કચ્છના બ્લેકટ્રેપ લીઝધારકો દ્વારા ન્યાય માટે કોર્ટનું શરણ લેવા મનોમંથન
ભુજની ખાનગી હોટલમાં કચ્છ બ્લેકટ્રેપ એસોસિએશનની બેઠકમાં લીઝ એટીઆર બંધ થયા બાદની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે કરાયો પરામર્શ : ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ માટે ન્યાયનું શરણ લેવાનો એકસૂરે વ્યક્ત થયો મત
ભુજ : પ્રાકૃતિક ખનિજ સંપદાથી સમૃદ્ધ કચ્છ જિલ્લામાં ખનિજ ખનન એ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર આપતો મોટો વ્યવસાય છે. પર્યાવરણીય પ્રમાણપત્રના અભાવે ખાણ ખનિજ વિભાગ દ્વારા જિલ્લામાં રપ૦થી વધુ લીઝના એટીઆર બંધ કરી દેવામાં આવતા જિલ્લાના માઈનિંગ સેક્ટરમાં હડકંપ મચી ગયો છે. ગૌણ ખનિજની લીઝો એકસામટી બંધ થતાં લીઝધારકો અને સંલગ્ન વ્યવસાયકારો પર આર્થિક સંકટ આવી પડ્યું છે ત્યારે જિલ્લાના બ્લેકટ્રેપ લીઝધારકોના સંગઠને હવે ન્યાય મેળવવા માટે કોર્ટનું શરણ લેવા મનોમંથન શરૂ કર્યું છે.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ બુધવારે ભુજની એક ખાનગી હોટલમાં જિલ્લાના બ્લેકટ્રેપ લીઝધારકોની મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે પરામર્શ સાથે આગળની રણનીતિ માટે પણ વિચારણા કરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ બ્લેકટ્રેપ એસો.ના પ્રમુખ મૂળરાજસિંહ જાડેજાએ કચ્છઉદય સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખાણ ખનિજ વિભાગ દ્વારા પર્યાવરણીય પ્રમાણપત્રના અભાવે લીઝ એટીઆર બંધ કરી દેવામાં આવતા નાના લીઝધારકો અને સંલગ્ન વ્યવસાયકારો પર મુશીબત આવી પડી છે. નાના લીઝધારકો આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે બેંક લોનના હપ્તાથી માંડી અનેક વિકટ સમસ્યાઓમાં સપડાયા છે. આ ઉપરાંત બ્લેકટ્રેપ માઈનિંગથી પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે અનેક લોકોને રોજગારી મળે છે. ખનન કાર્ય બંધ થતાં અનેક લોકોના રોજગાર પર માઠી અસર થઈ છે. પર્યાવરણીય પ્રમાણપત્ર અને માઈનિંગ પ્લાનની પ્રક્રિયા ખૂબ જટિલ બની છે. અનેક લીઝધારકોએ ઈસી માટે અરજી પણ કરી છે, પરંતુ લાંબી અને જટિલ પ્રક્રિયા અધુરી હોવાથી લીઝ બંધ કરી દેવામાં આવી છે. જીએમડીસી જેવા મોટા માઈનિંગ પ્રોજેક્ટ કે જેમની પાસે પુરતો ટેકનિકલ સ્ટાફ પણ હોય છે તેવા મહાકાય માઈનિંગ પ્રોજેક્ટ જેવી જ ઈસી અને માઈનિંગ પ્લાનની પ્રક્રિયા પાંચથી દસ એકરના લીઝધારકો માટે પણ લાગુ પડે છે. નાના લીઝધારકો વ્યવસાયની હરિફાઈ, ઉઘરાણી વગેરે જેવા પ્રશ્નોમાં સતત ઘેરાયેલા રહે છે ત્યારે તેમના માટે ઈસીની જટિલ પ્રક્રિયા પડોજણ સમાન જ રહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મંગળવારે કચ્છની મુલાકાતે આવેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ પણ બ્લેકટ્રેપ એસોસિએશન દ્વારા ઈસી અને માઈનિંગ પ્લાનની પ્રક્રિયા સરળ બનાવવા અને લીઝધારકોને ઈસી મેળવવા એક વર્ષની મુદ્દત આપવા તેમજ બંધ કરી દેવાયેલા લીઝ એટીઆર ફરી શરૂ કરવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ પણ જિલ્લા કલેક્ટર અને સંબંધિત વિભાગીય અધિકારીઓ સાથે પરામર્શ કરી યોગ્ય ઉકેલ લાવવાનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.એસોસિએશનના મંત્રી વિનુદાનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, લીઝ એટીઆર બંધ થવાથી આ વ્યવસાય સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સંકળાયેલા તમામ વર્ગના લોકોને માઠી અસર થઈ છે. લીઝધારકો પર આર્થિક ભારણ વધ્યું છે. જિલ્લા બ્લેકટ્રેપ લીઝધારકોની બેઠકમાં એક સૂરે ઉભા થયેલ ટેકનિકલ પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા ન્યાયનું શરણ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂતકાળમાં ઈસીન પ્રક્રિયા સરળ હતી, જેમાં વખતો વખત થયેલા સુધારા-વધારા બાદ તે પ્રક્રિયા ખૂબ જટિલ બની છે. નાના લીઝધારકોને પણ મોટા માઈનિંગ પ્રોજેક્ટ જેવી જ મંજૂરીની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. રાજ્ય એસોસિએશન દ્વારા પણ તમામ ટેકનિકલ પ્રશ્નોનો યોગ્ય અને કાયમી સમાધાનકારી ઉકેલ લાવવામાં આવે તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સ્થાનિક એસોસિએશન પણ આવી પડેલ સંકટ ઝડપભેર હલ થાય તે દિશામાં તમામ જરૂરી પાસાઓનો અભ્યાસ કરી આગામી રણનીતિ નક્કી કરાશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. આ બેઠકમાં મહેન્દ્રસિંહ જાડેજા, રામભાઈ ભાવનાણી, રવજીભાઈ સોરઠિયા, ઘનશ્યામસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હૈદરશા સૈયદ, સમીર ઠક્કર, ઈબ્રાહિમ હાલેપોત્રા વગેરે સભ્યો હાજર રહ્યા હતા. બેઠકનું સંચાલન પ્રજ્ઞેશભાઈ ઠક્કરે કર્યું હતું.
.........
વિકાસકામોને વિવાદનું ગ્રહણ નડ્યું
કચ્છમાં ખનિજ રોયલ્ટી ફંડમાંથી થતો વિકાસ બે વર્ષથી અટકયો
લીઝધારકો પાસેથી ખોદકામની રોયલ્ટીરૂપે મળતી રકમનો અમુક ભાગ સ્થાનિક વિકાસકામો માટે વાપરવાની જોગવાઈ : ખનિજ સંપદાથી સમૃદ્ધ કચ્છ જિલ્લામાં દર વર્ષે આશરે ૪૦ કરોડનું ફંડ આવે છે ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશનમાં : તાજેતરમાં ઈસીના અબાવે રપ૦થી વધુ લીઝ બંધ થતા સરકારી તિજોરી થતી રોયલ્ટીની આવકમાં ઘટાડો થતા આગામી વર્ષે શેષની રકમમાં પણ ઘટાડો નોધાશે
ખનિજ ફંડની રકમ વાપરવાની સત્તા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રચાયેલી કમિટિ પાસે હોવા છતાં બે વર્ષથી ફંડનો નથી થયો ઉપયોગ : નાણાંકીય વર્ષના પ્રારંભે નડ્યું હતું લોકસભા ચૂંટણીથી આચારસંહિતાનું ગ્રહણ : તાજેતરમાં મળેલી બેઠક કામોમાં વિસંગતતાના મુદ્દે બની હતી વિવાદનો ભોગ : સૂચિત કામો વિશ્લેષીણ બાદ નજીકના દિવસોમાં કામોને અપાશે મંજૂરી : ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન
ભુજ : પ્રાકૃતિક ખનિજ સંપદાથી સમૃદ્ધ કચ્છ જિલ્લાના પેટાળમાંથી અનેકવિધ કિંમતી ખનિજ પદાર્થો મળી આવે છે. લીઝધારકો પાસેથી રોયલ્ટી સ્વરૂપે દર વર્ષે સરકારી તિજોરીને કરોડો રૂપિયાની આવક પણ થાય છે. નિયમાનુસાર રોયલ્ટીમાંથી થતી આવકનો એક નાનો હિસ્સો સ્થાનિક વિકાસકામો માટે વાપરવાનો હોય છે. આ રકમ ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન મારફતે ખોદકામ થાય છે તેવા ગામની આસપાસના વિસ્તારમાં માળખાકીય સુવિધાના વિકાસકામો માટે વાપરવામાં આવે છે, પરંતુ કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી ડી.એમ.એફની રકમ વપરાયા વગર પડી રહી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના કુલ ર૪૦ ગામોની અંદર ખનિજની વિવિધ લીઝ આવેલી છે. આ વિસ્તારમાં થતા ખોદકામની રોયલ્ટીની આવકમાંથી જિલ્લાને અંદાજીત રૂા. ૪૦ કરોડ જેટલી રકમ વિકાસકામો માટે મળે છે. આ રકમ કયા કામો માટે વાપરવી તેના માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવાની રહેતી નથી. જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને રચાયેલી કમિટીમાં જે તે વિસ્તારના ધારાસભ્યો, આયોજન અધિકારીઓ દ્વારા સૂચવવામાં આવેલા કામો મુકવામાં આવે છે અને કમિટી દ્વારા જ તેને મંજૂરી આપવામાં આવે છે. કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી આ રકમ વણવપરાયેલી પડી છે. ગત વર્ષે ગ્રાન્ટનો વપરાશ થયો ન હતો. આ વર્ષે લોકસભા ચૂંટણીની આચારસંહિતાનું ગ્રહણ નડી જતાં ગ્રાન્ટનો ઉપયોગ થયો ન હતો. તાજેતરમાં જિલ્લા કલેકટરના અન્યત્ર રોકાણના કારણે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પસંદ કરાયેલા કામો અંગે વિવાદ થતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશનના અધિકારીના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં કમિટીની બેઠક મળ્યા બાદ વિકાસકામોને મંજૂરી આપવામાં આવશે. હાલે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વગેરે પાસેથી કામોની યાદી મંગાવી લેવામાં આવી છે. કામોના વિશ્લેષણ બાદ મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી વિકાસકામો હાથ ધરવામાં આવશે તેવું ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશનના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.

Comments