Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના રીન્યુએબલ એનર્જી પ્રોજેકટની ટ્રાન્સમીશન લાઈનો માટે બનશે કોરીડોર

25 July




રણ અને ઘુડખર અભ્યારણ્યની જીવસૃષ્ટિને સંભવિત નુકશાન અટકાવવા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય


ભુજ : કચ્છનુું રણ દેશનું રીન્યુએબલ એનર્જીનું હબ બનવા અગ્રેસર થયું છે. જિલ્લાના રણ વિસ્તારમાં મહાકાય રીન્યુએબલ એનર્જી પ્રોજેકટ આકાર લઈ રહ્યા છે. આ પ્રોજેકટના કારણે કચ્છના રણ અને ઘુડખર અભ્યારણ્યમાંથી તેેની ટ્રાન્સમીશન લાઈનો પસાર કરવામાં આવશે. જેથી સ્થાનીક જીવસૃષ્ટિને તેનાથી નુકશાન થવાની ભીતિ રહેલી છે. આ તમામ બાબતોને ધ્યાને લઈ રીન્યુએબલ એનર્જી પાર્કની તમામ ટ્રાન્સમીશન લાઈનો માટે એક ચોક્કસ કોરીડોર બનાવવાનો નિર્ણય લેવાયો છે. વીજલાઈનો પસાર કરવા માટે નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફ પાસેથી મંજુરી લેવામાં આવશે. આ અંગે મળતી વિગતો મુજબ ખાવડા વિસ્તારમાં ૩૦ ગીગાવોટ સોલાર અને વિન્ડ પાર્ક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 
અત્યાર સુધીમાં ૬ કંપનીઓને સોલાર અને વિન્ડ પાર્ક માટે જમીન પણ ફાળવી દેવાઇ છે. જે પૈકી અદાણી ગ્રીન એનર્જી દ્વારા ખાવડામાં પવન ઉર્જાનું ઉત્પાદન પણ શરૂ કરી દેવાયું છે. આ રિન્યુએબલ પાર્કમાં કુલ ઉત્પાદન આગામી સમયમાં ૩૦ ગીગાવોટથી વધારીને ૪૨ ગીગાવોટ સુધી કરવા માટે પણ આયોજન કરાઇ રહ્યુ છે. તે સંજોગોમાં પાર્કની ઇલેક્ટ્રીસિટીની પરિવહન લાઇન પણ મોટાપાયે નાખવામાં આવશે. આ માટે ૪૦૦ કેવીથી લઇને ૭૬૫ કેવી સુધીની અંદાજે ૮ લાઇન નખાશે. 
આ તમામ લાઇન કચ્છના રણ અને ઘુડખર અભ્યારણ્ય વિસ્તારમાંથી જ પસાર થતી હોવાથી જીવ સૃષ્ટિને નુકસાન ન થાય તેમજ સંવર્ધન થાય તે માટે એક ચોક્કસ રૂટ-કોરિડોર નક્કી કરી તેમાંથી જ ભવિષ્યમાં આવનારી તમામ લાઇન પસાર કરવાનો નિર્ણય કરાયો છે. તેના કારણે વાઇલ્ડ લાઇફ બોર્ડ પાસેથી આ કોરિડોરની મંજૂરી મેળવી જે તે યુઝર એજન્સી પાસેથી તેના લાઇનનું ટેન્ડર એપ્રુવ થયા બાદ રકમ વસૂલ કરાશે. ટ્રાન્સમિશન લાઇનના રૂટ ખાવડા પાર્કથી ભુજ, ખાવડા પાર્કથી અમદાવાદ થઇ સુરત અને નવસારી સુધી તેમજ ખાવડાથી નવસારી થઇને નાગપુર સુધીના નક્કી કરાયા છે.

............


કોરિડોર નક્કી કરવા સમિતિની કરાઇ રચના 


વન વિભાગ દ્વારા કચ્છ વિસ્તારની ટ્રાન્સમિશન લાઇન માટે ચોક્કસ કોરિડોર નક્કી કરવા એક ઉચ્ચ કક્ષાની સમિતિની રચના પણ કરી દેવામાં આવી છે. જેના ચેરમેન તરીકે ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન રહેશે. તે સાથે જેટકોના એમડી ઉપરાંત ભારત સરકારના રિન્યુએબલ એનર્જી પાર્કના નોડલ અધિકારી, બન્ની ગ્રાસલેન્ડ વિભાગના વન અધિકારી સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓનો પણ તેમાં સમાવેશ કરાયો છે. જે સ્થળ તપાસ કરીને કોરિડોર નક્કી કરી તેની ભલામણ સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફને રજૂ કરશે. 

Comments

COMMENT / REPLY FROM