કચ્છ સહિત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ૧૨૮૦૮ મુખ્ય શિક્ષકના મહેકમને મંજૂરી
કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિમાં પ૯૯ અને અંજાર શહેર શિક્ષણ સમિતિમાં ૧૬ મુખ્ય શિક્ષકોનું મહેકમ મંજૂર
ભુજ :લાંબા સમયથી શિક્ષકોની ઘટથી પીડાઈ રહેલા કચ્છ જિલ્લા માટે રાહતરૂપ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ સહિત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકના મહેકમને મંજૂરી આપવામાં આવી છે. જેમાં કચ્છ જિલ્લામાં પ૯૯ અને અંજાર નગર શિક્ષણ સમિતિમાં ૧૬ મુખ્ય શિક્ષકોનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આ અંગે મળતી વિગતો મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક સ્કૂલોના મુખ્ય શિક્ષકોનું મહેકમ મંજૂર કર્યું છે. જે મુજબ ૩૩ જિલ્લા શિક્ષણ સમિતિમાં મુખ્ય શિક્ષકની કુલ ૧૧૬૧૫ અને ૨૦ નગર શિક્ષણ સમિતિમાં મુખ્ય શિક્ષકની કુલ ૧૧૯૩ મળી કુલ ૧૨૮૦૮ જગ્યાનું મહેકમ શરતોને આધિન મંજૂર કરવામાં આવ્યું છે. ૩૧ જુલાઈ, ૨૦૨૪ની સ્થિતિએ મંજૂર કરવામાં આવેલા આ મહેકમની તાલુકાવાર ફાળવણી કરવાની રહેશે. હવે પછી મુખ્ય શિક્ષકની કરવાની થતી તમામ પ્રકારની બદલીઓ માટે પણ શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલા મુખ્ય શિક્ષક મહેકમને ધ્યાને લેવાનું રહેશે. રાજ્યની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ પત્ર દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકનું મહેકમ ૩૧ જુલાઈ, ૨૦૨૪ની સ્થિતિએ મંજૂર કરવા બાબતની દરખાસ્ત કરવામાં આવી હતી. મહેકમ મંજૂર કરવામાં આવ્યા અંગેની શિક્ષણ વિભાગ દ્વારા જે શરતો નક્કી કરવામાં આવી છે તેમાં તમામ જિલ્લા / નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકનું મહેકમ ૩૧ જુલાઈ, ૨૦૨૪ની સ્થિતિએ મંજૂર થયેલા મુખ્ય શિક્ષક મહેકમની તાલુકાવાર ફાળવણી કરીને તેની જાણ સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારીએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરવી, અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પોતાના તાલુકાની જે તે શાળાને મળવાપાત્ર મુખ્ય શિક્ષક સામે મંજૂર કરેલા મુખ્ય શિક્ષક મહેકમના આદેશ કરવાના રહેશે. જે શિક્ષણ સમિતિમાં ૩૧ જુલાઈની સ્થિતિએ જે તે શાળામાં મુખ્ય શિક્ષકની જગ્યા ભરેલી હોય પરંતુ વિદ્યાર્થી સંખ્યા મુજબ તે શાળાને મુખ્ય શિક્ષક મળવાપાત્ર ન હોય તે મુખ્ય શિક્ષકની વહિવટી કરણોસર બદલી શિક્ષણ વિભાગના મુખ્ય શિક્ષકની બદલી અંગેના ઠરાવની જોગવાઈ મુજબ તાત્કાલિક હાથ ધરવાની રહેશે. શિક્ષણ વિભાગના ઠરાવથી મુખ્ય શિક્ષકના બદલી નિયમો પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિમાં પ૯૯ અને અંજાર શહેર શિક્ષણ સમિતિમાં ૧૬ મુખ્ય શિક્ષકના મહેકમને મંજૂરી મળતા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણના સ્તરમાં સુધારો થશે.

Comments