Trending News
સ્થાનિક સમાચાર

કાંઠાળ કચ્છ પર મેઘરાજાએ વરસાવ્યું હેત 

30 July




ભચાઉ, માંડવી, નલિયામાં દોઢથી ચાર ઈંચ વરસાદ : જિલ્લા કન્ટ્રોલ રૂમપના આંકડા અને થયેલા વરસાદમાં વિસંગતતા : નલિયાના દરિયાઈ પટ્ટામાં ચાર ઈંચથી વધુ વરસાદ છતા કંટ્રોલ રૂમના આંકડા નીલ



જિલ્લામાં છવાયેલ મેઘાડંબર વચ્ચે વધુ વરસાદની સંભાવના : ભુજમાં ઝરમર વરસાદથી માર્ગો ભીંજાયા :  રાપર તાલુકામાં ધીમી ધારે મેઘરાજાએ પધરામણી કરી : ગઢશીશામાં મેઘાવી માહોલ : નખત્રાણામાં અડધો ઈંચ : લખપતમાં ઝાપટા 



ભુજ : કચ્છ અને ગુજરાત પર સર્જાયેલી બે વરસાદ સિસ્ટમની અસર તળે છેલ્લા બે દિવસથી કચ્છમાં વરસાદી માહોલ છવાયો છે. ગઈકાલે બપોરે વાગડના રાપર અને ભચાઉ પંથકમાં અડધો ઈંચ જેટલો વરસાદ થયા બાદ આજે સવારે કાંઠાળ કચ્છ પર મેઘરાજાએ પોતાનું હેત વરસાવ્યું હતું. નલિયા, માંડવી, મુન્દ્રા અને ભચાઉ પંથકમાં દોઢથી ચાર ઈંચ જેટલો વરસાદ થયાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. જિલ્લા મથક ભુજ ઉપરાંત અંજાર, નખત્રાણા સહિતના વિસ્તારોમાં પણ ઝરમરથી ઝાપટાં સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. તો કચ્છભરમાં છવાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં બપોર બાદ પણ વધુ વરસાદ થવાની સંભવના જણાઈ રહી છે. ગઈકાલથી જિલ્લામથક ભુજ અને આસપાસના વિસ્તારોમાં અષાઢી માહોલ છવાયો છે. ભુજમાં ગઈકાલથી આજે બપોર સુધી સમયાંતરે ઝરમર સ્વરૂપે વરસાદે હાજરી પુરાવતા માર્ગો ભીના થયા હતા. ભુજ ઉપરાંત માધાપર, ભુજોડી, કુકમા, મિરજાપર, સુખપર, ભારાપર, લોરિયા, ઢોરી, કુનરિયા, ધ્રંગ, કોટાય, લોડાઈ, સુમરાસર, ઝુરા વગેરે વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાઓ વરસ્યાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. બન્ની પચ્છમના ગોરેવાલી, ભીરંડિયારી વગેરે વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. હાજીપીર પંથકમાં પણ વહેલી સવારથી મેઘરાજાની પધરામણી થતા માલધારી સમુદાયમાં આનંદ પ્રસર્યો હતો. આજે સવારે વાગડ વિસ્તારમાં છવાયેલા મેઘાડંબર વચ્ચે દોઢથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. લાંબા સમયથી મેઘમહેરની રાહ જોઈ રહેલા ભચાઉ પંથકવાસીઓમાં આનંદની લાગણી છવાઈ હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ રાણુભા જાડેજા, એપીએમસીના ચેરમેન વાઘુભા જાડેજાએ ભચાઉ પંથક પર કાચુ સોનું વરસ્યાની લાગણી વ્યક્ત કરી હતી. સામખિયાળીથી કલાબેન ઝાલા, નુરમામદ ગગડા, આધોઈથી જશુભા જાડેજા, લાખાવાડથી સામજીભાઈ, પાંકડસરથી કૃષ્ણનંદજી બાપુ, ચીરઈથી મહાવીરસિંહ ઝાલા વગેરેએ દોઢ ઈંચ જેટલો વરસાદ થયો હોવાનું જણાવ્યું હતું. જિલ્લામાં યલો એલર્ટ વચ્ચે આજે વાગડ વિસ્તારમાં સાડા અગિયાર વાગ્યા બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને ધીરે ધીરે વરસાદના ઝાપટાં વધ્યા હતા. ધીમી ધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. વાગડ વિસ્તારના મુખ્ય મથકે વરસાદના ઝાપટાંના લીધે પાણી વહી નીકળ્યા હતા અને વરસાદના લીધે વાતાવરણમા ઠંડક પ્રસરી ગઇ હતી. રાપર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરે ૧ર વાગ્યા સુધીના અરસામાં ૧૦ એમએમ જ્યારે ભચાઉમાં ૪૧ એમએમ વરસાદ નોંધાયો હતો. પૂર્વ કચ્છના ગાંધીધામ અને અંજાર પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી બપોર સુધી મેઘરાજાએ ઝરમર કે ઝાપટા સ્વરૂપે હાજરી પુરાવી હતી. અંજાર શહેરમાં વરસાદી ઝાપટાથી માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. અંજાર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ગાંધીધામમાં સવારે ૯ વાગ્યાના અરસામાં વરસાદી ઝાપટું થતા કામકાજ અને નોકરી માટે નીકળેલા લોકોને છત્રી, રેઈનકોર્ટનો સહારો લેવો પડ્યો હતો. જોકે, અડધા કલાકમાં જ વરસાદી ઝાપટું બંધ થઈ જતા વ્યાપક વરસાદની આશા ઠગારી નીવડી હતી. બંદરીય મુન્દ્રામાં આજે સવારે ૬ વાગ્યે વરસાદનો પ્રારંભ થયો હતો. પાણી રસ્તા પર વહી નીકળ્યા હતા તો છેલા અને ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા. સવારના શરૂ થયેલા વરસાદથી જન જીવન, વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી. સમાઘોઘાના ‘સુરઈ’ નદીમાં નવા પાણીની આવ થઈ હતી. વરસાદના પગલે રસ્તા પર વાહનો ઓછા દેખાયા હતા. મગરાના ખેડૂત પુનશીભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ પડતા એવું લાગ્યું કે, વરસાદ શાંત નહીં થાય પણ ૭ઃ૩૦ કલાકે વરસાદ બંધ થયો હતો. વરસાદ પડતા જ પીડબ્લ્યુડીની પોલ ખુલ્લી ગઈ હતી. મુન્દ્રા એસટી પર ત્રણ દિવસ પહેલા રાગ-રોપાણ કરી ખાડા પુરાયા હતા તેની માટી પાણીમાં વહી જતા ખાડા જોવા મળ્યા હતા. તાલુકાના ગુંદાલા, ખાખર, ગેલડા, સમાઘોઘા, કપાયા, ટુન્ડા, ભુજપુર, દેશલપર, ભદ્રેશ્વર, વાંકી-પત્રી, બગડા, બેરાજા, રામાણીયા, ઝરપરા તેમજ અન્ય ગામોમાં સામાન્ય વરસાદ પડ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળતી વિગતો અનુસાર મુન્દ્રામાં માત્ર ત્રણ એમએમ વરસાદ નોંધાયો છે પરંતુ મુન્દ્રાના વિવિધ વિસ્તારોમાં તેથી વધુ વરસાદ થયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. પશ્ચિમ કચ્છના લખપત-નખત્રાણામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો. નખત્રાણા તથા વેડહાર, દેશલપર (ગુંતલી) વિસ્તારમાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. નિરોણા તથા પિયોણી વિસ્તારમાં વરસાદનો જોર હતો. મામલતદાર કચેરીના કિરણ જેપાર સતાવાર આંક આઠ એમ.એમ. બતાવ્યો હતો. નખત્રાણામાં ઝાપટાં વરસતાં લોકોની અવર-જવર પાંખી હતી અને ખેડૂતો ખુશ હતા. સ્કૂલ, સરકારી કચેરીમાં પાંખી હજરી જોવા મળી હતી.




......................



માંડવી ઉપર ધીમીધારે હેત વરસાવતા મેઘરાજા : અઢી ઈંચ વરસાદથી બંદરીય શહેર પાણી પાણી 




માંડવી : બે ત્રણ દિવસના ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે સવારથી ધીમીધારે વરસાદ પડતા માંડવી શહેરના નીચાણવાળા વિસ્તાર આઝાદ ચોક, ભીડ બજાર, લાકડા બજારમાંથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા.  આજે સવારે આઠ વાગ્યાના અરસામાં માંડવી પંથકમાં ધીમીધારે વરસાદ થયો હતો. આઠ વાગ્યાથી બપોરે ૧ર વાગ્યા સુધીના અરસામાં માંડવી પંથકમાં ૬૦ મીમી પાણી વરસ્યું હતું. માંડવીમાં મોસમનો કુલ વરસાદ ૧૪ ઈંચ થયો છે. માંડવી તાલુકાના બિદડાથી ભાવેશભાઈ સંઘાર અને કોડાયથી ક્રુપાલ ગઢવીના જણાવ્યા મુજબ, વહેલી સવારથી ધીમીધારે અને હાલ રીમઝીમ રૂપે શાંતીવાળો વરસાદ ચાલુ છેર. દુર્ગાપુરથી દિપક વેલાણી અને લાયજાથી મુરજીભાઈ ગઢવીના જણાવ્યા મુજબ ભારાપર, વાડા પાંચોટીયા, ભાડા, ભીંસરામાં વહેલી સવારથી હમણા સુધી ધીમીધારે વરસાદ ચાલુ છે. ધરતી પર મેઘરાજા ભારોભાર હેત વરસાવી રહ્યા છે. જાણે ધરતી પર કાચુ સોનુ વરસી રહ્યો છે. ખેડુતો અને પશુપાલકોમાં હર્ષની લાગણી છે. ગઢશીશા વિસ્તારમાં વહેલી સવારથી જ ઝરમરીયો વરસાદ શરૂ થયો છે તો ક્યાં હળવા છાંટા અનુભવાઈ રહ્યા છે. દેેઢિયા અને સાંભરા વિસ્તારમાં વરસાદી પાણી વહેતા થયા છે. તેટલો વરસાદ વરસી રહ્યો છે. કોટડી મહાદેવપુરી અને નાગ્રેચા વિસ્તારમાં વહેતા થયેલા કુદરતી ઝરણા અને લીલીવનરાઈની નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે, પરંતુ ભારે વરસાદ બાદ છેલ્લા અઠવાડીયાથી ઉગાડ નહીં નિકળતા ખેતરોમાં ઉગી નીકળેલા મોલમાં જીવાત પેદા થઈ રહી હોવાથી તેમજ ભારે વરસાદ બાદ વાવણી કરાયેલ વાવેતરમાં નુકશાનીના વાવડ સાંપડી રહ્યા છે. ગઢશીશા પંથકમાં ભારે વરસાદથી નદી-નાળા અને તળાવો છલકાઈ જવાની સાથે પરંપરા મુજબની નવા નીરના વધામણા કરવાની રસમ પૂર્ણ થયેલ છે, પરંતુ છેલ્લા અઠવાડિયાથી ઉગાડ નહીં નીકળતાં મોલને સૂર્ય પ્રકાશનો અભાવ જોવા મળવાની સાથે કીટકો-જીવાત અને ઈયળો થવાના સમાચાર સાંપડવાની સાથે આ પરિસ્થિતિ રહી તો ખેડૂતોએ લીલા દુષ્કાળનો સામનો કરવા તૈયારી રાખવી પડશે તે નિશ્ચિત છે. ભારે વરસાદ બાદ ખેડૂતોને થયેલી નુકશાનીનો સર્વે હાથ નધરાતા ખેડૂત વર્ગમાં કચવાટ જોવા મળી રહ્યો છે. 




........................



અબડાસામાં સમગ્ર તાલુકામાં સવારથી ધોધમાર વરસાદ



નલિયા : છેલ્લા બે દિવસથી સતત ઉકળાટ અને ગરમીમાં શેકાઈ રહેલા અબડાસા તાલુકામાં આજે સવારથી બે કલાક સુધી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
છેલ્લા બે દિવસથી સખત ઉકળાટ અને ગરમી વચ્ચે હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી અબડાસામાં સાચી પડતી હોય તેમ સવારે આઠથી દસ કલાક સુધી સતત ધોધમાર વરસાદ સમગ્ર તાલુકામાં વરસી રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે.તાલુકાના મુખ્ય મથક નલીયા ખાતે ર કલાકમાં અંદાજીત એકથી દોઢ ઈંચ વરસાદ થયો હોવાનું બિન સત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે.સવારે છ થી દસ વાગ્યા સુધીના સત્તાવાર આંકડા મેળવવા નલીયાની મામલતદાર કચેરીનો સંપર્ક કરતા કન્ટ્રોલરૂમમાં સવારે છથી આઠ સુધી નીલ વરસાદ હોવાનું અને ૮ થી ૧૦ ના આંકડા સાડા દસ સુધી હજુ રેકર્ડ ન થયાનું જાણવા મળ્યું હતું.મામલતદાર કચેરીના રેઢીયાળ વહીવટનો લોકોને અનુભવ થયો હતો.એક તરફ સરકાર દ્વારા રાહત બચાવ માટે ચાંપતા પગલા લેવાની વાત કરાય છે જ્યારે થયેલ વરસાદના આંકડા પણ રેકર્ડ થતા ન હોવાનો વિરોધાભાસ નલીયાના કન્ટ્રોલરૂમમાં જોવા મળ્યો હતો.
તાલુકાના દરિયાઈ પટ્ટીના પટ્ટીના સાંધાણ, લઠેડી, ડુમરા, કડુલી, પિગલેશ્વર, રાપરગઢ, લાલા, જખૌ, વિંગાબેર સહિતના વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસદા વરસ્યો હતો.તાલુકાના મુખ્ય મથકે સવારે નવ વાગ્યાથી વરસાદ સતત બે કલાક ચાલુ રહ્યો હતો.વિંઝાણ ખીરસરા, કોઠારા, ભાનાડા, વાડાપધ્ધર, વરંડી, નારાણપર, નુંધાતડ, હજાપર, મીંયાણી સહિતના વિસ્તારમાં પણ સવારે બે કલાક મેઘમહેર વરસી હતી.વાયોર, રામપર-અબડા, ફુલાય, વાગોઠ સહિત સમગ્ર ગરડા પંથકમાં સાડા નવ વાગ્યા બાદ વરસાદ ધીમી ધારે વરસવાનું ચાલુ થયું હતું. બિટ્ટા, તેરા, ભવાનીપર, મોથાળા, રાતાતળાવ, સણોસરા, વમોટી, ખાનાય વિસ્તારમાં પણ સવારે નવ વાગ્યા બાદ ધીમીધારે ચાલુ થયા બાદ સતત વરસાદ વરસી રહ્યો છે.આમ સમગ્ર તાલુકામાં સવારથી જ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદના લીધે લોકોને ગરમી વચ્ચે ઠંડકનો અહેસાસ થવા સાથ હજુ વાદળછાયા વાતાવરણ સાથે વધુ વરસાદની શક્યતા હવામાન ખાતાની આગાહી મુજબ જોવાઈ રહી છે. નલિયા નજીક પીંગલેશ્વર, કડુલી વગેરે દરિયાઈ વિસ્તારમાં આજે સવારે ચારથી પાંચ ઈંચ જેટલો વરસાદ થયો હોવાનું જે.જે.ગજવાએ જણાવ્યું હતું. અબડાસા તાલુકાના ખિરસરા વિંઝાણ ગામની નદીમાં વરસાદી પાણીના વહેણમાં એક બોલેરો ગાડી ફસાઈ હતી. 


.
..................




બપોરે ૧ર વાગ્યા સુધી થયેલ વરસાદના આંકડા 


તાલુકો    વરસાદ    સિઝનનો
        કુલ
લખપત    ૧૪    ૨૩૧
રાપર    ૧૦     ૨૨૫
ભચાઉ    ૪૧    ૧૮૫
અંજાર    ૧૦    ૪૩૩
ભુજ    ૦    ૩૧૧
નખત્રાણા    ૭    ૪૭૪
અબડાસા    ૬૦    ૩૩૬
માંડવી    પ૯    ૬૨૭
મુન્દ્રા    ૩     ૭૪૬
ગાંધીધામ    ૬    ૩૪૯


 

Comments

COMMENT / REPLY FROM