લખપત-ખાવડા-સાંતલપુર નેશનલ હાઇવેના કામ ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં પૂરાં થશે
સરહદી કચ્છ-રાજસ્થાનને જોડતાં હાઇવેના પ્રોજેક્ટ્સ અંગે રાજ્યસભામાં ગડકરીએ સાંસદ નરહરિ અમીનને વિગતો આપી
ગાંધીનગર : કેન્દ્ર સરકારે હાથ ધરેલી ‘ભારતમાલા પરિયોજના’ હેઠળ અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરીડોર હેઠળ ગુજરાતના વિવિધ નેશનલ હાઇવેને સક્ષમ બનાવવા માટે વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. એમાં સરહદી કચ્છ વિસ્તારને સાંકળતા નેશનલ હાઇવે નં.૩૪૧ અને ૭૫૪ કે ઉપર ૧૯૧ કિ.મી. લંબાઇના ભુજ એરપોર્ટ- ખાવડા- ધર્મશાળા અને અમૃતસર જામનગર કોરીડોરના પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા છે જ્યારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઇવે નં.૭૫૪ કે અને નં.૨૭ ઉપર ૨૦૨ કિ.મી. લંબાઇના ત્રણ પ્રોજેક્ટ્સ પર હાલ કામ ચાલી રહ્યું છે એમાં ભારતમાલા પરિયોજના હેઠળ અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરીડોર હેઠળ લખપત-ખાવડા-
સાંતલપુર તથા સામખીયાળીથી સાંતલપુરના રોડ અપગ્રેડેશનના કામો ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થશે તેમ માર્ગ, વાહન વ્યવહાર અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનને એક પ્રશ્નના ઉત્તરમાં આ માહિતી આપી હતી.સાંસદ અમીને ભારત-પાકિસ્તાન સરહદ પર ગુજરાતના કચ્છ અને રાજસ્થાનને જોડતાં ટુ લેન હાઇવે બનાવવાનું કોઇ આયોજન છે કે કેમ તેવો પ્રશ્ન મંત્રીને પૂછ્યો હતો. તેના ઉત્તરમાં ગડકરીએ જણાવ્યું હતું કે, મંત્રાલયે રાજસ્થાન અને ગુજરાતના કચ્છ પ્રદેશમાં પાકિસ્તાનની સરહદે આવેલા વિસ્તારો સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગોની કનેક્ટિવિટી વિકસાવવા માટે શરૂઆત કરી છે. ૨૦૧૭-૧૮થી પૂર્ણ થયેલા, ચાલુ અને પૂર્ણ થવાના લક્ષ્યાંકોની વિગતો આપતાં મંત્રી ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજસ્થાન સરહદી વિસ્તાર સાથે કનેક્ટ કરતાં નેશનલ હાઇવેના કુલ ૨૨૭૯ કિમી લંબાઇના કુલ ૧૯ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરાયા છે. જ્યારે રાજસ્થાનને સરહદી વિસ્તાર સાથે કનેક્ટ કરતાં રાજસ્થાન માર્ગ અને મકાન વિભાગ તથા નેશનલ હાઇવે ઓથોરિટીના કુલ ૪૯૩ કિ.મી. લંબાઇના ૯ પ્રોજેક્ટ્સના કામ હાલ ચાલુ છે આ પૈકી ૩૮૫ કિ.મી.ના કામો પૂર્ણ થયા છે. બાકીના કામો માર્ચ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થવાનો લક્ષ્યાંક છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે ઘડુલી - સાંતલપુર માર્ગ મહત્વપૂર્ણ બની રહેશે. આ માર્ગનું નિર્માણકાર્ય પૂર્ણ થયા બાદ કચ્છની મુલાકાતે આવતા દેશ - વિદેશના સહેલાણીઓને પૂર્વ કચ્છથી માંડી પશ્ચિમ કચ્છના તમામ પ્રવાસન, ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવામાં સરળતા થશે.

Comments