કચ્છમાં રેરા એક્ટની અમલવારીમાં ડેવલોપર્સનું વલણ ઉદાસીન : ખરીદદારોના હક્ક પર તરાપ
પ૦૦ ચોરસ મીટરથી વધુના તમામ રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટની રેરામાં નોંધણી અનિવાર્ય : કચ્છમાં પૂર્ણ કક્ષાની કચેરી કે અધિકારી ન હોતા કેટલાક ડેવલોપર્સ લઈ રહ્યા છે ગેરલાભ : જાણકારીના અભાવે કચ્છના ખરીદદારો પોતાના અધિકારોથી રહે છે વંચિત : કચ્છમાં ભુજ, ગાંધીધામ, મુંદરા, અંજાર, માંડવી સહિત કેટલાક વિસ્તારોમાં મોટું બાંધકામ છતાં નિયમોની અનદેખી : હાલ રાજકોટમાં આગની ઘટના બાદ ફાયર સેફટીની તપાસણી થાય છે, પણ રેરાના કાયદાનું પાલન થાય છે કે નહીં તે કોઈ તંત્ર જોતું નથી...! : આગ લાગશે ત્યારે ફરી તંત્ર દોડશે : ભુજની વાત કરીએ તો વસ્તીથી વધુ કોરાના કાળ બાદ કોમર્શિયલ બાંધકામ થઈ રહ્યા છે, પરંતુ કાયદાનું પાલન કોણ કરે છે ?
તાજેતરમાં રાજ્યના મહાનગરોમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં સપાટો બોલાવનાર ગુજરાત રેરા દ્વારા કચ્છમાં તપાસ થાય તો મોટા કૌભાંડનો થાય પર્દાફાશ
ભુજ : રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શકતા, જવાબદારી અને કાર્યક્ષમતા લાવવા સરકારે વર્ષ ર૦૧૬માં રિયલ એસ્ટેટ (નિયમ અને વિકાસ) અધિનિયમ એટલે કે રેરા એક્ટને અમલમાં મૂક્યો છે. તાજેતરમાં રેરા એક્ટની જોગવાઈના ઉલ્લંઘન બદલ ગુજરાત રેરા વિભાગ દ્વારા ૧૦૦૦થી વધુ પ્રોજેક્ટના રજિસ્ટ્રેશન રદ્દ કરાતા રિયલ એસ્ટેટ સેક્ટરમાં હડકંપ મચી ગયો હતો. ગુજરાત રેરા વિભાગની ધાક બેસાડતી કાર્યવાહીથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોના નાના-મોટા પ્રોજેક્ટ ધરાવતા બિલ્ડરોને મોટો ફટકો પડ્યો હતો. પ૦૦ ચોરસ મીટરથી વધુ જમીન અથવા આઠ એપાર્ટમેન્ટ ધરાવતા તમામ રહેણાંક અને કોમર્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટને રેરા સાથે નોંધણી કરાવવી જરૂરી છે. જોકે, વિકાસના પંથે અગ્રેસર કચ્છ જિલ્લામાં રેરા એક્ટની અમલવારી મુદ્દે મોટા ભાગે ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છેે. કોરોના કાળ બાદ ભુજ સહિત કચ્છમાં કોમર્શિયલો બાંધકામનો રાફડો ફાટ્યો છે, જે સારી વાત છે, પણ રેરા કાયદાનું પાલન થતું હોય તેવા જુજ પ્રોજેક્ટો જ છે. કાગળ ઉપર રેરાનું કાયદાનું પાલન થાય છે, પરંતુ સ્થળ ઉપર આ કાયદાને ધોળીને પી જવાય છે. પ૦૦ ચો.મી.થી વધુના કોઈપણ પ્રોજેક્ટ રેરાના કાયદાના દાયરામાં આવી જાય છે. ભુજની જ વાત કરીએ તો પ૦૦ ચો.મી.થી વધુના પ્રોજેક્ટોમાં પાર્કિંગની અનામત જગ્યાનો બિલ્ડરો દ્વારા જ કોમર્શિયલ ઉપયોગ કરી નિયમોનુંં ધરાર ઉલ્લંઘન કરાય છે.આ અંગે મળતી વિગતો મુજબ ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય હોવાથી માળખાગત વિકાસને નિયમિત કરવવા રેરા અધિનિયમને ઝડપભેર અમલી બનાવાયું હતું, જેના પરિણામે રિયલ એસ્ટેટ લેન્ડસ્કેપમાં મહત્ત્વના ફેરફાર જોવા મળ્યા હતા. આ અધિનિયમની જોગવાઈ અનુસાર પ૦૦ ચો.મી.થી વધુના તમામ રહેણાંક અને કોમર્શિયલ બાંધકામોની નોંધણી જરૂરી છે. આ નિયમ મુજબ ડેવલોપર્સને નિર્ધારીત સમયમર્યાદામાં પ્રોજેક્ટ્સ પૂરા કરવા પડે છે. તેમાં નિષ્ફળ રહેનાર ડેવલોપરને દંડ અને ખરીદદારને વળતરની જોગવાઈ છે. આ એક્ટ મુજબ ડેવલોપર્સને પારદર્શકતા પણ જાળવવી પડે છે, તો ખરીદદારને પ્રોજેક્ટ વિશે તમામ માહિતી મેળવવાનો અધિકાર મળે છે.રેરા એક્ટ બાંધકામ ક્ષેત્રમાં પારદર્શકતા અને કાર્યદક્ષતા લાવવા અમલી કરાયું હતું. આ અધિનિયમના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઘણા સકારાત્મક ફેરફાર આવ્યા છે, પરંતુ કચ્છ સહિત ગુજરાતના ડેવલોપર્સ માટે મહત્ત્વપૂર્ણ પડકારો પણ ઉભા થયા છે. રાજ્યમાં નિયમની કડક અમલવારીના પગલે રિયલ એસ્ટેટ માર્કેટ પર કેટલીક નકારાત્મક અસર પણ જોવા મળી છે. આ એક્ટના કારણે ડેવલોપર્સના ખર્ચમાં વધારો થતાં છેવટની અસર ખરીદદારને પડી રહી છે. રેરાના કડક નિયમો પ્રોજેક્ટની લેઆઉટ કે ડિઝાઈનમાં ફેરફાર માટે બાધારૂપ બને છે. ફરેફાર માટે ખરીદદારની બહુમતિ સહિતની પ્રક્રિયા પૂરી કરવી પડે છે.વર્ષ ર૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ બાદ કચ્છમાં રિયલ એસ્ટેટ સેક્ટરનો વિકાસ થયો છે. કચ્છના પાટનગર ભુજ, ગાંધીધામ, અંજાર, મુંદરા, માંડવી, ભચાઉ વગેરે શહેરી વિસ્તારોમાં પ૦૦ ચો.મી.થી વધુના અનેક પ્રોજેક્ટ સાકાર થયા છે કે હાલે પ્રગતિમાં છે, પરંતુ કચ્છ જિલ્લામાં રેરાના કાયદાની જોગવાઈઓની ભાગ્યે જ અમલવારી જોવા મળે છે. રહેણાંક હેતુસરની નવી બનેલી વસાહતોમાં ગ્રાહકોના મૂળભૂત અધિકાર સમાન કોમનપ્લોટનો પણ છેદ ઉડાડી દેવામાં આવી છે અથવા તેનું કદ મૂળ પ્રોજેક્ટ કરતા ઘટાડી દેવામાં આવે છે. કચ્છમાં રેરાની પૂર્ણ કક્ષાની કચેરી નથી. આ ઉપરાંત કોઈ જવાબદાર અધિકારી પણ નથી. રેરાની નોંધણી ઓનલાઈન થતી હોય છે. કચ્છના બિલ્ડરો રેરામાં પ્રોજેક્ટની નોંધણી કરાવવામાં ઉદાસીન વલણ દાખવી રહ્યા છે. નાના-મોટા રહેણાંક હેતુસરના પ્રોજેક્ટમાં ડેવલોપર્સ મનમાની ચલાવી રહ્યા છે. મોટાભાગના પ્રોજેક્ટમાં ખરીદદારોને પૂરતી માહિતી પણ ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી. નાના ખરીદદારો પોતાના અધિકારોથી અજાણ હોઈ ડેવલોપર્સને મોકળું મેદાન મળી રહ્યું છે. જિલ્લામાં રેરાની કડક અમલવારી કરવામાં આવે તો અનેક ડેવલોપર્સના પ્રોજેક્ટમાં ચાલી રહેલા ભોપાળાનો પર્દાફાશ થઈ શકે તેવું જાણકારો જણાવી રહ્યા છે.

Comments