Trending News
સ્થાનિક સમાચાર

મુંદરાના અદાણી પોર્ટ પર ૬૦.૭પ લાખની ઠગાઈ કરાતા ચકચાર

18 August



હરિયાણાના વેપારીએ દુબઈથી મંગાવેલું ટેકનીકલ ગ્રેડ યુરિયા કસ્ટમ કલીયરન્સ કરાવવાના નામે આચરાઈ છેતરપિંડી : મેઘપર કુંભારડી, જામનગરના ચાર શખ્સોએ રૂપિયા મેળવી યુરિયા પણ ન આપ્યું : મુંદરા પોલીસમાં નોંધાઈ ફોજદારી



મુંદરા : દેશના મહાબંદરોમાં જેની ગણના થાય છે તેવા મુંદરાના અદાણી પોર્ટમાં ૬૦.૭પ લાખની ઠગાઈ થઈ હોવાની ઘટના સામે આવી છે. હરિયાણાના વેપારીએ દુબઈથી મુંદરા પોર્ટ પર ટેકનીકલ ગ્રેડ યુરીયા મંગાવ્યું હતું. જે કસ્ટમ કલીયરન્સ કરાવવાના નામે ચાર શખ્સોએ ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે ૧૩.૪૦ લાખ પડાવી લીધા છતા ૪૭.૩પ લાખનું યુરીયા તો આપ્યું જ ન હતું. જેથી મુંદરા પોલીસમાં ઠગાઈની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદી હરિયાણા ગુરૂગ્રામમાં રહેતા અરૂણ પ્રતાપસિંગ શ્રીરામવીરસિંગ રાજપુત (ઠાકુર)ના જણાવ્યા પ્રમાણે ર ઓગસ્ટ ર૦ર૩  થી ૧૦ જાન્યુઆરી ર૦ર૪ દરમ્યાન આ બનાવ બન્યો હતો. જે અંગે હવે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓ એક બીજા સાથે મળી ફરિયાદીએ દુબઈથી ઈમ્પોર્ટ કરેલ ટેકનીકલ ગ્રેડ યુરીયા ૧ર૦ ટન જેની જીએસટી તથા કસ્ટમ ડયુટી સાથે કિંમત રૂા. ૪૭,૩પ,૦૯૧ થાય છે. આ માલ ફરિયાદીએ દુબઈથી મંગાવ્યો હોઈ કસ્ટમ કલીયરન્સ કરવાનું હતું, જેથી આરોપી મેઘપર કુંભારડીના ભક્તિધામમાં રહેતા પરાગ કીર્તીભાઈ દેસાઈ મારફતે અજય રાઠોડ નામના સીએચએ સાથે સંપર્ક થયો હતો. તેણે આરોપી પરાગ તેમજ જામનગરના હાપામાં શીવશક્તિ સોસાયટીમાં રહેતા જયરાજસિંહ રાજેન્દ્રસિંહ રાણા અને ચિરાગ શાહ સાથે મળી ફરિયાદી પાસેથી આઈજીએમમાં સીસ્ટમ તથા બીએલમાં વજનની અલગ અલગ એન્ટ્રી સુધારવાના ૬૦ હજાર, ડીમાન્ડ ડ્રાફટ ડીપોઝીટ તથા ઈન્સ્યોરન્સ પોલીસી પેટે અને સીએફએસ ચાર્જના અલગ અલગ ૧૪ ચાર્જ મળી ૪.૩૦ લાખ અને લાઈન ડીટેક્શન ચાર્જના ૮.પ૦ લાખના અલગ અલગ ઈન્વોઈસ મોકલી ફરિયાદીનો વિશ્વાસ કેળવી ૧૩.૪૦ લાખ પડાવી લીધા હતા, તેમ છતાં કસ્ટમ કલીયરન્સ કરવામાં આવ્યુંં ન હતું. ૧ર૦ ટન યુરીયા કિંમત રૂા. ૪૭.૩પ લાખ વાળું ન આપી પોતાના અંગત ફાયદા સારૂ સગેવગે કરી ફરિયાદી સાથે ૬૦,૭પ,૦૯૧ નો વિશ્વાસઘાત કરવામાં આવતા મુંદરા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે અંગે આગળની તપાસ પીઆઈ આર.જે. ઠુમ્મરે હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM