Trending News
સ્થાનિક સમાચાર

મુંદરાના પત્રી ગામે મધરાત્રે કાકાઈ ભાઈએ જ ભાઈનું ઢીમ ઢાળી દીધું

27 July


કુહાડીના બે ઘા મારી કરાયેલી હત્યાથી તાલુકામાં ચકચાર : આરોપીઓ હાથવેંતમાં : કારણ જાણવા માટે તપાસ તેજ


મુંદરા : જિલ્લામાં જોખમાતી કાયદો - વ્યવસ્થા વચ્ચે મુંદરા તાલુકાના પત્રી ગામે મધરાત્રે યુવાનની હત્યા થતા દોડધામ મચી ગઈ છે. કાકાઈ ભાઈએ જ ભાઈનું ઢીમ ઢાળી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાગપર પીઆઈના રાઈટર રવજીભાઈ આહીર અને દિનેશભાઈએ માહિતી આપતા જણાવ્યું કે, હતભાગી ર૭ વર્ષિય ભરત હરજી જોગી પત્રી ગામના મફતનગરમાં રહેતો હતો. ગઈકાલે રાત્રે આ યુવાન સુતો હતો ત્યારે ત્રણ વાગ્યાના અરસામાં કાકાઈ ભાઈ તેના ઘરે પહોંચ્યો અને બોલાચાલી બાદ ઝઘડો કરી કુહાડીના બે ઘા મારી કરપીણ હત્યા નિપજાવી હતી. હતભાગીનો કાકાઈ ભાઈ તેના ઘરની સામે જ રહેતો હતો. મધરાતે જીવલેણ હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બાબતે પીઆઈ હાર્દિક ત્રિવેદીએ જણાવ્યું કે, હતભાગીને ગળાના ભાગે ક્રુરતાપૂર્વક ઘા મારીને બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. કાકાઈ ભાઈ રમેશ મેઘજી જોગી પોલીસના હાથવેંતમાં છે. પુછપરછ બાદ હત્યાનું સાચું કારણ સામે આવવા પામશે. હાલ પ્રાગપર પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે. અત્રે મહત્વનું છે કે, ભૂતકાળમાં પત્રી ગામે ખનીજ ચોરી સામે લડત આપતા પૃથ્વીરાજસિંહ જાડેજાની કરપીણ હત્યા થતા સનસનાટી મચી ગઈ હતી. ગઈકાલે રાત્રે મર્ડરની આ ઘટનાએ તાલુકાભરમાં ચકચાર જગાવી છે.

Comments

COMMENT / REPLY FROM