હવે લાંબી રજા ભોગવતા પોલીસ કર્મીઓ પણ તપાસના દાયરામાં
ગુટલીબાજ ગુરૂજનોના ભાંડાફોડ બાદ...
ભુજ : બનાસકાંઠાની વિદેશ વસ્તી મહિલા શિક્ષિકાનો કિસ્સો ઉજાગર થયા બાદ કચ્છ જિલ્લામાં ૧૭ શિક્ષકો લાંબી રજા ભોગવી રહ્યા હોવાનું પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો છે. તેવામાં હવે લાંબી રજાઓની તપાસનો દાયરો ખાખીધારીઓ સુધી લંબાયો છે. કચ્છ સહિત રાજ્યભરમાં લાંબી રજા ભોગવી ચુકેલા અને હાલે લાંબા સમયથી ‘ઘેર’હાજર પોલીસ કર્મચારીઓ તપાસ શરૂ થવાના સંકેતોથી ગુટલીબાજ ખાખીધારીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ અંગેની વિગતો મુજબ સરકારી પગાર મેળવતા કર્મચારીઓ પોતાની ફરજને નેવે મુકી લાંબી રજાઓ ભોગવવાનો મુદ્દો હાલે કચ્છ સહિત રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. શિક્ષણ તંત્રમાં લાંબી રજા ભોગવતા શિક્ષકોની તપાસ શરૂ કરી જેમાં ચાલુ ફરજે ગેરહાજર રહેતા ૧૩૪ શિક્ષકોની વિગતો સામે આવી જેમને બરતરફ કરાયા છે, ૬૦ શિક્ષકો તો વિદેશમાં હોવાની વિગતો પણ સામે આવી છે. કચ્છ જિલ્લામાં પણ લાંબી રજા ભોગવતા ૧૭ શિક્ષકોની યાદી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. જે પૈકી ૪ શિક્ષકો વિદેશમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. શિક્ષણ વિભાગમાં ચાલતી લાલિયાવાડીના ખુલાસા બાદ હવે અન્ય સરકારી વિભાગોમાં પણ ગુટલીબાજ કર્મચારીઓ સામે સકંજો કસાયો છે. પ્રજાની સુરક્ષાની જવાબદારી અને કાયદાની અમલવારી જેના શીરે છે તેવા પોલીસ બેડામાં પણ અમુક કર્મીઓ લાંબી રજા ભોગવતા હોવાના ઈનપુટસ બાદ હવે પોલીસ તત્ર દ્વારા તપાસનો નિર્ણય લેવાયો હોવાના સંકેતો સાંપડી રહ્યા છે. જાણકારો કહે છે ગુટલીબાજ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓની તપાસ કરવામાં આવે તો ઘણી ચોંકાવનારી વિગતો સામે આવે તેવી સંભાવના છે. લાંબા સમયથી રજા પર હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓની તપાસ કરાશે. શંકાસ્પદ કર્મચારીઓના પાસપોર્ટ પણ ચેક કરવામાં આવશે. આ તપાસની વાતો શરૂ થતાં બીમારીની રજા લઇને વિદેશ ફરી આવેલા પોલીસ અધિકારી-કર્મચારીઓ ચિંતીત થઇ ગયા છે. પોલીસ ખાતામાં પાસપોર્ટ કઢાવવા માટે પણ ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી પડતી હોય છે. ત્યાં ઘણા એવા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ છે કે તેમને વેકેશનમાં તો વિદેશ ફરવા જવું જ પડે. ઘણા પોલીસ કર્મીઓના તો પરિવાર જ વિદેશમાં સેટલ થયા હોવાનું પણ જાણી શકાયું છે. આ પરિસ્થિતિમાં ડિપાર્ટમેન્ટની જાણ બહાર વિદેશ ફરી આવેલા પોલીસકર્મીઓની તપાસ માટેની કવાયત શરૂ થઇ ગઇ છે. મોટા ભાગના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ દ્વારા ડિપાર્ટમેન્ટમાં જાણ કર્યા વગર જ પાસપોર્ટ કઢાવી લેવાયા હોય છે. હવે તેમના પાસપોર્ટ ચેક કરવામાં આવે તો તેમના વિદેશ પ્રવાસની અજાણી વિગતો ચોક્કસ સામે આવે તેવું પોલીસ વિભાગ સાથે સંકળાયેલા સુત્રો જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસના અધિકારીઓ વેકેશનમાં મંજૂર લઇને વિદેશ જવાનું પ્લાનિંગ કરે તો વ્યવસ્થા ખોરવાઇ જતી હોય છે. જેથી મંજૂરી લેવાનું ટાળવામાં આવતું હોય છે. તાજેતરમાં જ વેકેશનમાં રાજ્યમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અમેરિકા-યુરોપ ફરી આવ્યા હતા. હવે તેમણે મંજૂરી લીધી હતી કે કેમ તેની તપાસ ચાલી રહી છે.

Comments