અંજારના વિજયનગરમાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જતા ત્રણ વર્ષના માસુમનું મોત
કરંટ લાગવાના કારણે માધાપરમાં મહિલા અને ધાણેટીમાં યુવકે જીવ ગુમાવ્યો : વિરાણી અને ગુણાતીતપુરમાં બે યુવકે ફાંસો ખાઈ દુનિયાને અલવીદા કહ્યું : રેલડી પાસે અકસ્માતમાં અજાણ્યા યુવકનું મોત
ગાંધીધામ : જિલ્લામાં મોતનું કાળચક્ર ફરી વળ્યું હોય તેમ અલગ અલગ છ લોકોના મોત થવા પામ્યા છે. વરસાદી સીઝનમાં પાણી ભરેલા ખાડા અને વિદ્યૂત આંચકો જીવલેણ સાબિત થઈ રહ્યો છે જેથી સાવધાની રાખવી જરૂરી છે. ગાંધીધામમાં ખાડામાં પડી જવાના કારણે શ્રમજીવીના બે બાળકોના મોતની ઘટના તાજી છે ત્યાં અંજારમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. શહેરના વિજયનગર કોલીવાસમાં ઘર પાસે ખાડામાં પાણી ભરાઈ જતા ત્રણ વર્ષનો માસુમ બાળક ડુબી ગયો હતો. જેનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ ત્રણ વર્ષિય ધીરજ ઓફસીંગ કુશ્વાહ ઘર પાસે રમતો હતો, ત્યારે સવારે આઠ વાગ્યાના અરસામાં ઘરની પાસે આવેલા ખાડામાં પાણી ભરાયેલો હોઈ પડી જતા તેનું મોત થયું હતું. અંજાર પોલીસે એડી દાખલ કરી છે. મહત્વનું છે કે, શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા આડેધડ ગટર માટે ખાડા ખોદવામાં આવે છે પરંતુ તેમાં આડસ મુકાતી નથી અને ખાડા પુરવામાં આવતા નથી. પરિણામે આ પ્રમાણેની ઘટના બને છે. ભુજમાં પણ ઠેક ઠેકાણે નગરપાલિકાએ ખોદેલા ખાડા આવી દુર્ઘટના સર્જે તે પહેલા પ્રશાસન હરકતમાં આવે તે જરૂરી છે. આ તરફ ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ગામે આવેલા સુમરાવાસમાં કરંટ લાગવાના કારણે મહિલાનું મોત થયું હતું. ૩૮ વર્ષિય મલુકાબાઈ સુલેમાન સુમરા પોતાના ઘરે હતા અને પાણી ભરવાની મોટર ચાલુ કરવા ગયા ત્યારે વીજ કરંટ લાગતા સારવાર માટે જી.કે.માં લવાયા હતા. જેઓએ સારવાર દરમ્યાન દમ તોડયો હતો. તો ભુજ તાલુકાના ધાણેટી ગામે વિચિત્ર ઘટનાક્રમમાં યુવાનનું અકાળે મોત થયું હતું. ધાણેટી ખાતે આવેલ સદ્ગુરૂ મીનરલ્સમાં આ બનાવ બન્યો હતો. કંપનીમાં ટ્રક ખાલી કરવા માટે આવી અને રીવર્સ લેતા હતા એ દરમ્યાન ટ્રકની ઠોકરે અહીં ઉભેલો રર વર્ષિય સંજય રામા મસાર નામનો યુવક નીચે પટકાયો અને જમીન હોવાથી તે સ્લીપ થઈ બાજુમાં આવેલ ઈલેકટ્રીક ડીપીને અડી જતા કરંટ લાગવાના કારણે તેનું મોત થયું હતું. આ ઘટના અંગે પધ્ધર પોલીસે તપાસ હાથ ધરી છે. દરમ્યાન નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે રહેતા ભાવીન વિનોદભાઈ નાયાણીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે છતમાં આવેલ પંખાના હુંકમાં દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો. જયારે ભચાઉમાં ગુણાતીતપુર ગામે રહેતા ૩૩ વર્ષિય નીતીન ગંગારામ પોકારે પોતાના ઘરે ફાંસો ખાઈ લેતા ભચાઉ પોલીસે તપાસ હાથ ધરી છે. આ તરફ ભુજ તાલુકાના રેલડી બસ સ્ટેશન પાસે અજાણ્યા વાહનની હડફેટે આવી જવાથી યુવાનનું મોત થયું હતું. અહીં રપ થી ૩૦ વર્ષનો યુવાન પસાર થતો હતો, જેને કોઈ વાહને હડફેટે લેતા ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું. પધ્ધર પોલીસે હતભાગીની ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Comments