નખત્રાણા - લખપતમાં રાષ્ટ્રીય પક્ષી મોરની શિકાર પ્રવૃતિમાં ઉછાળો
મોરના મોતનો સિલસીલો અટકાવવા સરકાર તાકીદે પગલાં ભરે
જુલરાઈમાં પવનચક્કીના પાપે બે દિવસમાં બે મોરના મોતની ઘટનામાં વન વિભાગ ઘોર નિંદ્રામાં કે પછી વહિવટ... ? : અગાઉ પાવરપટ્ટીના ઝુરા, નિરોણા અને વમોટીમાં મોરના મોત થયા પણ તપાસ શુન્ય : પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકામાં મોરની સાથે અન્ય પક્ષીઓની શિકારી પ્રવૃતિમાં ઉછાળો ચિંતાજનક : દાદાગીરી પૂર્વક થતી શિકારી પ્રવૃતિ પર તાકીદે પગલાં ભરાય તેવી ઉઠતી માંગ : ભિટારા, નખત્રાણા, થાન, વમોટી, કોઠારા, સાંયરા (યક્ષ), જુલરાઈ વિસ્તારમાં મોરની ઘટતી સંખ્યા તપાસનો વિષય : પવનચક્કીના સંચાલકો સામે આક્રોશ
નખત્રાણા : પશ્ચિમ કચ્છમાં પવનચક્કીઓનું આગમન કયા એવા ચોઘડીએ થયું છે કે, માથાકુટો હટવાનું નામ જ નથી લેતી. હજુ તો લખપત તાલુકાના જુલરાઈમાં પવનચક્કીના પાપે રાષ્ટ્રીય પક્ષી મોરના ઉપરા ઉપરી બે દિવસમાં એક જ સ્થળ પર થી બે મોરના મૃતદેહ મળતાં પશુપ્રેમીઓમાં આક્રોશ ફેલાયો છે. અગાઉ અબડાસાના વમોટી ગામે વીજલાઈનમાં ભટકાતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થયું હતું. તો ઝુરા કેમ્પના પહાડી પંથકમાં પણ ભૂતકાળમાં મોરના મોત થયા હતા. અબડાસા, લખપત, નખત્રાણા પંથકમાં દિનબદિન ઘટતી જતી રાષ્ટ્રીય પક્ષી મોરની સંખ્યા ચિંતાજનક છે. જો આ પવનચક્કીઓની સાથે શિકારી પ્રવૃતિને તાકીદે અટકાવવામાં નહીં આવે તો ભાવિ પેઢીને મોર નામનું રાષ્ટ્રીય પક્ષી માત્ર પુસ્તકમાં ચિત્ર સ્વરૂપે જોવા મળે તે દિવસો દૂર નથી. નખત્રાણામાં ધડમ ડુંગરની તળટી, થાન તથા ધિણોધર તળેટી, સાંયરા (યક્ષ) ભીખુ ઋષિની તળેટીમાં અસંખ્ય મોર દાણા ખાવા, પાણી પીવા માટે આવે છે. તો ભીટરામાં ભળેશ્વર મંદિર પાસે પણ સવારના અનેક મોરના નૃત્ય જોઈ શકાય છે. અબડાસાના ગામે ગામ તથા લખપતના અમુક ગામોમાં મોરની સંખ્યા મોટા પ્રમાણમાં હતી. પરંતુ ઉધોગો અને પવનચક્કી અને શિકારી પ્રવૃતિ વધતા મોરની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે. પાવરપટ્ટી પંથકના બન્નીના છારીઢંઢની આસપાસ મોટી સંખ્યામાં વિચરતા પ્રવાસી- પક્ષીઓની અને રાની પશુઓની થતી બેફામ શિકારને લઈને બિબ્બર અને ભગાડિયાના રણ પ્રદેશમાં નીલગાયના શિકાર રોજીદી પ્રવૃતિ બની જતાં જીવદયા પ્રેમીઓના જીવ ઉકળી ઉઠ્યા છે. આ વિસ્તારમાં દાદાગીરી પૂર્વક થતી શિકાર પ્રવૃતિમાં વન વિભાગ અને અમુક ભ્રષ્ટ નેતાના સહયોગથી ચાલી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. છારીઢંઢ વન ખાતા હસ્તકનું આ રક્ષિત અભ્યારણ્ય છે, લખપત પણ તે ડિઝાઈનમાં આવે છે. પક્ષી, પ્રકૃતિ પર્યાવરણ પ્રેમ માટે વોચ ટાવર સહિતની સુવિધા ઉભી કરાય છે, છતાં સાંજ ઢળતાં જ બંદુકના ધડાકા બંધ કરાવવા વન તંત્ર કોની લાજના ઘુંઘટો તાણે છે ? નાની બન્ની વિસ્તારમાં મોરની સંખ્યા ખુબ જ હતી પરંતુ બંદુકના ભડાકાના અવાજમાં મોરના પિંછા પણ જોવા મળતાં નથી ? આ પંથકમાં બારાતું તત્વોના પગરણથી મોર, કુંજ સહિતના પશુઓની કત્તલેઆમ હત્યા થાય છે. ત્યારે આડેધેડ અપાતા બંદુકોના લાયસન્સ બંધ થાય અથવા રદ્દ કરવામાં આવે તો પક્ષીઓનો બચાવ થઈ શકે તેમ છે. આ વિસ્તારમાં પવનચક્કીઓ આવી છે. સાથે અન્ય દુષણો પણ લાવી છે. વન ખાતાને લાગે વળગે છે ત્યાં સુધી તેને લગતા બનાવો અવાર નવાર આ વિસ્તારમાં બનતા રહે છે, પરંતુ ઘણી વખત ભ્રષ્ટાચારના ઓઠા હેઠળ ઢાંક પિછોણા કરી દેવામાં આવે છે. આથી અસામાજિક તત્ત્વોને ખુલ્લું મેદાન મળે છે અને બીજીબાજુ ઉલ્ટા ચોર કોટવાલને દંડે તેવો તાલ સર્જાયો છે. તંત્રની સામે માથુ ઉંચકતા પણ આવા તત્ત્વો અચકાતા નથી તે પણ એટલું જ સત્ય છે. મોરના મોત પછી પવનચક્કીના સંચાલકોના પેટનું પાણી હલતું નથી. પવનચક્કી, વીજ કંપની સામે એફઓઆર વન ગુનો વન વિભાગ કેમ નથી કરતું તેવો સવાલ ઉઠી રહ્યો છે.
..........
મોરના મોત સંદર્ભે સંબંધિત તંત્રને અપાય છે નોટીસ : આરએફઓ
પશ્ચિમ કચ્છમાં અવાર નવાર મોરના મૃત્યુ પવનચક્કીના કારણે અથવા વીજશોકના લીધે થતાં હોય છે તે સંદર્ભે લખપતના આરએફઓ એે.જી. રબારીએ જણાવ્યું હતુુું કે, મોરના મોતનો કોઈ બનાવ બને તો ગુનો દાખલ કરવામાં આવે છે. સંબંધિત તંત્રને નોટીસ પણ પાઠવવામાં આવે છે. નિયમાનુસાર તમામ પ્રક્રિયા પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ હાથ ધરવામાં આવે છે. નલિયા દક્ષિણ રેન્જ આરએફઓ કનકસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, વીજ શોક લાગવાથી રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત થાય તેવા કિસ્સામાં વીજ વિભાગના જવાબદાર અધિકારીઓને જ બોલાવી તે સ્થળેથી ટ્રાન્સમીશન લગાવાયેલું હોય તો તે ખસેડી દેવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં તેવો કોઈ બનાવ ફરી ન બને. નલિયા ઉત્તર રેન્જના શ્રી સોલંકીએ પણ મોર મોતના કિસ્સામાં એસીએફની હાજરીમાં મોરની દફનવિધિ ઉપરાંત જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ પવનચક્કી અને વીજ શોક લાગવાથી થાય છે. આ અંગે રિપોર્ટ પોસ્ટમોટમ કર્યા બાદ જાણી શકાય છે ત્યારે લખપત તાલુકાના જણાવ્યા ગામે પ્રમાણે ર૦ર૩માં પ્રાઈવેટ વીજ ઉપકરણ લગાવેલ જગ્યા ઉપર મોર આવી જતાં મૃત્યું થયું હતું. આ અંગે જંગલખાતાના દયાપર આર.એફ.ઓફ શ્રી રબારીએ જણાવ્યું હતું કે, વીજ શોક લાગવાથી મોરનું મૃત્યું થયું હતું. આ અંગેની નોટીસ પાઠવી કાર્યવાહી કરી હતી અને પ્રાઈવેટ કંપની પાસેથી ખુલાસાઓ મંગાવવામાં આવ્યા હતા તેવું કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છના અમુક ગામોમાં મોરની વસ્તી સારી એવી હતી. ધીરે-ધીરે નામશેષ તરફ જઈ રહી છે. હજુ પણ તંત્ર, પ્રજા અને રાજકીય અગ્રણીઓ જાગૃતતા નહીં કેળવે તો રાષ્ટ્રીય પક્ષી મોર પણ ઘોરાડની જેમ દુર્લભ બની જશે.

Comments