Trending News
સ્થાનિક સમાચાર

ધોળા હાથી સમાન નલિયાની બ્લોક હેલ્થ ઓફીસની કામગીરી સામે સવાલો

31 July




તાલુકાના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સંચાલન કરતી કચેરીની નિષ્ક્રિયતાથી દવાઓના જથ્થાની અછત : પુરતા ડોક્ટરો પણ નથી : તાલુકા આરોગ્ય અધિકારીની મીલીભગતથી ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરી ટેક્સી પાસીંગના બદલે પ્રાયવેટ પાસીંગની ચાલતી ગાડીઓ : સરકારની આરોગ્ય અંગેની વિવિધ ગ્રાંટોનો કાગળ ઉપર ખર્ચ બતાવી થતી દુરૂપયોગની તપાસ કરાય તો અનેક ભોપાળા બહાર આવે : તાલુકા હેલ્થ ઓફીસર આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા’



નલિયા : નલિયાની બ્લોક હેલ્થ ઓફીસ હાલ ધોળા હાથી સમાન સાબીત થવા સાથે તેની કામગીરી સામે અનેક સવાલો ખડા થઈ રહ્યા છે. સરકાર હસ્તેની વિવિધ હોસ્પિટલોના સુચારૂ સંચાલન માટે સરકાર દ્વારા વિવિધ તાલુકા મથકોએ બ્લોક હેલ્થ ઓફીસો કાર્યરત કરાઈ છે પણ તેના યોગ્ય મોનીટરીંગ ન થવાથી નલીયા સહીતની બ્લોક હેલ્થ કચેરીઓ ધોળા હાથી સમાન સાબીત થઈ રહી છે. દરેક હોસ્પીટલમાં આરોગ્ય સ્ટાફ પુરતો મળી રહે અને દવાઓનો જથ્થો પુરતો મળી રહે તે જોવાની જવાબદારી તાલુકા બ્લોક હેલ્થ ઓફીસરની હોય છે.ક્લાસ-ર કક્ષાની આ પોસ્ટના અધિકારીને સ્થાનિક હાજર રહી મોનીટરીંગ કરવાનું હોય છે પણ નલીયાની બ્લોક હેલ્થ કચેરીના જવાબદાર સ્થાનિક રહેવાને બદલે નેવું કીલોમીટર દુર જીલ્લાના મુખ્ય મથક ભુજમાં રહી અપડાઉન કરે છે.તાલુકાના વિવિધ સરકારી દવાખાનાઓમાં હાલ જીવનરક્ષક દવાઓની ભારે અછત રહેલી છે અને તેના લીધે દર્દીઓને મુશ્કેલી ઉભી થઈ રહી છે.પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પુરતો સ્ટાફ ન હોવાના લીધે નાગરીકોને નલીયા, ભુજ કે માંડવીના ધક્કા ખાવા પડે છે. હાલ સરકારી નીતી મુજબ આઉટ સોર્સીંગથી વાહનો ભાડે કરી વહીવટ ચલાવવામાં આવે છે.જેમાં ટેન્ડરની શરતોનું ધોરોધરાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.ટેન્ડરની શરતો મુજબ ટેક્સી પાસીંગની પીળી નંબર પ્લેટવાળા વાહનો ચલાવવાના હોય છે પણ તાલુકા હેલ્થ ઓફીસરની મીલીભગત સાથે પ્રાઈવેટ પાસીંગવાળી ગાડીઓ ટેન્ડરની શરતોથી વિરૂધ્ધ ચાલી રહી છે.ન કરે નારાયણ અને કોઈ અકસ્માત આવા વાહનોને થાય તો જવાબદારી કોની ? તે હદે કર્મચારીઓની સલામતી કોરાણે મુકી દેવાઈ છે. સરકારશ્રી દ્વારા રોગીઓના કલ્યાણ અને આરોગ્ય સુવિધાઓના વિકાસ માટે કરોડોની ગ્રાંટ બ્લોક હેલ્થ ઓફીસને ફાળવવામાં આવે છે.પણ હંગામી અને કોન્ટ્રાક્ટબેઝ કર્મચારીઓના ભરોસે કરોડોની ગ્રાંટોનો વહીવટ ચાલી રહ્યો છે.અમુક ગ્રાંટોના તો કાગળીયા ઉપર જ વહીવટ કરી દેવાય છે અને નક્કર કામગીરીના નામે મીંડુ છે તેની જીલ્લા આરોગ્ય અધિકારી કે નીષ્પક્ષ તપાસ એજન્સી દ્વારા તપાસ કરાય તો અનેક ભોપાળા બહાર આવે તેમ છે. આમ જાહેર આરોગ્ય માળખાને સુધારવાની જેની જવાબદારી છે તેવી નલીયાની બ્લોક હેલ્થ ઓફીસ ખુદ નબળા વહીવટના લીધે માંદગીના બિછાને હોઈ ધોળા હાથી સમાન સાબીત થઈ રહી છે. આ અંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો. એન.કે. સિંહાએ જણાવ્યું હતું કે, તાલુકા હેલ્થ સેન્ટરમાં દર ૬ મહિને જિલ્લા કક્ષાએથી દવાઓનો જથ્થો ફાળવવામાં આવતો હોય છે. મોટાભાગની દવાઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમ છતાં વધુ વપરાશ ધરાવતી દવાઓનો જથ્થો કયારેય પણ ખુટી પડે તો તે ઘટ પાંચ દિવસ પુરતી રહેતી હોય છે. ત્યારબાદ જિલ્લાએથી દવાઓ મંગાવી લેવામાં આવે છે. ગાડી મુદ્દે તેમણે અજાણ્તા દર્શાવી જણાવ્યું હતું કે, હાલે અબડાસા તાલુકામાં ચાંદીપુરાના અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. ચાંદીપુરા સામે સતર્કતાના ભાગરૂપે કાચા મકાનો, આંગણવાડીઓ, શાળઓમાં મેલોથીયોનના ડસ્ટીંગ, દવાઓના છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ફીવર સર્વેની કામગીરી ચાલી રહી છે, જો કોઈ શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દી જણાય તો તરત જ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં રીફર કરવા ફિલ્ડ સ્ટાફને સૂચનાઓ અપાઈ છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. 

 

Comments

COMMENT / REPLY FROM