અદાણી ફાઉન્ડેશનને વૃક્ષારોપણના સમર્પિત પ્રયાસો બદલ ‘વનપંડિત એવોર્ડ’ એનાયત
૧,૭૦,૦૦૦થી વધુ વૃક્ષારોપણ કર્યું : રાજ્યમાં પ્રથમ એવોર્ડ વિજેતા
અમદાવાદ : રાજ્યમાં સૌથી વધુ વૃક્ષારોપણ બદલ અદાણી ફાઉન્ડેશનને વનપંડિત પુરસ્કારથી નવાજવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા ખાતે આયોજીત વન મહોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે વનપંડિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ૧,૭૦,૦૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરી અદાણી ફાઉન્ડેશન રાજ્યમાં પ્રથમ એવોર્ડ વિજેતા બન્યું છે. અદાણી ફાઉન્ડેશનની ૨૦૨૨-૨૩ની વનીકરણની ઉત્કૃષ્ટ કામગીરીને ગુજરાત સરકાર દ્વારા બિરદાવવામાં આવી છે. વનપંડિત પુરસ્કારથી અદાણી ફાઉન્ડેશનના સામાજીક વનીકરણના અભિયાનને વધુ વેગવાન બનાવવા પ્રોત્સાહન મળ્યું છે. વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત મુંદ્રા તાલુકાના ધાર્મિક સ્થળો, શાળા-પ્રાંગણો જેવા જાહેરસ્થાનો પર ૫૦,૦૦૦ જેટલા વૃક્ષોના વાવેતરથી થઈ હતી. ૨૦૨૦-૨૦૨૧માં નાના કપાયા ખાતે લોકભાગીદારીથી અનોખી યોજનાની શરૂઆત થઈ, જેમાં ઔષધીયગુણો ધરાવતી ૪૦ જેટલી પ્રજાતિઓના ૬૦૦૦ વૃક્ષો વાવીને ઘનિષ્ઠ જંગલ બનાવવામાં સફળતા મેળવી હતી. પ્રકૃતિપ્રેમના આ કાર્યને આગળ ધપાવતા ફાઉન્ડેશન દ્વારા ૫૭૦૦૦ નવા વૃક્ષોના વાવેતરનું કાર્ય ચાલી રહ્યું છે. ૨૦૨૨માં મોટી ભુજપુર ખાતે ૨૫,૦૦૦ વૃક્ષોની ત્રણ વર્ષ માટે સારસંભાળની સંપૂર્ણ વ્યવસ્થા સોંપવામાં આવી હતી. ગ્રામજનોએ પણ આ ભગીરથકાર્યમાં જોડાઈ પાણી, વીજળી અને જમીન પૂરી પાડીને પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. ત્રણ વર્ષની માવજતના નિયમથી આ વૃક્ષો માત્ર ૧ વર્ષમાં જ ૧૫ ફૂટથી વધુ ઉંચાઈ ધરાવતા થઈ ગયા છે. અદાણી ફાઉન્ડેશનના ડાયરેક્ટર વી.એસ.ગઢવીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૮ વર્ષથી પર્યાવરણ અને સમાજના ઉત્કર્ષ માટે અદાણી ફાઉન્ડેશન પ્રયત્નશીલ છે. વનઉછેર અને ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપવાની અમારી પહેલ મીઠી જમીનની સમૃદ્ધિ અને ગ્રામીણો માટે નવું અસ્તિત્વ લાવે છે. મુંદ્રા તાલુકામાં વનવિભાગના માર્ગદર્શન હેઠળ પ્રકૃતિરથ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં લોકોના ઘર સુધી ૫૦,૦૦૦ જેટલા છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા ખેડૂતોને ૨૧૦૦૦ ખારેક અને આંબાના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. માંડવી-મુંદ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે,અદાણી ફાઉન્ડેશનની વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ માટેની સફળતા અસાધારણ છે. વીસરી માતા ટ્રસ્ટના પ્રમુખ વિરમભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલ સરાહનીય કામગીરીએ આ જમીનને નવો જીવ આપ્યો છે.સાંદીપની હાઇસ્કૂલના પ્રિન્સિપાલ કરશનભાઇ જણાવ્યું હતું કે, કચ્છમાં આ પહેલી હાઇસ્કૂલ છે જ્યાં ૨૫,૦૦૦થી વધુ વૃક્ષો લહેરાય છે, જે અદાણી ફાઉન્ડેશનની મહેનતનું પરિણામ છે. દેશલપર કંઠીના સીમાડામાં પણ ૧૦,૦૦૦થી વધુ વૃક્ષો વાવીને અભૂતપૂર્વ કાર્ય થયું છે.
------------

Comments