી પર અંકુશ લાદો

મુંદરા : તાલુકાના સુખપર વાસના પટેલ સલીમભાઈ, કોંગ્રેસના નગરસેવક અનુબાપા ખત્રી વગેરેએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, હતભાગી બાળકો જે સ્થળે ડુબ્યા છે તે સ્થળ પર રેતીચોરોએ મોટા પ્રમાણમાં રેતી ઉપાડી મોટા ખાડાઓ કર્યા છે. આ પંથકમાં રેતીચોરી વ્યાપક દુષણ છે. જો આગામી દિવસોમાં રેતીચોરીની પ્રવૃતિ પર અંકુશ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું સ્થાનિકોએ રોષભેર જણાવ્યું હતું.




 

Comments

COMMENT / REPLY FROM