Trending News
સ્થાનિક સમાચાર

સંઘના વરિષ્ઠ સ્વયંસેવક ચમનભાઈ વેલજીભાઈ કંસારાનું અવસા

31 July



કચ્છમાં આપત્તિના સમયે સેવા માટે સદૈવ ખડેપગે રહેતા સેવકને અપાઈ અંજલિ




ભચાઉ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પુર્વ કચ્છના સંઘ ચાલક તરીકે ૧૫ વર્ષ સુધી જવાબદારી  સંભાળનાર ચમનભાઈ વેલજીભાઈ કંસારા ઉર્ફે ચમન કાકાનું અવસાન થતાં સંઘ પરિવાર સહિત વિવિધ સંસ્થાઓએ અંજલિ આપી હતી. તેમણે કચ્છ કલ્યાણ સંઘ નામથી સંસ્થાની સ્થાપના કરી એના ટ્રસ્ટી અને પ્રમુખ પદે સેવા આપી હતી. એમણે વકીલો માટેના સંગઠન અધિવક્તા પરિષદ ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષની જવાબદારી પણ નિભાવી છે. ચમનભાઈના જીવન પર નજર કરીએ તો પિતા વેલજીભાઈ કંસારાના ઘરે તા. ૨૭/૦૧/૧૯૪૭ ના એમનો જન્મ સૌરાષ્ટ્રના ગોંડલમાં થયેલો. એમનું મુળ ગામ ભચાઉ પાસેનું આંબરડી પણ એમના દાદા પરિવાર સાથે વર્ષોથી ભચાઉ સ્થાયી થયેલા. ભચાઉમાં પ્રથમવાર ૧૯૫૭માં સંઘની શાખા શરૂઆત થઈ ત્યારે જ માત્ર દસ વર્ષની ઉંમરે એક બાલ સ્વયંસેવક તરીકે તેઓ સંઘ કાર્યમાં જોડાયા. નાયક, ગણ શિક્ષક, મુખ્ય શિક્ષક, શાખા કાર્યવાહ જેવી પાયાથી લઈ જીલ્લા સુધીની જવાબદારીઓ વહન કરી. ત્યાર સુધી ભચાઉમાં ૩ શાખાઓ થઈ ગયેલી અને ૧૫૦ સ્વયંસેવકો શાખામાં આવતા. શાખાઓ સરકારી હાઈસ્કૂલ અને ત્રિકમજીભાઈ ઠક્કરની જીનમાં ચાલતી. મેટ્રિક સુધીનો અભ્યાસ એમણે માંડવીની જી.ટી હાઈસ્કૂલ મા કર્યો. ત્યાં મુખ્ય શિક્ષક તરીકે રહી ત્રણ વર્ષ શાખા ચલાવી. પછી નોકરી કરવાની સાથે એમએ, બીએડ, એલએલબી આભાસ કર્યો. ભચાઉ કોર્ટમાં ટાઇપીસ્ટ તરીકે ત્રણ વર્ષ નોકરી કર્યા બાદ સરકારી શિક્ષક બન્યા. ૨૦૦૪મા નિવૃત્ત થયા બાદ ભચાઉમાં પુનઃ વકિલાત શરૂ કરી. કચ્છમાં વિવિધ જગ્યાએ સરસ્વતી શિશુ મંદિર અને સરસ્વતી વિદ્યામંદિર બનાવવામાં સિંહ ફાળો આપ્યો. સંઘના શિક્ષા વર્ગની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષા વર્ગ બાદ ક્રમશઃ તૃતીય વર્ષ સુધીની શિક્ષા એમણે નાગપુરમાં લીધેલી છે. સંઘના પ.પૂ. ડો. હેડગેવાર સિવાય અત્યાર સુધીમાં તમામ માનનિય સરસંઘ ચાલકજીના પ્રત્યક્ષ સાનિધ્યનો એમણે લાભ મેળવ્યો છે. 
૨૦૦૭મા તત્કાલીન સરસંઘચાલકજી શ્રી સુદર્શન જી એમની પુત્રીના લગ્ન પ્રસંગે એમના ઘર પધારીને આશિર્વાદ આપેલા. કચ્છમાંએ વખતે ૧૯૫૦થી ૧૯૬૨ સુધી કાશીનાથજી પ્રચારક હતા, એ સમયે તેઓ ભચાઉમાં પ્રવાસ કરતાં જીવનના પ્રાથમિક પાઠ તેઓ એમની પાસેથી શીખ્યા હતા. નરેન્દ્રભાઈ જ્યારે પ્રચારક હતાં ત્યારે અનેકવાર એમના ઘરે જ રોકાતા કેમકે ભચાઉ એ સંઘનું ઘર કહેવાતું. સંઘના કામ માટે આડેસરથી નારાયણ સરોવર અને ખડીર બેટ થી ખાવડા સુધી તમામ ખુણે ખુણે પ્રવાસો કરી કાર્યકર્તાઓનું માર્ગદર્શન કર્યું છે.
સેવા એમનો જીવનમંત્ર હતો. કચ્છમાં ૨૦૦૧માં જ્યારે ભયાનક ભૂકંપ થયો ત્યારે ભચાઉમાં સંઘ તરફથી ડો. હેડગેવાર રૂગ્ણાલય ઉભુ કરવામાં આવ્યું હતું. ૬ મહિના સુધી સેવા આપી. ત્યાં પ્રતિદિન ૩૦૦ - ૪૦૦ ઓપીડી રહેતી. જેમાં ભારત ભરના ડોક્ટરોએ સેવા આપી હતી. ત્યાં મેડિકલ સેવા અને ભોજન નિઃશુલ્ક હતું. રૂગ્ણાલય ચલાવવા સમાજ અને સરકાર દ્વારા ખુબ સહયોગ મળેલો. 
જીઈબી વિભાગે એક મોટું જનરેટર આપેલું.  ભોજનાલયમાં પ્રતિદિન ત્રણ ટાઈમ લગભગ ૫૦૦ માણસો ભોજન લેતા જેની વ્યવસ્થા ચમન કાકા સંભાળતાં. ભુકંપમાં એમની પુત્રીનું દુઃખદ મૃત્યુ થયું હતું છતાં એ દુઃખને છોડી ભુકંપ પીડીતોની સેવામાં ૬ માસ થી વધુ સેવા કરી અન્ય સ્વયંસેવકો માટે પ્રેરણારૂપ બન્યા હતાં. ઉપરાંત ૧૯૭૮/૭૯ મા અતિવૃષ્ટિ સમયે ભચાઉ મા ૪૦૦ લોકોને આશ્રય આપ્યો હતો. ચીરઈની નદીમાં પુર આવ્યો હતો ત્યારે માત્ર બે કલાકમાં સ્વયંસેવકો સાથે ઘરે ઘરે ફરીને ગામલોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. મોરબી હોનારત અને કંડલા વાવાઝોડા સમયે 
મૃતદેહોના નિકાલ અને અન્ય સેવા કાર્યો મા તેઓ આગળ પડતા રહ્યા હતા. 
તેઓના પરિવારજનોની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે. તેઓ આ દરેક કાર્યનો પ્રેરકબળ તેમના ધર્મપત્ની ઉર્મિલાબેનને ગણાવતા અને કહેતાં કે એમના સહકાર વિના કશું સંભવ ન હતું.  હાલ પાછલાં આઠેક મહિનાથી કોમામાં પથારીવશ હતા અને લાંબી નાદુરસ્ત તબિયતને કારણે તેઓ સ્વર્ગવાસી થયા છે. સદ્દગતનું અવસાન થતાં વિવિધ સંસ્થાઓ તેમને અંજલિ અર્પણ કરી હતી.
 

Comments

COMMENT / REPLY FROM