મુન્દ્રા મરીન પીએસઆઈએ પાંચ વ્યક્તિઓના જીવ બચાવ્યા
મુન્દ્રા : ગત રાત્રિએ મુન્દ્રા તાલુકાના લુણી ગામે વહેતી નદીમાં તણાઈ ગયેલી કારમાં બેઠેલા પાંચ વ્યક્તિને મુન્દ્રા મરીન પીએસઆઈ નિર્મલસિંહ જાડેજાએ બચાવી લઈ બહાદુરી અને સાહસનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ગઈકાલે રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં મુન્દ્રાના લુણી ગણેશ મંદિર પાસે વહેતી નદીમાં મારુતી કાર પાણીમાં તણાઈ પ૦ મીટર અંદર જઈને અટકી ગઈ હતી. આ કારમાં બેઠેલા પાંચ વ્યક્તિઓ કારમાંથી બહાર નીકળી ગાડી પર બેસી ગયા હતા અને બચાવ માટે પોકાર કર્યા હતા. રમેશભાઈ સુરેશભાઈ ચૌધરી, નિરજ શૈલેષ પ્રજાપતિ, ભવરસિંહ શ્રવણસિંહ રાજપૂત, ઉમેદસિંગ પ્રહલાદસિંગ રાજપૂત અને ગૌરવસિંહ દીપાશંકર વહેતી નદીના પાણીમાં કાર પર બેસી બચાવવા માટે પોકાર કરી રહ્યા હતા ત્યારે બનાવની જાણ થતા સ્થળ પર ધસી આવેલા મરીન પીએસઆઈ નિર્મલસિંહ જાડેજાએ પોતાના જીવ વધુ ફરજને પ્રાધાન્ય આપી દોરડા અને ટ્યૂબ લઈ નદીમાં ઝંપલાવી દીધું હતું. થોડીવારમાં ફસાયેલા લોકો પાસે પહોંચી જઈ એક પછી એક બધાને સલામત રીતે બહાર કાઢી લાવી બચાવી લીધા હતા. આ વેળાએ ડેપ્યુટી કલેક્ટર ચેતન મીસણ અને સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમણે મરીન પીએસઆઈને બહાદુરીને વધાવી લીધી હતી.

Comments