બેંક એકાઉન્ટ વેચી ૧ર કરોડ ટ્રાન્સફર કરવાના કૌભાંડમાં ગાંધીધામથી મહિલાની ધરપકડ
ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસે મહિલા સહિત ત્રણને કોર્ટમાં રજૂ કરતા ૧૮ તારીખ સુધીના રિમાન્ડ મળ્યા : આદીપુરનો રાજ ધનવાણી હજુ પણ ફરાર : ઝડપાયેલા ત્રણેય આરોપીઓ બેંક ખાતાની વિગતો રાજને આપતા અને બારોબાર રૂપિયા ટ્રાન્સફર થતા હતા
ગાંધીધામ : ખાતાધારકની જાણ બહાર તેનું ખાતું બારોબાર ત્રીજા પક્ષકારને વેચી તેમાં કરોડો રૂપિયાની નાણાની હેરફેર કરવાના આયોજનબદ્ધ કૌભાંડનો પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યા બાદ બે શખ્સોની ધરપકડ કરી હતી, જેમાં મહિલા અને વધુ એક શખ્સની ભૂમિકા સામે આવી છે. જેમાં મહિલાની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા ૧૮ તારીખ સુધીના રિમાન્ડ મળ્યા છે. જયારે મુખ્ય આરોપી રાજ હજુ પણ ફરાર છે. સાયબર ક્રાઈમ પોલીસે માહિતી આપતા જણાવ્યું કે, આરોપી નરેન્દ્ર કિશનભાઈ રાજપૂત (રહે. ગાંધીધામ)એ પોતાના બે મિત્રોને પોતાના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાની લિમિટ પૂરી થઈ ગઈ હોવાનું જણાવી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી આપવા અને તેના બદલામાં પૈસા આપવાની લાલચ આપી હતી. આરોપીએ ગાંધીધામના ૧૮ લોકો પાસે તથા મોડાસા અને અમદાવાદના પાંચ લોકો પાસે નવું સીમકાર્ડ લેવડાવી બેંક ખાતા ખોલાવ્યા હતા. આ બેંક ખાતાની કીટ અમદાવાદમાં રહેતા પ્રમોદ ઉર્ફે આશિષ જાંગીરને આપી હતી, જે કીટ આશિષે આદિપુરના રાજ દિપક ધનવાણીને આપી હતી. ર૩ એકાઉન્ટમાં ૧ર.ર૪ કરોડની માતબર રકમ ગેરરીતિથી ઓનલાઈન ખાતામાં જમા કરાવી હતી. સાયબર પોલીસની ટીમે હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ તપાસના આધારે આરોપી નરેન્દ્ર ઉર્ફે હિતેશ કિશનભાઈ રાજપૂત અને પ્રમોદકુમાર ઉર્ફે આશિષ મહેશકુમાર જાંગીરને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ આ ગુના કામે અલગ અલગ ખાતામાં આવેલા આશરે ૧ર,ર૪,ર૭,૧૦૭ વધુની માતબર રકમ ઓનલાઈન છેતરપિંડીના બેંક ખાતા ફ્રીઝ કરાયા હતા. દરમ્યાન મુળ ગાંધીધામના ગુરૂકુળની હાલે અમદાવાદમાં રહેતી હસ્મિતા મનોજભાઈ ઠક્કરની ૧૪ તારીખે ધરપકડ કરવામાં આવી હતી. પુછપરછમાં તેણે જણાવ્યું કે, તે નરેન્દ્ર અને પ્રમોદ સાથે મળીને અલગ અલગ લોકોને લાલચ આપી તેમની પાસેથી બેંક ખાતાની વિગતો મેળવી આ ખાતા રાજ દિપકભાઈ ધનવાણીને આપવામાં આવતા હતા. જે ર૩ ખાતાની તપાસ કરતા તેમાંથી આશરે ૧ર.ર૪ કરોડથી વધુ રકમની એકાઉન્ટધારકોની જાણ બહાર જમા કરવામાં આવી હતી. બેંક ખાતાનો ગેરઉપયોગ કરી અન્ય લોકો સાથે છેતરપીંડી કરવામાં આવી હતી. ત્રણેય આરોપીઓને પોલીસ દ્વારા રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરાતા ૧૮ તારીખ સુધીના ચાર દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે. મુખ્ય આરોપી આદીપુરના રાજ દિપકભાઈ ધનવાણીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરાયા છે. તેમજ આ ૧ર કરોડ કોના છે ? કયાંથી આવ્યા ? તે સહિતની દિશામાં તપાસ શરૂ કરાઈ છે. આ કામગીરીમાં પીઆઈ વી.કે. ગઢવી, બી.જી. રાવલ, સ્ટાફના ગોપાલભાઈ, વિજયભાઈ, અનિલભાઈ, દશરથભાઈ, સુરેશભાઈ, પ્રજ્ઞેશભાઈ, રણજીતભાઈ જોડાયા હતા.

Comments