કચ્છમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત કોઈપણ ખર્ચ વિના ૬૬ તળાવો ઉંડા કરાયા
લોકસભાની ચૂંટણીની આદર્શ આચારસંહિતાના કારણે ગ્રાન્ટના અભાવે કરાયેલો નવતર પ્રયોગ રહ્યો સફળ : જિલ્લાના સાત તાલુકાઓમાં જળસંચયની કામગીરીમાં નીકળેલ માટી સ્થાનિક કિસાનોને સ્વખર્ચે ઉપાડવા અપાઈ હતી મંજૂરી
૬૬ તળાવોના ખોદકામથી નીકળેલ ૬.ર૧ લાખ ઘનમીટર માટી કિસાનો માટે કાચું સોનુ થઈ સાબિત : જિલ્લામાં કેટલાક કિસ્સાઓમાં મંજૂર સ્થળના બદલે અન્ય સ્થળ પર ખોદકામ થયું હોવાનો ગણગણાટ
ભુજ : કિસાનો અને પશુપાલકોની બહોળી વસ્તી ધરાવતા કચ્છ જિલ્લામાં ખેતી અને પશુપાલન સૌથી વધુ રોજગાર આપતા વ્યવસાયો ગણાય છે. આ બન્ને વ્યવસાયોમાં પાણી એ મૂળભૂત જરૂરિયાત હોય છે. કચ્છ જેવા સૂકા મુલકમાં પાણી એ કિંમતી જણસ છે. જિલ્લામાં સતત ઉંડા ઉતરતા જતા ભૂગર્ભ જળના સ્તરને ઉંચા લાવવા અને જળસંચયનું પ્રમાણ વધારવા રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. કચ્છમાં ભૂગર્ભ જળસ્તરમાં સુધાર અને જળસંચયના કામો સુજલામ સુફલામ યોજના અંતર્ગત હાથ ધરવામાં આવે છે. ભૂતકાળમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ મામલે રાજ્ય સરકારની આ મહત્ત્વાકાંક્ષી યોજના બદનામ પણ થઈ છે, પરંતુ ચાલુ નાણાંકીય વર્ષ આ યોજના હેઠળ એકપણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર ખૂબ સારૂં કા થયું છે. ગત વર્ષે સુજલામ સુફલામ યોજના અંતર્ગત કચ્છ જિલ્લાના સાત તાલુકામાં ૬૬ જેટલા તળાવોમાં કામગીરી કરવામાં આવી હતી, જેમાં ૬૬ તળાવોમાંથી કુલ ૬.ર૧ લાખ ઘનમીટર માટી ઉપાડવામાં આવી હતી. આ વર્ષે નાણાંકીય વર્ષના પ્રારંભે લોકસભાની સામાન્ય ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલી હોવાથી સુજલામ સુફલામ યોજના હેઠળ જળસંચયના કામો માટે કોઈ ગ્રાન્ટ ફાળવવામાં આવછી ન હતી, પરંતુ તળાવો ઉંડા કરવાની કામગીરીમાં ખોદાણ કરતા નીકળેલી માટી સ્થાનિક કિસાનોને સ્વખર્ચે ઉપાડી લેવા અનુમતિ અપાઈ હતી. જિલ્લાના સાત તાલુકામાં ૬૬ તળાવોના ખોદકામથી એકત્ર થયેલ ૬.ર૧ લાખ ઘનમીટર કાચા સોના સમાન માટી કિસાનો સ્વખર્ચે લઈ ગયા હતા. આમ એકપણ રૂપિયાના ખર્ચ વગર જળસંચયનું કામ થયું હતું અને સ્થાનિક કિસાનોને પણ લાભ મળ્યો હતો. આ ઉપરાંત આ કામગરીમાં રોજગારીનું પણ સર્જન થયું હતું. કચ્છ જિલ્લામાં સિંચાઈના કામો હંમેશા વિવાદનું કેન્દ્ર રહ્યા છે. તાજેતરમાં જ મળેલી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ સિંચાઈના કામો અંગે બબાલ થઈ હતી. તેવામાં સુજલામ સુફલામના કામોમાં નવતર પ્રયોગ ખાસ્સો સફળ રહ્યો હતો. જોકે, આ વખતે પણ મૂળ દર્શાવેલ સ્થાન કરતા અલગ જગ્યાએ ખોદકામ થયું હોવાનો ગણગણાટ પણ કેટલાક સ્થળોએ સાંભળવા મળ્યો હતો.

Comments