Trending News
સ્થાનિક સમાચાર

તિરંગો એ દેશની આન, બાન અને શાનનું પ્રતિક : વિનોદ ચાવડા 

11 August



૩૦૦ મીટરના રાષ્ટ્રધ્વજ સાથે ભુજમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનો સાંસદે કરાવ્યો પ્રારંભ : વિદ્યાર્થીઓ અને જવાનોના દેશભક્તિના નારાથી શહેરના મુખ્યમાર્ગો ગુંજી ઉઠ્‌યા : તિરંગા યાત્રાના માધ્યમથી શહેરવાસીઓને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરાયો અનુરોધ



ભુજ : ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજરોજ ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી ૩૦૦ મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનો સાંસદ વિનોદભાઇ ચાવડાએ લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. રેલીને પ્રસ્થાન કરાવતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, તિરંગો આપણી શાન છે, આપણું અભિમાન છે. દરેક કચ્છવાસીના હૃદયમાં તેનું આગવું સ્થાન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કચ્છવાસીઓ પણ આ અભિયાનમાં સહભાગી બનીને પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યકત કરી રહ્યા છે. આજની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા નાગરિકો, વિદ્યાર્થીઓ, રમતવીરો વગેરેને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.  ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં આસપાસના દરેક નાગરિકોને ઉત્સાહથી જોડાવવા અપીલ કરતા તેમણે કચ્છવાસીઓને રાષ્ટ્રધ્વજને પુરા માન સાથે ઘર, દુકાન, વાણિજ્ય સંકુલો, સામાજિક સંસ્થાઓ વગેરે પર લહેરાવી દેશભાવના પ્રગટ કરવા જણાવ્યું હતું. 
જિલ્લા કલેકટર અમિત અરોરાએ સ્વાગત પ્રવચન કરતા નાગરિકોને મોટી સંખ્યામાં આ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. દેશમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ સુંદર બને તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભુજમાં બે કિ.મી.ના રૂટ પર નિકળેલી તિરંગા યાત્રામાં કચ્છવાસીઓનો રાષ્ટ્રપ્રેમ ઝળ્ક્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, આ સમગ્ર અભિયાન થકી દરેક નાગરિકમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને તથા સમાજમાં એકતા, સમરસતા વધે તે હેતુથી વડાપ્રધાનશ્રી દ્વારા સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ તથા ‘તિરંગા યાત્રા અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ભારતના નાગરિક તરીકે આપણી પણ ફરજ છે કે, આપણા તિરંગાને માન સાથે ગર્વભેર ઘર ઘર સ્થાન આપીએ. દેશને ઝાંખપ લાગે તેવા કૃત્ય ન કરવા તથા કોઇ કરતું હોય તો તેને રોકવા સમર્થ બનવા તેમણે અનુરોધ કર્યો હતો. આવનારી પેઢી દેશનું ભવિષ્ય હોવાથી તેઓ દેશની આઝાદીની કિંમત સમજે તથા દેશના ઉજ્જવળ ભવિષ્યને ઘડવા પ્રબળ રાષ્ટ્રભાવના સાથે સહયોગ આપે તેવો અનુરોધ કર્યો હતો. તેમણે લોકોને રાષ્ટ્રીય પર્વ એ કોઈ એક પ્રાંત, સમાજ કે સંગઠનનું નથી, પરંતુ સમગ્ર દેશનો આ પર્વ છે તેવું વધુમાં જણાવ્યું હતું. વર્તમાન સમયે તેમણે લોકોને માનસિક ગુલામીની ભાવનામાંથી બહાર આવવા અનુરોધ કર્યો હતો.   આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, શાળાના બાળકો, પરંપરાગત લોક નૃત્ય કલાકારો, અન્ય કલાકારો, પોલીસ બેન્ડ, રમતવીરો, આઇકોનીક વ્યકિતઓ, સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર, સામાજિક સંસ્થાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.      રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે માનનીય વડાપ્રધાનશ્રીના ‘હર ઘર તિરંગા’ના દેશવ્યાપી અભિયાન અંતર્ગત ભુજ જયુબિલી ગ્રાઉન્ડ ખાતેથી ઓલ્ડફ્રેડ હાઇસ્કુલ સુધી જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. લોકોમાં જાગૃતિ અને રાષ્ટ્રભાવના જાગૃત થાય તે હેતુથી આયોજીત આ રેલીમાં જોડાયેલા રાષ્ટ્રપ્રેમીઓએ ભુજ શહેરના લોકોને વંદે માતરમ, ભારત માતા કી જયના નારાઓ સાથે હર ઘર તિરંગો લહેરાવવા અનુરોધ કર્યો હતો. જયુબિલી ગ્રાઉન્ડથી પ્રસ્થાન થયેલી રેલી વંદે માતરમના જયધોષ સાથે શહેરના મુખ્યમાર્ગ પરથી પસાર થઇને હમીરસર કાંઠે ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઇ હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાને હારારોપણ કરી અંજલી અપાઈ હતી. શહેરના મુખ્યમાર્ગો પર હજારો તિરંગા સાથે નીકળેલા છાત્રો, પોલીસ તથા હોમગાર્ડ જવાનો, રાષ્ટ્રપ્રેમી નાગરિકોના દેશભક્તિના નારાઓથી શહેરના રસ્તાઓ ગુંજી ઉઠ્‌યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુધ્ધભાઇ દવે, વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, એસ.પી. સાગર બાગમાર, જિલ્લા ભાજપ પ્રમુખ દેવરાજભાઇ વરચંદ, ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, નિવાસી અધિક કલેકટર મિતેશ પંડયા, જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમાર, પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રભાઈ વાઘેલા, ડો. કશ્યપ બૂચ, નરેન્દ્ર પ્રજાપતિ, શિતલ શાહ, રાહુલ ગોર, બાલકૃષ્ણ મોતા, ગેલાભાઈ ચાવડા, પ્રવીણસિંહ વાઢેર, રેશ્માબેન ઝવેરી, જિલ્લા વહીવટીતંત્રના તમામ શીર્ષ અધિકારીઓ, કર્મયોગીઓ અને ભુજવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments

COMMENT / REPLY FROM