Trending News
સ્થાનિક સમાચાર

એલએલડીસી ક્રાફટ મ્યુઝિયમ ખાતે ‘કચ્છને ઓળખીએ’ સેમિનાર યોજાયો

08 August




ભુજ : અજરખપુરમાં આવેલ એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમમાં શ્રુજન ક્રિએશન, એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમ અને એગ્રોસેલ કંપનીના સંયુક્ત ઉપક્રમે ‘કચ્છને ઓળખીએ’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંં ભુજના જોવાલાયક ઐતિહાસિક સ્થળ એવા પ્રાગ મહેલના આર્કાઇવિસ્ટ અને કચ્છના વિવિધ ક્ષેત્રોના જાણકાર તથા નિષ્ણાંત દલપતભાઈ દાણીધારીયા દ્વારા કચ્છના પ્રાગૈતાહિસક સમયથી લઈને અત્યારના હાલના સમયના કચ્છના મહત્વના પાસાઓને વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યા હતા. આ સેમિનારમાં શ્રુજન ક્રિએશન, એલએલસીસી ક્રાફ્ટ મ્યુઝિયમ અને એગ્રોસેલ કંપનીના સ્ટાફમિત્રોએ ભાગ લીધો હતો. મૂળ ભાવનગરના વતની દલપતભાઈએ કચ્છને આત્મસાત કરી લીધું હોય તે રીતે કચ્છની એક - એક બાબતોની ઝીણવટભરી છણાવટ કરી પ્રશિક્ષણ આપ્યું હતું, જેમાં કચ્છ પ્રદેશની ઉત્પતિ, તેની ભૂસ્તરીય રચના, દુનિયાના નકશામાં કચ્છના સ્થાનનું મહત્વ, પર્વતો, પ્રાચીન - અર્વાચીન નદીઓ, વિશ્વ વિખ્યાત કચ્છનું સફેદ રણ, સમુદ્ર કિનારો, બહારથી આવીને કચ્છમાં સ્થાયી થયેલ પ્રજાઓ, કચ્છના રાજાઓ, કચ્છમાં થઈ ગયેલી મહાન વિભૂતિઓ, કચ્છની મુલાકાતે સમગ્ર વિશ્વમાંથી આવેલ મહાનુભાવો, કચ્છના અભયારણ્યો, પશુ - પક્ષીઓ, વનસ્પતિઓ, ખનિજો, ખડકો, જોવાલાયક અને પર્યટન સ્થળો, કચ્છ વિશેની દંતકથાઓ, કચ્છનો સાંસ્કૃતિક વારસો, કળા-હસ્તકળાઓ વગેરેની મૂવી ક્લિપ્સ અને પીપીટી દ્વારા રોચક તથા રસપ્રદ માહિતી આપી હતી. કચ્છમાં બનેલી મહત્વની ઘટનાઓને તાદ્રશ રજૂ કરી હતી. આ તમામ માહિતી ચાર્ટ સ્વરૂપે પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. સંશોધકો માટે કચ્છ એક ખુલ્લી સંશોધન ભૂમિ છે અને ખાસ કરીને કચ્છના યુવાનો કચ્છને સંપૂર્ણ રીતે ઓળખે અને અન્યોને પણ ઓળખાવી શકે તેવું દલપતભાઈ દ્વારા ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ભાગ લેનાર તમામે પોતાના અનુભવમાં જણાવ્યુ હતું કે, આ સેમિનારથી અમે કચ્છને એક અલગ જ દ્રષ્ટિએ જોયું, જાણ્યું અને સમજયું તેમજ આ અમારા માટે યાદગાર અનુભવ રહેશે. સેમિનારના અંતે એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમના પીઆર, આઇટી અને ઈવેન્ટ વિભાગના હેડ મહેશભાઇ ગોસ્વામી દ્વારા આભારવિધી કરવામાં આવી હતી.
-----

Comments

COMMENT / REPLY FROM