રાજ્યની પહેલી ‘વંદે મેટ્રો’ ટ્રેનનો ટ્રાયલ રન અમદાવાદ-ભુજ વચ્ચે કરાશે
ટ્રાયલ સફળ થયા પછી ઓક્ટોબર સુધીમાં દોડશેઃ ‘વંદે મેટ્રો’ સાબરમતી આવી ગઈઃ ૧૩૦ કિમીની ઝડપે ટ્રાયલ થશે : ભાડાં અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી
ભુજ : કચ્છનું અમદાવાદ મુંબઈ વચ્ચે લાંબા સમયથી ટ્રેનોની માંગણી અને સુપર ફાસ્ટ ટ્રેનો સરહદી જિલ્લાને ફાળવવામાં આવે તેવી કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ ગાંધીધામ ચેમ્બર સહિત વિવિધ સંસ્થાઓએ માંગણી કરી હતી. જે અનુસંધાને વંદે મેટ્રો ટ્રેનની ટ્રાયલ અમદાવાદ - ભુજ વચ્ચે જ કરવાની જાહેરાત કરાઈ છે. પહેલા ટ્રેનનું ટ્રાયલ રન કરાયા બાદ સફળ થયા બાદ ઓકટોબરથી દોડાવવામાં આવનાર હોવાનું આયોજન ઘડાયું છે. વંદે ભારત એક્સપ્રેસની જેમ રેલવે ૨૦૦થી ૩૦૦ કિલોમીટરના અંતરમાં આવતા બે શહેર વચ્ચે ‘વંદે મેટ્રો’ ટ્રેન શરૂ કરવાની છે. પહેલી ‘વંદે મેટ્રો ટ્રેન’ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને આવી ગઈ છે. ટ્રેનની મહત્તમ સ્પીડ કલાકના ૧૦૦થી ૧૩૦ કિલોમીટરની રહેશે. હાલ અલગ અલગ શહેરો વચ્ચે ‘વંદે મેટ્રો’ દોડાવવાનો ટ્રાયલ ચાલી રહ્યો છે.રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યની પહેલી ‘વંદે મેટ્રો’ ટ્રેનનો ટ્રાયલરન અમદાવાદ-ભુજ વચ્ચે કરવામાં આવશે. ટ્રાયલ સફળ થયા પછી ઓક્ટોબર સુધીમાં આ રૂટ પર ટ્રેન દોડતી થઈ જાય તેવી શક્યતા છે. જો કે, ટ્રેનનું ભાડું કેટલું રહેશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સાબરમતી રેલવે સ્ટેશને આવી ગયેલી ‘વંદે મેટ્રો’ની પ્રાથમિક ચકાસણી કર્યા પછી ટ્રાયલ હાથ ધરાશે.૧૨ કોચની ‘વંદે મેટ્રો’ ટ્રેનના દરેક કોચમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. પેસેન્જરો માટે આરામદાયક સોફા જેવી બેઠક વ્યવસ્થા છે. આ ટ્રેનમાં મુસાફરી માટે રિઝર્વેશન કરાવવાની જરૂર નહીં પડે. ટ્રેન ફૂલ થઈ જાય તો પેસેન્જરને ઊભા રહેવા માટે પણ વ્યવસ્થા છે. વહેલા તે પહેલાનાં ધોરણે સીટ મળશે.મુસાફરી માટે રિઝર્વેશનની જરૂર નહીં, કોચમાં આધુનિક સુવિધા સેન્ટ્રલી એસી ટ્રેનમાં ઓટોમેટિક ગેટ અને મોબાઈલ ચાર્જિંગ શોકેટ તેમજ એલઈડી ડિસ્પ્લે જેવી આધુનિક સુવિધાઓ હશે. ‘વંદે મેટ્રો’ અનરિઝર્વ્ડ એસી ટ્રેન તરીકે દોડાવાશે. અર્થાત્ કોઈ રિઝર્વેશનની જરૂર રહેશે નહીં. ટ્રેનમાં વોશબેઝિનથી માંડી આધુનિક ટોઈલેટ સુધીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. દરેક કોચમાં સીસીટીવી ફીટ કરવામાં આવ્યા છે.

Comments