Trending News
સ્થાનિક સમાચાર

ચાંદિપુરાએ વધારી ચિંતા : માધાપરની ૮ માસની બાળકીનો રીપોર્ટ આવે તે પૂર્વે જ મોત 

26 July




ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી માસૂમ બાળકીનું ગત રાત્રીએ નિપજયું મોત : શંકાસ્પદ લક્ષણો ધરાવતી બાળકીના સેમ્પલ ગાંધીનગર પહોંચ્યા : સંભવતઃ આજે સાંજે આવશે રિપોર્ટ 



જિલ્લામાં ચાંદીપુરાના વધુ બે શંકાસ્પદ કેસ નોંધાયા : માંડવીના ૧૮ વર્ષિય તરૂણ અને મુંદરાની ૬ વર્ષિય બાળકીના સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા : જિલ્લા આરોગ્ય તંત્રએ વધારી સતકર્તા : અટકાયતી પગલાં માટે તંત્રની કવાયત 



છેલ્લા આઠ દિવસથી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર હેઠળ રખાયેલી દેવપર યક્ષની ચાંદીપુરાગ્રસ્ત બાળકીની તબિયત સ્થિર 



ભુજ : રાજ્યભરમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસે કચ્છની ચિંતામાં વધારો કર્યો છે. ભુજ તાલુકાના માધાપર ગામની આઠ માસની માસૂમ બાળકીમાં ચાદીપુરાના લક્ષણો દેખાયા હતા. ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી બાળકીનો રિપોર્ટ આવે તે પહેલાં જ મોત થતાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. છેલ્લા આઠ દિવસથી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયેલી ચાંદીપુરાગ્રસ્ત બાળકીની સ્થિતિ સ્થિર છે અને તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી છે. બીજીતરફ ગઈકાલે કચ્છમાં ચાંદીપુરાના વધુ ત્રણ શંકાસ્પદ કેસ સામે આવતાં તેમના સેમ્પલ લઈ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. આ અંગે વિગત મુજબ રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના સતત વધી રહેલા કેસો વચ્ચે કચ્છ જિલ્લામાં પણ આ બિમારીએ સંક્રમણ વધાર્યું છે. જિલ્લામાં ચાંદીપુરાનો એક પોઝીટીવ કેસ નોંધાયો છે. નખત્રાણા તાલુકાના દેવપર ગામની દોઢ વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટીવ આવતા હાલ તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. દરમ્યાન જ ભુજ તાલુકાના માધાપર ગામની આઠ માસની બાળકીમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા. ભુજની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલી બાળકીના સેમ્પલ લઈ ખાસ વાહન મારફતે ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. જો કે, બાળકીનો રિપોર્ટ આવે તે પહેલા જ ગત રાત્રીએ તેનું મોત થયુું હોવાનું જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમારસિંધે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, માધાપરની બાળકીના સેમ્પલ લીધા બાદ પરીક્ષણ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. બાળકીના સેમ્પલ ગાંધીનગર પહોંચી ગયા છે, પરંતુ તેનો રિપોર્ટ આવે તે પહેલા જ ગઈકાલે રાતે બાળકીનું મોત થયું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે કચ્છ જિલ્લામાં ચાંદીપુરાના વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાં માંડવી તાલુકાના ૧૮ વર્ષિય તરૂણ અને મુંદરાની એક છ વર્ષિય બાળકીમાં ચાંદીપુરાની બિમારીના શંકાસ્પદ લક્ષણો જણાતા તેના સેમ્પલ ગાંધીનગર પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. મુંદરાની બાળકીને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તો છેલ્લા ૮ દિવસથી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર હેઠળ રહેલ દેવપરની દોઢ વર્ષિય બાળકીની તબીયત સ્થિત હોવાનું તેમણે જણાવ્યું હતું. કેશવકુમાર સિંઘે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ચાંદીપુરાના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં કોઈ કેસ ચુકી ન જવાય તેની તકેદારીના ભાગરૂપે જરૂર જણાય સારવાર માટે આવતા બાળકોના સેમ્પલ લેવામાં આવે છે. માધાપરના ૮ વર્ષિય બાળકના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેની તબીયત હાલે સારી છે અને સંભવતઃ તેનો રિપોર્ટ પણ નેગેટીવ આવશે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પગ પેસારો કરતાં આરોગ્ય તંત્રએ સતર્કતા વધારી છે. દવાઓના છંટકાવ સાથે ફીવરના સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન અંજાર તાલુકાના મેઘપર ગામના બાળકને સારવાર માટે અમદાવાદ લઈ જવાયો છે. તેમાં પણ શંકાસ્પદ લક્ષણો જણાતા તેની જાણ જિલ્લા આરોગ્ય તંત્રને કરવામાં આવી છે. મેઘપર ગામમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લાનું આરોગ્ય તંત્ર હાલે દરેક પરિસ્થિતિ પર સતત ધ્યાન આપી રહ્યું છે. 

Comments

COMMENT / REPLY FROM