કચ્છમાં ઈસીના અભાવે લીઝ એટીઆર બંધ થતા સરકારી તિજોરીને પ૬૭ લાખનો ફટકો
પર્યાવરણીય પ્રમાણપત્રના અભાવે બ્લેકટ્રેપ, ચાઈનાક્લે, રેતી સહિતની લીઝ પર ખાણકામ બંધ થતા સર્જાઈ સમસ્યા : ચોમાસા પુર્ણ થયા બાદ રોજગારીનો મોટા પ્રશ્ન ઉભો થશે : એક મહિનામાં રોયલ્ટીની આવકમાંમોટો ઘટાડો દેખાયો : બાંધકામ મટેરીયલના ભાવ બમણા થઈ જતા મધ્યમવર્ગીય પરિવારો માટે ઘર બનાવવું થયું મોંઘુ : અનેક સરકારી અને ઔદ્યોગિક પ્રોજેક્ટ રો-મટેરીયલની અછતથી મૂકાયા ઘોંચમાં : સંલગ્ન વ્યવસાયોને માઠી અસર અનેક શ્રમજીવીઓના રોજગાર પર સર્જાયું સંકટ
ભુજ : પર્યાવરણીય પ્રમાણપત્રના અભાવે કચ્છ જિલ્લામાં રેતી, બ્લેકટ્રેપ, ચાઈનાક્લે સહિતની લીઝના એટીઆર બંધ થયાને એક માસ જેટલો સમય થયો છે. ઈસીના અભાવે લીઝ એટીઆર બંધ થતા સરકારી તિજોરીને રોયલ્ટી રૂપે થતી આવકમાં ઘટાડો થયો છે. માત્ર એક મહિનામાં સરકારી તિજરીની આવકમાં પ૬૭.૯પ લાખનો ફટકો પડ્યો છે. તો બીજી તરફ બાંધકામ માટેના રો-મટેરીયલના ભાવમાં પણ વધારો થતા મધ્યમવર્ગીય પરિવારો માટે ઘરના ઘરનું સ્વપ્ન મોંઘુ થયું છે. રો-મટેરીયલની અછત થતા અનેકવિધ મોટા સરકારી અને ખાનગી પ્રોજેક્ટ પણ ઘોંચમાં મૂકાયા છે. હાલે ચોમાસુ સિઝન ચાલી રહી હોવાથી લીઝ એટીઆર બંધ થયાની જે અસર દેખાઈ છે તે માત્ર ટ્રેલર સમાન છે. તેની વધુ અસર આગામી દિવસોમાં દેખાશે તેવું જાણકાર વર્ગ જણાવે છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર પશ્ચિમ કચ્છમાં રરપથી વધુ લીઝ પર ખાળકામ ઈસીના અભાવે બંધ થયું છે. જેમાં બેન્ટોનાઈટ, રેતી, માટી, બ્લેકટ્રે, સ્ટોન, ચાઈનાક્લે જેવી ખાણ પર ખોદકામ બંધ થયું છે. ભુજની ખાણ ખનીજ કચેરીમાં લીઝ એટીઆર બંધ થયા છે તે પૂર્વે જુન-ર૦ર૪ મા ૧ર૭ર.૯ર લાખની આવક થઈ હતી. લીઝ એટીઆર બંધ થયા બાદ ૧ જુલાઈથી ૬ ઓગસ્ટ સુધી તે આવક ઘટીને ૭૦૪.૯૭ લાખ થઈ હતી. માત્ર એક માસ જેટલા સમયગાળામાં સરકારી તિજોરીને પ૬૭.૯પ નો ફટકો પડ્યો હતો. બીજીતરફ બાંધકામમાં વપરાતા રો-મટેરીયલના ભાવમાં પણ વધારો થયો છે. મોટા ભાગના મટેરીયલના ભાવ બમણા થઈ ગયા હોવાથી બાંધકામ ક્ષેત્રે તેની અસર જોવા મળી રહી છે. મધ્યમ વર્ગના લોકો માટે ઘર બનાવવું મોંઘું થયું છે. તો હાલે કચ્છમાં પ્રગતિ હેઠળના નાના-મોટા સરકારી પ્રોજેક્ટ માટે પણ રો-મટીરીયલની અછત સમસ્યા સમાન બની છે. તેની સાથે બાંધકામ સાથે સલ્ગન વેપારને પણ અસર થવા લાગી છે. કચ્છની અનેક લીઝ પર ખાણકામ બંધ થયું હોવાથી ટ્રાન્સપોર્ટ સહિતના સંલગ્ન વ્યવસાયોમાં પણ મંદીના વાદળો ઘેરાયા છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા હજારો શ્રમજીવીઓના રોજગાર પર પણ સંકટ ઊભુ થયું છે. લીઝધારકોના વિવિધ સંલગ્નો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ સમાધાનકારી નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે. કચ્છના લીઝધારકો ઈસી મેળવવાની જટીલ પ્રક્રિયાને સરળ બનાવવા અને પર્યાવરણીય પ્રમાણપત્ર મેળવવા એક વર્ષની મુદ્દત આપવા સાથે નાની લીઝ માટે ઈસી અને માઈનીંગ પ્લાનની અનિવાર્યતા અંગે પુનઃ વિચાર કરવા રજૂઆતો કરવામાં આવી છે.

Comments