કચ્છમાં હાઈફીવરની બિમારીમાં ચિંતાજનક વધારો
કચ્છ સહિત રાજ્યભરમાં ભારે તાવના કેસ વધ્યા : વર્ષ ર૦ર૪માં જિલ્લામાં સરકારી ચોપડે ૧૦૭૬ કેસ નોંધાયા ૧૦૮ ઈમરજન્સી સેવાનો સતત રણકતો રહ્યો ફોન : ખાનગી દવાખાનાઓમાં દર્દીઓનો આંક વધુ ઉંચો હોવાની સંભાવના
ભુજ : કચ્છ સહિત રાજ્યભરમાં હાઈફીવરના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. સરકારી અને ખાનગી દવાખાનાઓમાં હાઈફીવર એટલે કે, ભારે તાવના દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ ર૦ર૪ના પ્રથમ સાત મહિનામાં સરકારી ચોપડે હાઈફીવરના રાજ્યમાં ર૯,ર૪૦ જયારે કચ્છ જિલ્લામાં ૧૦૭૬ કેસ નોંધાયા છે. ૧૦૮ ઈમરજન્સી સેવાને હાઈ ફીવરના ઢગલાબંધ ફોન મળ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ સહિત રાજ્યભરમાં ભારે તાવની બિમારીએ માથુ ઉંચકયું છે. સરકારી - ખાનગી દવાખાનાઓમાં આ બિમારી સબંધે ઓપીડી વધી હોવાનું જાણવા મળી રહ્યું છે. દવાખાનાઓ ભારે તાવના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. હાઈફીવર સાથે ખાંસી શરદી અને તાવના કેસ વધ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની કતાર જોવા મળી રહી છે. આ વર્ષના પ્રથમ સાત મહિના દરમ્યાન રાજ્યમાં હાઈફિવરના કેસનો આંક ર૯,ર૪૦ થયો છે. જેમાં કચ્છમાં ૧૦૭૬ કેસ જયારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૭૪૪૩ કેસ નોંધાયા છે. પ્રથમ સાત મહિના દરમિયાન રાજ્યના ર૯,ર૪૦ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા છે. આ માત્ર ૧૦૮ ઈમરજન્સી સેવા મારફતે દવાખાને પહોંચેલા દર્દીઓનો આંક છે. જયારે વાસ્તવિક આંક તેનાથી અનેકગણો વધારે હોવાનું અનુમાન છે. સરકારી અને ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલોમાં તેનાથી અનેકગણા વધુ દર્દીઓને સારવાર અપાઈ છે. તબીબોના જણાવ્યા અનુસાર ચોમાસાની સિઝનમાં હાઈફિવરના કેસનું પ્રમાણ વધુ છે. વરસાદ અને ભેજના ઉંચા પ્રમાણના કારણે તાવ જેવી સ્વાસ્થ્ય સબંધી અનેક સમસ્યાઓ ઉભી થાય છે. આવા હવામાનમાં ફિવર ઉપરાંત ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ટાઈફોઈડ, ઉધરસ, શરદી, થાક, સુસ્તી અને માથાના દુઃખાવા જેવી સમસ્યાઓ સામાન્ય છે. ચોમાસા દરમ્યાન શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જતી હોવાથી શરીરમાં અસંતુલન સર્જાય છે. આ અસંતુલન સ્વસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

Comments