Trending News
સ્થાનિક સમાચાર

રેલ્વે અંડરબ્રીજમાં વરસાદી પાણી નિકાલમાં કંઇક ખોટું રંધાતું હોવાની ગંધ

25 July


કચ્છના વિકાસ સાથે રેલ્વેના વિસ્તરણે વધારી દીધી છે હજારો લોકોની હાલાકી

ભુજ : કચ્છમાં પુરતો વરસાદ વરસી જતાં સૌ આનંદિત છે પણ ૨૦૧૬થી ભુજ નલીયા રેલ્વે લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતરણ થયું અને માનવ સંચાલિત ફાટકને બદલે જ્યાં પણ અંડરબીજ બનાવાયા છે તે વિસ્તારના ગ્રામજનોની ભારે માઠી દશા બેઠી છે. અંડરબીજોમાં ભરાતાં વરસાદી પાણીને જમીનમાં ઉતારી દેવા રેલ્વે તંત્રએ જમીનમાં અનેક બોર કર્યા છે અને તેની ઉપર એક પુલ દીઠ કોટીના બબ્બે મોટા મોટા અંડર ગ્રાઉન્ડ ટાંકા બનાવીને તેને ઢાંંકી દીધા છે. તકલીફ એ છે કે આ ડીઝાઈન સંપુર્ણ નિષ્ફળ જવાથી અને ટાંકાઓ રેતી, માટી અને કચરાથી ભરાઇ ગયા હોવાથી એક એક અંડરબીજમાં કરોડોના ખર્ચ કરીને પણ એકેય વાર વરસાદનું પાણી જમીનમાં ઉતારી શકાયું નથી અને ૨૦૧૭થી આજ સુધી બધા જ અંડર બીજમાં દરેક વરસાદમાં ભરાતાં પાણીને ડીઝલ પંપ દ્વારા ઉલેચીને બહાર ફેંકવું પડે છે. માત્ર ભુજ તાલુકાના સુખપર ગામની વાત કરીએ તો ૨૦૧૬માં ટાંકાઓ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે પણ બાંધકામના નિષ્ણાંત ગ્રામજનોએ રેલ્વેના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ કહેલ કે આ રીતે વરસાદી પાણીનો નિકાલ શક્ય નહીં બને પણ કેમ જાણે વધુને વધુ બાંધકામ કરીને મોટા બિલ બનાવવામાં જ રસ હોય તેમ કોઈનું પણ સાંભળ્યા વગર એક પુલ દીઠ અંદાજીત સાઇઠથી સીતેર લાખનો ધુમાડો કરીને ટાંકા અને પાઇપો ખડકી દેવાયા પછી લોકોને જે ડર હતો એ પ્રમાણે પહેલા જ વરસાદે યોજના સંપૂર્ણ નિષ્ફળ જવાથી છેલ્લા આઠ દસ વર્ષથી દર ચોમાસે દરેક વરસાદે પંપથી પાણી ઉલેચવા માટે પ્રજાએ ભરેલ ટેકસથી લાખો રૂપીયાના ઠેકા આપી દેવાય છે.
પાણી ભરાય ત્યારે ખાલી કરવા જાણ કરવા માટે રેલ્વે દ્વારા દરેક પુલની દિવાલમાં કોન્ટ્રાક્ટરના ફોન નંબર લખાયેલ રહેતા પણ અત્યારે પણ ભુંસી દેવાયાં છે એટલે જ્યારે પાણી ભરાય તો ખાલી કરવા કોને જાણ કરવી એ ખબર ન હોવાથી પગપાળા કે વાહનથી પસાર થતા હજારો લોકોની અવર જવર અનેકવાર આખો દિવસ બંધ થઈ જાય છે સાથે પાણી કેટલું ભરાયેલ છે તેના માપનું કોઇ જ નિશાન કે બોર્ડ લાગેલ ન હોવાથી પુલ સુધી આવી ગયેલ અજાણ્યા વાહન ચાલકો બીજા રસ્તેથી લાંબો ફેરો ખાવાનું ટાળવા પાણીમાંથી નીકળી જવાનું સાહસ કરતા હોવાથી દર વખતે અસંખ્ય વાહનો બરોબર પુલ નીચે પહોંચતાં એન્જીનમાં પાણી ભરાતા બંધ પડી જઈને રીતસર તરવા લાગે છે અને પછી કાઢવા માટે ટ્રેક્ટરો વને ગેરેજમાં રિપેરિંગ માટે હજારોના ખર્ચ સહિતની હેરાનગતિ ભોગવે છે. ફોટાઓ અને વીડીયો સાથેની માહિતી રેલ્વેના જવાબદારી સુધી પહોંચાડી છતા તંત્ર કે જનપ્રતિનિધીઓના પેટનું પાણી હલતું નથી તે અચરજ પમાડે છે. 
પાણીના નિકાલ માટે દર ચોમાસે મસમોટી રકમના કોન્ટ્રાક્ટ અપાતા હોવા છતાં રેલ્વેના વાહનોની દોડધામ સાથે મોટાભાગનું કામ રેલ્વેના કર્મચારીઓ જ સંભાળતા હોય તેવું દેખાય છે. સાથે અત્યાર સુધી કોઈ કોન્ટ્રાક્ટરે આ વિસ્તાર દેખાયા ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. પાણી નિકાલની વ્યવસ્થાની દેખરેખ કરતા રેલ્વે અધિકારીને પુછતાં તેમણે પણ કોન્ટ્રાક્ટરનું નામ સરનામું આપવા અસમર્થતા દર્શાવતા આ વિષયે અંદરો અંદરની મીલીભગતથી કંઈક ખોટું થતું હોવાની ગંઘ આવી રહી છે.  કચ્છમાથી સરકારને અબજો રૂપીયા કમાઈ આપતાં રેલ્વે તંત્રને કારણે જ આ બધી સમસ્યાઓ ઉભી થઈ હોવા છતાં તેના સાહેબોને જાણે પાટા ઉપર રેલ્વે બરોબર દોડે તેની જ ચિંતા હોય અને પાટા નીચેના અનેક પુલમાં પસાર થતા બિમાર, વૃધ્ધો, મહિલાઓ, બાળકો, સ્કુલ વાહનો ધંધાદારીઓ સહિત દરરોજ હજારો લોકોની સંખ્યાને થતી પારાવાર હેરાનગતીના નિવારણમાં કોઈ જ રસ ન હોય તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ૨૦૧૭થી ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, ડીડીઓ, કલેક્ટર, સાંસદ, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને રેલ્વેના દરેક વિભાગોને લેખીત અને મૌખિક રજુઆતો, ધરણા અને રસ્તો બંધ કરવો સહિતના આઠ દસ વર્ષના લાંબા સમયથી સંઘર્ષ કરવામાં આવી રહ્યો છે. જન પ્રતિનિધીઓ સહિતના બધા બધું જાણતા હોવા છતાં કોઇ જ ઉકેલ ન આવતાં અંદરો અંદર ધૂંધવાઇ રહેલા લોકો પ્રશ્ન પુછી રહ્યા છે કે વિકાસ લોકોની સુખાકારી માટે હોય કે મુશ્કેલીઓ વધારવા માટે ? લોકો કહે છે કે હવે તાત્કાલિક આ સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવે તો હવે સ્થાનિકો વિચારી રહ્યા છે કે જો અમે પુલ નીચે ન ચાલી શકીએ તો રેલ્વેને પણ પાટા ઉપર ચાલવા નહી આપીએ અને રેલ્વે પસાર થવાના સમયે સ્કુલના બાળકો અને મહિલાઓ સહિત અમે પણ રેલ્વેના પાટા ઉપર બેસી જશું.
----

Comments

COMMENT / REPLY FROM