ગાંધીધામમાં જુગાર રમતી વખતે તકરારમાં યુવાનનું ઢીમ ઢાળી દેવાયું
સુંદરપુરી વિસ્તારમાં ચાર શખ્સોએ પહેલા ધકબુશટનો માર માર્યો બાદમાં છરી હુલાવી દેતાં મોત : એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ ફોજદારી : રક્ષાબંધનના દિવસે જ ત્રણ બહેનોએ ભાઈ ગુમાવ્યો
ગાંધીધામ : તહેવારની સીઝનમાં એકતરફ કચ્છમાં જુગારની મોસમ ખીલી છે. પોલીસ દવાારા દરરોજ મોટી સંખ્યામાં જુગારીઓને ઝડપી લેવામાં આવે છે. ત્યારે ગાંધીધામમાં જુગાર રમતી વખતે થયેલી તકરારમાં યુવાનનું ઢીમ ઢાળી દેવાયું હતું. એ ડિવિઝન પોલીસમાં જુની સુંદરપુરીમાં રહેતા વેરશીભાઈ દાદુભાઈ માતંગના જણાવ્યા પ્રમાણે તેમના દિકરા રપ વર્ષિય નરેશની હત્યા કરવામાં આવી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે, ગોપાલ, નરેશ, મોહન, પપ્પુ, મેઘજી, કરણ સહિતના પતાથી જુગાર રમતા હતા. જુગાર રમતા રમતા નરેશ સાથે મોહન તથા મેઘજી, પપ્પુ ઉર્ફે પ્રેમજીનો ઝઘડો થયો હતો. મેઘજી અને પપ્પુએ નરેશને ધકબુશટનો માર મારતા ઝઘડાનો અવાજ સાંભળી મોહનના પિતા ખીમજીભાઈ આવી ગયા તેમણે નરેશને મારી નાખો એમ કહેતા મોહને ભેટમાં રહેલી છરી કાઢી પગના ભાગે હુલાવી દેતા ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. બનાવ અંગે મોહન ખીમજી જટ, મેઘજી અરજણભાઈ માતંગ, પ્રેમજી ઉર્ફ પપ્પુ અરજણભાઈ માતંગ અને ખીમજી વેલજી જટ સામે હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે આ બનાવ બન્યો હતો. તહેવારના સપરમા દિવસોમાં આ બનાવ બનતા અરેરાટી ફેલાઈ હતી. આ બનાવથી રક્ષાબંધનના દિવસે જ ત્રણ બહેનોએ ભાઈ ગુમાવ્યો હતો. એ ડિવિઝન પીઆઈ મોહનભાઈ ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી છે.

Comments