Trending News
સ્થાનિક સમાચાર

ભુજના ઐતિહાસિક ભુજીયા ડુંગરે ભુજંગદેવની પૂજનવિધિ સાથે શ્રાવણી મેળાનો આરંભ

09 August



નાગપંચમીના અવસરે રાજવી પરિવારના પ્રતિનિધિ કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજાના હસ્તે કરાઈ પરંપરાગત પૂજનવિધિ



ભુજ : શ્રાવણ સુદ પાંચમના ભુજીયા ડુંગર ખાતે નાગપંચમીના મેળા સાથે કચ્છમાં શ્રાવણી મેળાઓની મોસમ શરૂ થઈ છે અને ભુજીયા ડુંગરના પરિસર ખાતે લોકમેળાનું આયોજન કરાયું છે. આજે સવારથી જ ભુજીયા ડુંગર ખાતે બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા. ભુજનું નામ જેના પરથી પડ્યું છે એવા ભુજિયા ડુંગરની ટોચે આવેલા ભુજંગદેવની પુજા અને તળેટીમાં લોક મેળાના ઉદ્દઘાટન કચ્છના અંતિમ મહારાઓના પ્રતિનિધિ કુંવર ઈન્દ્રીજીતસિંહ દ્વારા પૂજા-અર્ચના થયા પછી નગરઅધ્યક્ષા રશ્મિબેન સોલંકી તથા રાજપરિવારના સભ્યોની હાજરીમાં ખુલ્લો મુકાયો હતો. વહેલી સવારના પ્રાગમહેલમાં આવેલ ટીલામેડીમાં મહારાવ પ્રાગમલજી ત્રીજાના પ્રતિનિધિ કુંવર ઈન્દ્રજીતસિંહ દ્વારા પૂજા-અર્ચના કરાયા બાદ દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા, તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ જાડેજા તથા અન્ય ભાયાતો, રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે વાજતે-ગાજતે સવારી ભુજીયા ડુંગરે આવેલ ભુજંગદેવના મંદિરે પહોંચી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ અંગેની વિગતો આપતા કુંવર ઈન્દ્રજીતસિંહે જણાવ્યું કે, કે અમદાવાદના શેર બુલંદખાન સાથે ઈ.સ.૧૭ર૯ મા ભુજિયા ડુંગરની તળેટીમાં ભીષણ યુદ્ધ થયું હતું. તેમાં રોહા ઠાકોર લખપતજીએ યુદધ્નું મુખ્ય સંચાલન કર્યું અને શેર બુલંદખાનની તલવાર ઝુંટવી લીધી જે તલવાર આજે પણ રોહા ઠાકોર પાસે હયાત છે. આ યુદ્ધમાં કચ્છમાં દેરક જ્ઞાતિના લોકોની સાથે કચ્છ પધારેલા નાગા બાવાઓનો સમુહ યુદ્ધમાં જોડાયુ અને વિજય થયો તે દિવસ શ્રાવણ સુદ નાગપાંચમી હતી. આ વેળાએ ખુશાલીમાં દેશળજી પહેલાએ દરબાર ગઢથી ભૂજિયાની સવારી કાઢી હતી. તે સમયથી પરંપરા ચાલુ થઈ ૧૯૪૮ માં રાજાશાહી પુરી થયા પછી આ પરંપરા આજે પણ મહારાણી પ્રીતિદેવીએ જાળવી રાખી છે. કચ્છના અંતિમ મહારાઓ પ્રાગમલજી ત્રીજાએ તેમનો ત્રણ પ્રતિનિધિઓ નિમ્યા છે. તેમના હસ્તે પૂજાવિધિ કરવામાં આવે છે જે આજે પણ પરંપરાને મહારાણી દ્વારા ચાલુ રખાઈ છે. તેમનું ધ્યેય એકજ છે કે, પરંપરા ભૂલવી ન જોઈએ અને ઈતિહાસ જળવાઈ રહે એટલે તે ઐતિહસિક દિવસ છે. મહારાણી વતી કુંવર ઈન્દ્રજીતે સર્વે કચ્છવાસીઓને નાગપંચમી અને પવિત્રશ્રાવણ માસની શુભેચ્છા પાઠવી હતી. પૂજાવિધિ પૂર્ણ થયા બાદ શ્રાવણી મેળાનો પ્રારંભ રાજપરિવારના પ્રતિનિધિઓ કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા, દેવપર ઠાકોર કૃતાર્થસિંહજી જાડેજા, તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ જાડેજા, નગરઅધ્યક્ષા રશ્મિબેન સોલંકીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ વેળાએ પ્રતિનિધિ પરિવારના સભ્યો, ક્ષત્રિય સમાજના અગ્રણી જોરાવરસિંહ રાઠોડ, નગર સેવક મનુભા જાડેજા, કચ્છ ઈતિહાસ 
પરિષદના પ્રમોદ જેઠી, દલપત દાણીધારીયા, કોમર્શીયલ બેંકના ધીરેન ઠક્કર, ગૌતમ શેઠીયા, અન્શુલ વચ્છરાજાની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ સવારના મહારાવ હનુવંતસિંહજી જાડેજા, યુવરાજ  પ્રતાપસિંહ જાડેજા, શાલીનીદેવી તેમના પુત્રો મેઘદીપસિંહ, અનિરૂધ્ધસિંહ, ત્રિશુલીનીકુમારીની હાજરીમાં યુવરાજે ભુજંગ દેવતાની પુજા કરી હતી. આ પુજન પુર્વ શરદબાગથી શોભાયાત્રા વાજતે ગાજતે ભુજીયા ડુંગરની તળેટીમાં પહોંચી હતી. 


 

Comments

COMMENT / REPLY FROM