કચ્છની તમામ શાળાઓને સત્વરે ફાયર NOC મેળવી લેવા કરાઈ તાકીદ
કમિશ્નર ઓફ સ્કૂલ દ્વારા દરેક ડીઇઓ કચેરીને પરિપત્ર મોકલીને ફાયર એનઓસી માટે નિયમોના પાલન અંગે અપાઈ ગાઈડલાઈન : છાત્રોની સંખ્યાને લઈ શાળાઓમાં પાળી પધ્ધતિનો અમલ કરાવવા આદેશ
ભુજ : કચ્છ સહિત રાજયની તમામ સ્કૂલોને ફાયર એનઓસી મેળવી લેવા માટે કમિશ્નર ઓફ સ્કૂલ દ્વારા સૂચના આ૫વામાં આવી છે. રાજયની દરેક ડીઇઓ કચેરીને પરિપત્ર મોકલીને ફાયર એનઓસી માટે કયા પ્રકારના નિયમોનું પાલન કરવું તેની વિસ્તૃત ગાઇડલાઇન પણ જાહેર કરાઈ છે. રાજ્યસ્તરેથી થયેલા આદેશ બાદ કચ્છની તમામ શાળાઓને સત્વરે ફાયર એનઓસી મેળવી લેવા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તાકીદ કરાઈ છે. આ અંગેની વિગતો મુજબ રાજકોટમાં બનેલી આગની દુર્ઘટના બાદ સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઇને ભારે વિવાદ ઉભો થયો હતો. વિભાગ દ્વારા દરેક સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લગતી વ્યવસ્થા અને બી.યુ.પરવાનગી છે કે નહી તેની ચકાસણી કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, સ્કૂલ ઓફ કમિશ્નર દ્વારા પત્ર મોકલીને એવી તાકીદ કરવામાં આવી છે કે, દરેક સ્કૂલોએ ફાયર એનઓસી મેળવી લેવાનું રહેશે. આ ઉપરાંત ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે જેમાં બે કે તેથી વધારે માળ ધરાવતી સ્કૂલોએ ગ્રાઉન્ડ ફલોર અને પ્રથમ માળનો શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવાનો રહેશે. જે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય તે શાળાઓમાં પાળી પદ્ધતિ લાગુ કરવામાં આવશે, જેના કારણે કચ્છ જિલ્લામાં કેટલીક પ્રાથમિક શાળાઓમાં પાળી પદ્ધતિથી શિક્ષણકાર્ય કરાવવામાં આવશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. કમિશ્નર ઓફ સ્કૂલ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે, જે સ્કૂલમાં આધુનિક અને ઓનલાઇન શિક્ષણ આપવાની વ્યવસ્થા હોય તેઓ ઓનલાઇન શિક્ષણ પણ આપી શકશે. જે શાળાનો ફલોર એરિયા ૫૦૦ ચો.મી.થી વધુ હોય તેવી શાળાઓએ શકય હોય તો ૫૦૦ ચો.મી.થી ઓછા ફલોર એરિયાનો શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવાનો રહેશે. શાળા સમય દરમિયાન આગ લાગી શકે કે પ્રસરી શકે તેવા જવલનશીલ પદાર્થ કે વસ્તુઓ રાખી કે તેવી કોઇ પ્રવૃત્તિ કરી શકાશે નહી. શાળા પરિસરમાં આવેલી ૫ેન્ટ્રી, રસોઇઘર, કેન્ટીનનો આ સમયગાળા દરમિયાન ઉ૫યોગ ન કરવા તાકીદ કરવામાં આવી છે.ઇલેક્ટ્રીસીટીન મંજુર થયેલા લોડ પ્રમાણે જ સાધનોનો ઉપયોગ કરવો વધુ વપરાશ ટાળવો, શાળામાં શૈક્ષણિક કાર્ય દરમિયાન પુરતી હવા ઉજાસ જળવાઇ રહે, બારી-બારણા ખુલ્લા રહે તેની તકેદારી રાખવી, શાળાઓમાં ફાયર સેફ્ટી પ્લાન સરળ ભાષામાં તૈયાર કરીને યોગ્ય જગ્યાએ પ્રદર્શિત કરવાનો રહેશે. શાળાઓએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ સાથે રહીને મોક ડ્રીલ કે તાલીમનું આયોજન કરવાનું રહેશે. આ તમામ તકેદારી રાખ્યા પછી પણ કોઇ અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદાર શાળાની રહેશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. તમામ સ્કૂલોએ નિશ્ચિત સમયગાળામાં ફાયર એનઓસીની મંજુરી અને ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા કરવાની રહેશે અન્યથા શાળાની માન્યતાં રદ્ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જે શાળાઓએ ફાયર એનઓસી માટે અરજી કરી નથી તેઓએ ૧૦ દિવસમાં અરજી કરવાની રહેશે.

Comments