અમદાવાદની લૂંટમાં ભચાઉના પાંચ શખ્સો ઝડપાયા
કચ્છથી લૂંટ કરવા અમદાવાદ ગયા, લૂંટારૂઓ બે વખત નિષ્ફળ ગયા બાદ પણ ન માની હાર : લૂંટ કરનાર આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે સાણંદ પાસેથી ઝડપ્યા
અમદાવાદ : કચ્છના વાગડમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચો ગયો છે. હવે અમુક ગુનેગારો જિલ્લા બહાર દૂર અમદાવાદમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભચાઉના પાંચ શખ્સોને સાણંદ પાસેથી ઝડપી પાડયા હતા.
આ અંગેની વિગતો મુજબ અમદાવાદ શહેરના પાલડી ભઠ્ઠા પાસે આવેલ જે એસ બી એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ગોડાઉનમાં માલિક અને વેપારીને છરી બતાવી રૂપિયા ૩.૧૦ લાખ રોકડા અને એક્ટિવાની લૂંટનો બનાવ બન્યો હતો. જે બનાવની જાણ પોલીસને કરતા ક્રાઈમ બ્રાન્ચએ ઘટનાના સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે કચ્છ જિલ્લાના ભચાઉના રમેશ કોળી, વીનેશ કોળી, હરેશ કોળી, નાગજી કોળી અને ધર્મેશ કોળી નામના પાંચ આરોપીઓને ઝડપીને રૂપિયા ૮૦ હજાર રોકડા અને એક્ટિવા કબ્જે કર્યું છે. આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું છે કે ત્રણેક મહિના પહેલા મિતેષ નામના વ્યક્તિએ જે અગાઉ આ ગોડાઉનમાં નોકરી કરતો હતો. જેણે કિશન મેદરાણી નામના વ્યક્તિને ટિપ્સ આપી હતી કે આ ગોડાઉનમાં કર્મચારી રાત્રે સાડા આઠ વાગ્યા આસપાસ બધા કર્મચારી ઘરે જતા રહે છે અને માલિક તેમજ મેનેજર હિસાબ કરે છે. જેમની પાસે
રૂપિયા ૬૦થી ૭૦ લાખ રોકડા હોય છે. લૂંટ કરવામાં આવે તો મોટી રકમ મળી શકે તેમ છે. જેથી કિશન અને તેનો મિત્ર રમેશ, મિતેષ અને મોન્ટુ લૂંટ કરવા માટે અમદાવાદ આવ્યા હતા. પંરતુ લૂંટ કર્યા વગર જ નીકળી ગયા હતા. બાદમાં કિશન, રમેશ અને વીનેશ ફરી આવ્યા હતા. જો કે બીજી વખત પણ તેઓ લૂંટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. બાદમાં રમેશએ વીનેશ સાથે મળી લૂંટનો પ્લાન ઘડીને અન્ય આરોપીઓ સાથે બસ મારફતે અમદાવાદ પહોંચ્યા હતા. રોપીએ લૂંટ કરેલ એક્ટિવા સાથે બીજી લૂંટને અંજામ આપવા માટે આવ્યા હોવાની બાતમી મળતા સાણંદ પાસેથી આરોપીઓને ઝડપી લીધા છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને તેમણે આ સિવાય અન્ય કોઈ બનાવને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Comments