મારૂં પહેલું અને અંતિમ દાન માદરે વતન કચ્છ માટે છે : કે. કે. પટેલ
ભુજ ખાતે એક હજાર છાત્રો સાથે ગોષ્ઠિમાં કરી દિલની વાત
ભુજ : ગરીબીની ગર્તામાંથી સાત દેશોને "લુણ" ખવડાવતા કચ્છી દાનવીર કે.કે. પટેલ અને એમના ધર્મપત્ની ધનબાઇબેને જણાવ્યું હતુંકે, અમારા જીવનનું પ્રથમ અને અંતિમ દાન માદરે વતન કચ્છ માટે હતું અને રહેશે. અત્યાર સુધી શ્રી પટેલે આફ્રિકા સહિત અઢી સો કરોડની સખાવત કરી છે, જેમાં ભુજમાં સુપર સ્પેશિયલ હોસ્પિટલનો સમાવેશ થાય છે એના તેઓ મુખ્ય નામકરણ દાતા છે. આફ્રિકામાં બાળકો માટે શાળા, મહિલાઓ માટે દવાખાના, ભોજન, આવાસ, કૌશલ્ય વર્ધન કેન્દ્રો, સૂર્ય ઉર્જા, જળસંચય, લાખો વૃક્ષ ઉછેર, પેયજળ દરેકે દરેક ક્ષેત્રે જેણે ભંડાર ખોલી આપ્યા છે એવા કચ્છ રત્ન રૂપ કાનજીભાઈ કુંવરજી વરસાણી કે.કે.ના હુલામણા નામથી લોકપ્રિય થયા છે. કર્મ ભૂમિ કેન્યા, યુગાન્ડા, કોંગો, રવાન્ડા, તાંઝાનિયા સહિત સાત દેશોમાં શ્વેત લૂણનો ધીકતો કારોબાર છે. જ્યાં જ્યાં પહોંચ્યા ત્યાં ત્યાં સ્થાનિક લોકો માટે ઘટતી સુવિધાઓ આપી છે. આજે કચ્છમાં સુપર સ્પેશિયલ સેવાઓનો યશ શ્રી પટેલને ફાળે છે. આવા વિરલ વ્યક્તિત્વને આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલયના છાત્રોએ પ્રશ્નોત્તરી કરી હતી અને ઘડતરના પાઠ શીખ્યા હતા. હિજરત કેવી સ્થિતિમાં કરી, તે સમય કેવો હતો, જીવનમાં કેમ સફળ થવાય, દાન ક્યાં અપાય, ઓછું ભણ્યા છતાં આટલી હિંમતના રહસ્યો ખુલ્લા દિલે ખોલ્યા હતા. એક પછી એક પૂછાયેલા પ્રશ્નોમાં પ્રથમ અને અંતિમ દાનની લાગણી વહી ત્યારે કચ્છડો ધબકી ઉઠ્યો હતો અને માદરે વતન કચ્છનો તલસાટ આંખમાં ઉભરાયો હતો. શ્રેષ્ઠીવર્ય દાતા નાનજીભાઈ પિંડોરિયા, કચ્છી લેવા પટેલ સમાજ ભુજ પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, એજ્યુ.મેડિ.ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, ઉપાધ્યક્ષ કેસરાભાઈ પિંડોરિયા, સમાજ મંત્રી કરશનભાઈ, દાતા ટ્રસ્ટી લક્ષ્મણભાઈ રાઘવાણી, મહિલા ટ્રસ્ટી કસ્તુરબેન ગોરસિયા, ગોપાલભાઈ વેકરીયા ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યા કોમલબેન ઠક્કર, ગૃહપતિ ભરતભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ બાળકોએ અવનવા પ્રશ્નો પૂછી વાતાવરણને ભાવપૂર્ણ બનાવી દીધું હતું. સન્માન કરાવતાં કેળવણીકાર કેસરાભાઈ પિંડોરિયાએ સંગઠનાત્મક ધ્યેયથી ટ્રસ્ટીઓનો પરિચય કરાવ્યો હતો. સમગ્ર સંકલન શાળાના ટ્રસ્ટ વતી સંચાલક વસંત પટેલે કર્યું હતું. બાળકોએ કલાસાગરમાં સર્જેલ કૃતિઓ શ્રી પટેલને અપાઈ હતી.
-----

Comments