Trending News
સ્થાનિક સમાચાર

અંજારના ભુવડ ગામે તળાવ સુધારણાના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર

06 August




ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયતને નાણાંકીય ગેરરીતિની તપાસ કરી રિકવરી માટે કરાઈ માંગ


અંજાર : કચ્છ જિલ્લામાં જળસંચય અને ભૂગર્ભ જળની સુધારણા માટે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ જિલ્લામાં સિંચાઈના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. તાજેતરમાં મળેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ સિંચાઈના કામોમાં ભ્રષ્ટાચાર મુદ્દે ગરમા-ગરમી જોવા મળી હતી, જેમાં જિલ્લામાં સભંવતઃ પ્રથમ વખત કોઈ સરકારી અધિકારી સામે કામગીરી અને ભ્રષ્ટાચાર મુદ્દે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. અંજાર તાલુકાના રતનાલ - નિંગાળ ગામે નાની સિંચાઈ યોજના હેઠળ ડેમના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ખુદ શાસક પક્ષના જ સદસ્ય દ્વારા કરવામાં આવી છે ત્યારે અંજાર તાલુકાના ભુવડ ગામે તળાવ સુધારણાના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ગ્રામ પંચાયતે કરી છે. ભુવડ ગ્રામ પંચાયત દ્વારા રાજ્યના મુખ્યમંત્રીથી માંડી જિલ્લા વહિવટી તંત્ર સુધી કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, ભુવડ ગામે સિંચાઈ માટે ઉપયોગી એવું કારાપીર તળાવ આવેલ છે. સિંચાઈ વિભાગ દ્વારા ૪૯ લાખના માતબર ખર્ચે તળાવ સુધારણાનું કામ મંંજૂર કરાયું હતું. ભુવડ ગામે મંજૂર થયેલ રકમમાંથી પાંચ લાખનું પણ કામ થયું નથી. આ કામને ૧૦મી ઓક્ટોબરના વહિવટી મંજૂરી મળ્યા બાદ ૧૦ જૂનથી કામ શરૂ થયું હતું. કચ્છમાં ૧પ જૂન પછી ગમે ત્યારે વરસાદ થવાની શક્યતા હોય છે ત્યારે આઠ - દસ દિવસમાં કોઈપણ  જાણ કર્યા વિના કામગીરી કરી તેના ફોટા પાડી જે-તે વિભાગમાંથી બિલ મંજૂર કરી લેવાનો કારસો જણાય છે. ભુવડ ગ્રામ પંચાયત દ્વારા અંજાર સિંચાઈ વિભાગને ૧૧મી જૂનના કામ યોગ્ય ન થતું હોવા અંગે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ વિભાગ દ્વારા કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. અંજાર તાલુકાના ભલોટ, ભુવડ, ખેડોઈ, ચાંદ્રોડા ગામોના તમામ તળાવોના કામો એક જ એજન્સીને આપવામાં આવ્યા છે, જેના ટેન્ડરીંગમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગ્રામ પંચાયતે કર્યો છે. આ કામની મુદ્દત ૮ માસની હતી તેમ છતાં ઓક્ટોબરમાં શરૂ કરવાના કામો જૂન મહિનામાં શરૂ કરાયા છે, જેથી વરસાદ આવે તો માપ લંબાઈ, ઉંડાઈ, માટીકામ જેવા પુરાવાનો નાશ કરી શકાય. આમ શરૂ થતાં પહેલાં જ્યાં લેવલ લેવામાં આવેલ તેના બદલે અન્ય જગ્યાએ કામ શરૂ કરાયું હતું તેમજ લેવલ પણ પોતાની રીતે મનસ્વીપણે લેવામાં આવ્યો છે તેવો આક્ષેપ ગ્રામ પંચાયતે કર્યો હતો. ભુજ ખાતે મળેલી સંકલનની બેઠકમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ નાની સિંચાઈના ડેમોના કામોમાં છેલ્લા બે વર્ષોમાં થતાં ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરી હતી. ત્યારબાદ કલેક્ટરે ૧પમી જૂન બાદ કોઈએ એમબી ન ભરવા આદેશ કર્યા હતા. ભુવડ ગામે સ્થાનિક કામનું નામ, મુદ્દત, કોન્ટ્રાક્ટરનું નામ, રકમ જેવી કોઈ વિગતો બોર્ડમાં જાહેરમાં લગાવવામાં અવાી નથી. જે કોન્ટ્રાક્ટરને કામ મળે છે તે તેના દ્વારા પેટા કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવે છે, જેથી કામની ગુણવત્તા અને જવાબદારી સામે સવાલો ઉઠે છે. સરકારના પરિપત્ર અનુસાર કોઈપણ સરકારી કામમાં સ્થાનિકે જે વપરાશકાર હોય તેમને વિશ્વાસમાંં લઈ તેમની રજૂઆતોને ધ્યાને લઈને કામ કરવવાનું હોય છે તેમ છતાં સિંચાઈ વિભાગ દ્વારા સ્થાનિકોને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. અંજાર તાલુકાના ગામોમાં સિંચાઈના કામમાં થયેલા ભ્રષ્ટાચારમાં સિંચાઈ કચેરીના જ કર્મચારીઓ સામેલ હોઈ આ કામનું પેમેન્ટ ન કરવા સાથે જવાબદાર લોકો સામે તાત્કાલિક પગલાં ભરી બરતરફ કરવામાં આવે અને જે નાણંકીય ભ્રષ્ટાચાર થયો હોય તે રૂપિયાની રિકવરી કરવામાં આવે તેવી માંગ ગ્રામ પંચાયત દ્વારા કરાઈ હતી.

 

Comments

COMMENT / REPLY FROM