બોગસ બેંક ખાતાઓના ચકચારી કેસમાં બે આરોપી પકડાયા
પૂર્વ કચ્છ સાયબર પોલીસે ગાંધીધામ અને અમદાવાદથી બેને દબોચ્યા
ગાંધીધામ : પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે છેતરપિંડીના કેસમાંં આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સામાન્ય લોકોને લાલચ આપી અલગ - અલગ બેંક ખાતાઓ ખોલાવડાવી તે બેન્ક એકાઉન્ટો કમિશન પર વેંચાણ આપી ગેરરીતિથી ૧ર કરોડ જેટલી રકમ જમા કરાવવામાં ભાગ ભજવનાર આરોપીઓને પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યા હતા. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું હતું કે, આરોપી નરેન્દ્ર કિશનભાઈ રાજપૂત (રહે. ગાંધીધામ)એ પોતાના બે મિત્રોને પોતાના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવાની લિમિટ પૂરી થઈ ગઈ હોવાનું જણાવી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી આપવા અને તેના બદલામાં પૈસા આપવાની લાલચ આપી હતી. આરોપીએ ગાંધીધામના ૧૮ લોકો પાસે તથા મોડાસા અને અમદાવાદના પાંચ લોકો પાસે નવું સીમકાર્ડ લેવડાવી બેંક ખાતા ખોલાવ્યા હતા. આ બેંકની કીટ અમદાવાદમાં રહેતા પ્રમોદ ઉર્ફે આશિષ જાંગીરને આપી હતી, જે કીટ આશિષ મૂળ ગાંધીધામના અને હાલે અમદાવાદ રહેતા રાજ દિપક ધનવાણીને આપતા હતા. ર૩ એકાઉન્ટમાં ૧ર.ર૪ કરોડની માતબર રકમ ગેરરીતિથી ઓનલાઈન ખાતામાં જમા કરાવી હતી. સાયબર પોલીસની ટીમે હ્યુમન સર્વેલન્સ અને ટેકનિકલ તપાસના આધારે આરોપીઓને ગાંધીધામ અને અમદાવાદથી પકડી પાડ્યા હતા. આરોપી નરેન્દ્ર અને પ્રમોદને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે આરોપી હસ્મિતા અને રાજને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન-ર, લેપટોપ, જુદી-જુદી બેંકના એકાઉન્ટો, પાસબુક, ક્રેડીટ કાર્ડ, ચાર સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઓનલાઈન છેતરપિંડીના તમામ બેંક ખાતાઓને ફ્રીઝ કરવામાં આવ્યા છે.
------

Comments